ઘડપણ માટે આર્થિક બચત કેમ જરૂરી છે? વાંચો બોધકથા

ઘડપણ માટે આર્થિક બચત

ગુજજુમિત્રો, આજે હું એક બોધકથા જણાવવા માગું છું જે તમને ઘડપણ માટે આર્થિક બચત અને પ્લાનિંગ ના મહત્ત્વ વિષે સમજાવશે.

જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય, અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે, અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાંના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય, અને એનું જીવન સમાપ્ત થઇ જાતું

પ્રજામાંથી રાજાની નિમણુંક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા ! પાંચ વર્ષ સુધી એ રાજા રહેતો!

અપાર જાહોજલાલી, અને એશો આરામની જિંદગી, પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે, પણ નવો રાજા એને ન સાંભળે.

એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ, અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા, એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’

King

સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારે બાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો, અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો, કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!

નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો, ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા, અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલો રાજા છો કે… આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો ? તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’

રાજા કહે, ‘તારી વાત સાચી છે! તેં મને સાચો ઓળખ્યો! ચાલ, તને પૂરી વાત કહું’:

“જે દિવસે હું રાજા બન્યો, ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો, ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું.

બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા.

જો ભાઈ, ધ્યાનથી સાંભળ…તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!”

ગુજજુમિત્રો, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ મહાલતા રહ્યા ! પણ ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી નિવૃત્તિ અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું, તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો કેરિયરની શરૂઆતના ૧૦-૧૫ વર્ષ કરક્સરથી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું, તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ નહીં આવે. “

તેથી ઘડપણ માટે આર્થિક બચત બહુ જરૂરી છે, આર્થિક પ્લાનિંગ માટે તમારી આવકમાંથી સૌ પ્રથમ બચત, અને ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરજો. તમારી કમાણીના (૨૫) વરસોમાં ૬૦ વર્ષ નિવૃત્તિ પછીની બાકીની જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે. એટલે જ આપણે ત્યાં કહેવત છે…

શિયાળા નું છાણું, જુવાની નું નાણું, અને ઘડપણનું વસાણું … સાચવીને રાખજો.

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *