દિવાળી ની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા!
દિવાળી ની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા!
લાગેલી ધૂળના આવરણો જ્યારે નીચે પડ્યા;
દિવાળીની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા !
ક્યાંક કોઈ માળીયામાં છુપાયેલું બાળપણ મળ્યું ;
જૂની તસ્વીરો જોતા ખોવાયેલું ભોળપણ મળ્યું !
લાકડી દાદાજીની ક્યાંકથી આવી હાથમાં ;
દાદાજીની કહેલી વાર્તાઓ, લાવી એ સાથમાં !
ક્યાંકથી આઠ આનાનો એ સિક્કો મળી આવ્યો !!!!
બાળપણની અમીરીની યાદ એ સાથે લાવ્યો.
ગોખેલા જેમાંથી ગુણાકારના પાળાઓને ;
શાળાની યાદ અપાવી એ ‘દેશી હિસાબ’ના પાનાઓએ !
વર્ષો જૂનો પરિવારનો એક આલ્બમ હાથ આવ્યો ;
હાલના વેરઝેર ભૂલી જ્યાં આખો પરિવાર સાથ આવ્યો.
હતી એક નાની મોટર, પપ્પા એ જે આપી હતી,
હૃદયમાં જેને હંમેશા સાચવીને રાખી હતી !
શાળાના સમયની થોડી તસ્વીર હતી;
ખોવાયેલી એ દોસ્તી જ ત્યારે મારી જાગીર હતી…
તાજી થઇ એ યાદો જે ઘરના દરેક ખૂણે પડી હતી;
બસ સમય સાથે તેના પર થોડીક ધૂળ ચડી હતી !!
સમયની ધૂળના એ થરો થોડા આઘા કર્યા ;
દિવાળી ની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા……
લાગેલી ધૂળના આવરણો જ્યારે નીચે પડ્યા;
દિવાળીની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા !
Read more poems here.