મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

લીલી હળદરનું શાક બનાવવાની રીત

ગુજજુમિત્રો, શુંં તમે જાણો છો કે લીલી હળદર એ ભારતીય મસાલાની શાન છે? લગભગ દરેક લોકો જાણે છે કે હળદર આપણાં આરોગ્ય માટે બહુ લાભદાયક છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ નથી જાણતા. વાંચો આ લેખ જેમાં હું તમારી સાથે લીલી હળદરનાં ફાયદા અને મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત શેર કરી રહી છું.

હળદર પર થયા છે સૌથી વધુ રિસર્ચ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર એટલે એન્ટિસેપ્ટિક

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

લીલી હળદરના ફાયદા

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે. ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

લીલી હળદર

શિયાળામાં ખૂબ ખાઓ હળદર

મિત્રો, શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હવે આપણે હળદર ના ફાયદા તો જાની લીધા પણ તેનું સેવન કેવી રીતે કરવું એ પણ જાણવું જરૂરી છે. લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય. આજે હું તમને લીલી હળદર નું શાક કેવી રીતે બનાવવું તે વિષે જણાવવા માગું છું.

મહેસાણાની સુપ્રસિદ્ધ લીલી હળદરનું શાક બનાવવાની રીત

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
500 ગ્રામ ટમેટાની અધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર
500-750 ગ્રામ લસણ
500 ગ્રામ ઘી
500 ગ્રામ દહીં (લસ્સી જેવું)
250 ગ્રામ આદું
250 ગ્રામ મરચાની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા
200 ગ્રામ કોથમીર
200-400 ગ્રામ સમારેલ ગોળ
મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત

  • સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી (બળી ન જાય તેનુ ધ્યાન રાખવું.)
  • પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
  • પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
  • ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી.
  • પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું.
  • પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
  • છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
  • કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
  • લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *