અમે બે અને અમારું સુખી જીવન
આદર્શ ઘડપણ માટે સપનાં
ગુજજુમિત્રો, સુખી જીવન કેવું હોવું જોઈએ? એક સામાન્ય વિચારધારા પ્રમાણે, ઘડપણ માટે કેવા સપના હોય છે? દીકરી પોતાના સાસરે સુખી હોય, દીકરો અને વહુ તમારી સાથે રહીને તમારી સેવા કરે અને પૌત્રો પૌત્રીઓ તમને પ્રેમ આપે. પરંતુ મિત્રો, હવે સમય બદલાઈ રહ્યો છે. ભણીગણીને બાળકો મોટા શહેરમાં કે વિદેશમાં જતાં રહે છે, અને બચે છે કોણ? પતિ અને પત્ની. દીકરો હોય કે દીકરી, મહેમાનની જેમ આવે છે અને જતાં રહે છે. તેમનો પણ વાંક નથી કારણકે પક્ષીના બચ્ચાં ની પાંખો મજબૂત થાય પછી ઊડવાનું તો સ્વાભાવિક છે. મજબૂરી છે પૈસા કમાવાની.
હું અને તું, બીજું જોઈએ શું?
તો શું તેનો અર્થ એ થયો કે બે માણસ એકલા દુખી જીવન જીવશે? બિલકુલ નહી. બે એવા માણસ જે એકબીજાને અત્યંત સારી રીતે ઓળખે છે, તેમની આદતો અને નબળાઈઓથી વાકેફ છે, તેની સાથે જીવવું તો બહુ સુખમય છે. આખું જીવન ફરજો નિભાવવામાં ખર્ચી નાખ્યું હોય પછી આ જ સમય છે એકબીજા સાથે રહેવાનો, હસવાનો અને આરામ કરવાનો. ચાલો એક સુંદર લેખ શેર કરું જે આવા જ બે સુખી પતિ-પત્ની લખ્યો છે.
અમે બે અને અમારું સુખી જીવન
દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં, અહીં તો બસ અમે બે જ. જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે. અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ. મારુ માનવું છે કે જિંદગી જીવી જાણો, નહિતર બસના કંડકટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં…..અમે બે અને અમારું સુખી જીવન કેવું છે તે જણાવું.
અમે બે જ હોઈએ છીએ
મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે છે. મને કોઇ શોખ નથી એટલે બાકી રહેલી નીંદર પૂરી કરું છું, કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
અઠવાડિયે એકવાર સાંજે અમે સિનેમા જોવા ઉપડી જઇએ, પાછા ફરતા બહાર જમીને જ આવીએ, ઘરની પાછળ સૂર્યાસ્ત થાય અને અમારી મસ્તી મજાકનો સૂર્યોદય થાય, કારણ કે અમે બે જ હોઇએ છીએ.
એક દિવસ દીકરાનો, તો બીજે દિવસે દીકરીનો ફોન આવે, સમય જ નથી મળતો એવી ફરિયાદ કરે, અમારું મન ભરાઇ આવે, પછી તમે પણ એન્જોય કરશો એની તેમને હૈયાધારણ આપીએ, કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
એક વાર નવી નવાઇનું અમેરિકા ફરી પણ આવ્યા, સ્વચ્છ ને સુંદર જગ્યાઓ જોઇને માણી સુધ્ધાં આવ્યા, અમે બેઉ દુનિયા માણીએ, કારણ કે અમે બે જ હોઇએ છીએ.
નથી કોઇ જવાબદારી કે નથી કોઇ ફરિયાદ, નથી કોઇ અડચણ ને અમે એન્જોય કરીએ છીએ, કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
મરણની વાતો અમે કરતા જ નથી, પાર્ટીમાં જઇએ અને પિકનિકમાં ફરીએ, પૈસાની છે છૂટ અને સમય તેમ જ મિત્રો પણ છે ભરપૂર, સંતાનોને કારણે બંધાઇ રહેવાના દિવસો ગયા એ વિચારમાત્રથી ખુશ થવાય છે, કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
બાળકોને અમારી ઇર્ષ્યા ન થાય એ માટે અમારી મોજમજા એમનાથી છાની રાખીએ, મારી આ ટ્રીકથી પત્ની હસી પડે અને એને સાથ આપીને હું પણ હસી લઉં, કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
Also read : બે જણને જોઈએ કેટલું?