લાડકી દીકરીનું પાનેતર અને ઘરચોળું

પાનેતર અને ઘરચોળું

ગુજરાતી પાનેતર અને ઘરચોળું

ખૂબ લગ્નો માણીને મોજ કરતા સહુને કદી પ્રશ્ન થયો છે કે પાનેતર અને ઘરચોળું એ સાડી હોવા છતાં બંને વચ્ચે કેટલો ભેદ છે? ફેશનની દુનિયામાં ઇન્ડિયન ટ્રેડિશનલ વેર તરીકે વધુ અને વધુ બારીકાઈ વડે જેમાં વિવિધતા લવાય છે એના કલરમાં ફેરફાર કેમ નથી થતો? શું ફેર છે ઘરચોળાની ડિઝાઇન અને પાનેતરની ડિઝાઇનમાં કયા કારણોસર તેમના કલરમાં કોઈ બદલાવ નથી કરાતો? આવો, ગુજરાતી લગ્ન પ્રસંગોના અભિન્ન અંગ સમાન પાનેતર અને ઘરચોળું વિષે વધુ જાણીએ.

પાનેતર

પરણેતરને મામા તરફથી અપાતી સાડી. મામેરામાં પ્રથમ શ્રેણીની ભેટ ભાણેજને અપાતી સાડી. મા+મા= મામા બે મા જેટલો સ્નેહ કરતા મામા આ ભેટ પરણનાર ભાણેજને આપે છે ત્યારે એ પાનેતર સવિશેષ બને છે.

પાનેતરનો રંગ

પાનેતરનો રંગ સફેદ હોય છે. તેની બોર્ડર પર ઘેરો લાલ રંગ હોય છે . અને સોનેરી ભરતકામ વડે તેને સુસજ્જ કરાય છે. સફેદ રંગ મુખ્ય હોય છે તેમાં , એની પાછળ એ ભાવના હોય છે કે પિયર માં રહેતી દીકરી આજ સુધી શાંતિ ધૈર્ય અને સૌમ્યતા સાથે પિયરના નિયમોનું વહન કરી જીવી , કોઈ મલિન વિચાર કે ખરાબ વર્તન ન કરીને તેણે સફેદ રંગની શોભાની જેમ પિયરની શોભા શુભ્ર રાખી છે. ઘેરા લાલ રંગની બોર્ડર સૂચવે છે કે અત્યાર સુધી લોહીના સંબંધોએ તેને લાડ લડાવ્યા તેના કોડ પુરા કર્યા.

પાનેતરનું સોનેરી ભરતકામ

સોનેરી ભરતકામ સૂચવે છે કે તેની દરેક મનોકામનનાને રંગોળીની જેમ ભાતીગળ રીતે સજાવીને રાખી છે આ બધું સૂચવે છે કે અમે તારા પિયર ( કુટુંબ+ મોસાળ)ના સભ્યોએ તને ખૂબ પ્રેમ સહિત પાલવીને રાખી હવે એ દીકરી તારે આ સ્વેત રંગી ઓઢણીના સ્વેત રંગની જેમ શુદ્ધ પ્રેમ અને અમલીન ભાવના વડે સાસરી શોભાવવી લાલરંગી ઓઢણીની કોરની જેમ નવા સંબંધોને રંગીન રાખવા લાલ રંગની જેમ ચટકીલા અને ઉન્નતિ તરફ દોરે તેવા રાખવા. અને આવી ઉચ્ચતર શીખતો જેમાં બે માના ગુણ હોય તેવા મામા જ આપી શકે તેથી પાનેતર મામા લાવે છે.

પાનેતરની ડિઝાઇન

પાનેતરને આખેઆખું ભરચક ભરતકામ વડે નથી શોભાવાતું. પાનેતરના સફેદ હિસ્સામાં સોનેરીતાર, લાલ- લીલા રેશમી દોરા , મોતી આભલા અને ટિકી વડે છૂટું છવાયું કરાયેલું ભરતકામ દીકરીને લાડતો કરાવ્યા સાથે બચતની શીખ પણ આપી છે એ સૂચવે છે. ઘેરા લાલ ભાગમાં ભાતીગળ ભરચક વેલબુટીનું ભરતકામ સૂચવે છે કે જે રીતે પિયરમાં એકરસ થઈ ભળીને રહી અને આંગણુ દીપાવ્યું એમ સાસરીમાં આ લાલ રંગને સફેદ પર ઓળઘોળ કરીને રહેજે. પારકાને પોતાના કરીને રહેજે.

ઘરચોળું

ઘરચોળું પરણેતરના સાસરેથી આવે છે. છાબની સાડીઓ મા મુખ્ય. અરે સોનાના ઘરેણાં સાથે મુકાતી સાડી એટલે સુવર્ણસમ! છાબ ભરતી વેળાએ ઘરના મોભીના હાથમાં શોભતા ઘરચોળામાં સાસરીની આન લપેટાયેલ હોય છે.

ઘરચોળું

ઘરચોળાનો રંગ

ઘેરા લાલ અને લીલા રંગનું રેશમી તાંતણે વણાયેલ ઘરચોળું સાસરાની શાખની સંપુર્ણ પ્રતીતિ આપે છે. રેશમી તાંતણા વણાયને રેશમી છાપ ઉભી કરે છે સાસરાની , તેનો લાલ રંગ સૂચવે છે કે લાલ રંગ જેવીજ લાલીમાં તેણે સાસરીની પ્રતિષ્ઠાને અપાવવાની છે. લીલા રંગ જેવી લીલીછમ કરીને જાળવવાની છે.

ઘરચોળાની ડિઝાઇન

ઘેરા લાલ રંગના ભાગમાં સંપૂર્ણ સોનેરી કામ સૂચવે છે કે સાસરીની લાલીમાં પાથરતી પ્રતિષ્ઠામાં સુવર્ણની ચમક પોરવવાની છે. લીલા રંગની કોરમાં ફૂલવેલ અને હાથી પોપટ કે મોરની ભાત ઉપસાવાય છે કુટુંબના સભ્યોમાં હેતનો ઉમેરો કરવાનો અને હાથીના કદ જેવું મોટું મન રાખી મોર અને પોપટની જેમ સદા કોટુંબીક જવાબદારીઓ હોવા છતાં ચહેકતું રહેવાનું છે. સંપૂર્ણપણે ભરતકામ વડે શણગારેલી આ સાડી સૂચવે છે કે આવનાર વધુ, આવતાની સાથે સંપૂર્ણ ઘરને આ ભરચક ભાતીગળ કારીગરી કરેલ સોનેરી ભરતકામ જેવું બારીક સુરેખ અને સુરમ્ય બનાવે. સંપૂર્ણ ઘરને સજાવેલું રાખે. દરેક સંબંધને સજાવીને રાખે.

ગુજજુમિત્રો, તો પાનેતર અને ઘરચોળું કેમ આટલું મહત્ત્વપૂર્ણ છે

અને તેની રંગ અને ડિઝાઈન પાછળ શું કારણ રહેલું છે એ જાણીને તમને ખુશી થઈ હોય તો ગુજરાતની ગરિમા સમાન આપણાં સંસ્કાર અને સંસ્કૃતિને જરૂરથી જાળવી રાખજો અને આ પોસ્ટની લીંક તમારા સ્નેહીજનો ને મોકલજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *