બાળકની નિર્દોષતા અને બદલા ની ભાવના : ગુજરાતી ટૂંકી વાર્તા
બાળકની નિર્દોષતા અને બદલા ની ભાવના : ગુજરાતી ટૂંકી વાર્તા
લેખક: રોહિત પટેલ (રાજકોટ)
સતત વીસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતો ગોપાલ ગામનાં જ કરશનનાં વિરોધ અને ગામનાં લોકોમાં કરશન પ્રત્યેનાં આદરને કારણે જ્યારે ના ચૂંટાયો ત્યારે તેનામાં બદલા ની ભાવના ની આગ ભભૂકી ઊઠી.
કોઈપણ ભોગે તે હવે કરશનને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા મરણીયો થયો હતો. તો સામે કરશન પણ ચેતી ગયો હોય એમ હંમેશા સાવધ રહેતો.
ઘણાં સમય પછી આજે એ મોકો મળી જ ગયો. બહેનનાં ગામમાં એક લગ્ન પતાવીને રાત્રે એ એકલો જ સીમ બાજુએથી આવવાનો હતો એવા ગોપાલને વાવડ મળ્યા હતાં. ‘આજે તો કરશનનો ખેલ ખતમ જ’ એવા નીર્ધાર સાથે ગોપાલ સીમમાં બેસીને અંધારામાં કરશનની વાટ જોઇ રહ્યો હતો.
કરશન દેખાયો, સાથે એની નાની દીકરી પણ હતી. કરશને ગોપાલને હાથમાં બંદૂક સાથે જોયો અને એમ જ જડાઈ ગયો.
ગોપાલ ભરી બંદૂકે કરશનની નજીક આવ્યો અને ભીની આંખે કરશનની નાની દીકરી માથે હાથ મૂકીને ગામ તરફ દોડી પડયો.
(લોકસંસાર દૈનિકમાં પ્રસિદ્ધ વાર્તા)