કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત
કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત
“જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું” અરબીમાં આ કહેવત જાણીતી છે. મતલબ કે કહેવત વગરની ભાષા તૂરી લાગે, કોઈ મીઠાશ હોતી નથી. અને આપણે તો બારેમાસ મિષ્ઠાન વાળા એટલે કહેવત વિનાની ભાષા આપણને પચે નહિ. જરા વિચારો તો કે ઘરેણાં, સુંદર કપડાં કે મેક-અપ મટિરિયલ્સ વગેરેની શોધ જ ન હોત તો, અર્થાત વિવાહ થતી કન્યા માત્ર સાડી પહેરીને મંડપમાં બેઠી હોય તો…. આવી કલ્પના કરવી જ ન ગમે. આપણે બધા સૌંદર્યના રસિકો છીએ. અને આપણી ગુજરાતી ભાષા કોઈ સૌંદર્યથી જરા પણ ઉતરતી નથી જ.
કવિ ઉમાશંકર જોશી કહેવતને ‘લોકકવિતાની ધ્રુવપંક્તિ’ કહેતાં. અને પ્રા. યશવંત શુક્લ ‘ભાષાનું ઘરેણું’.
વાતે વાતે બોલાય એ કહેવત. એવું માનવામાં આવે છે કે નર્મદે જયારે ‘નર્મ કોશ’ બનાવ્યો ત્યારે તેમાં કહેવત કે રૂઢિપ્રયોગનો સમાવેશ કર્યો નથી. કહેવત તરફ પહેલી સભાનતા કવિ દલપતરામે કરી, અને ખાસ તો કહેવતો સંધરવાનો વિચાર. સને ૧૮૦૦માં “કથનસપ્તશતી” નામનો કહેવત સંગ્રહ કોશ પ્રસિદ્ધ કર્યો. અને પછી એ કેડીએ બીજા પણ ચાલ્યાં. કહેવત શબ્દ આમ જુઓ તો સંસ્કૃતના “કથન” શબ્દમાંથી અર્થીકરણ થયેલો છે.
- કહેવત કોણે રચી અને કયારે રચાય એ હજી ગોપનીય છે.
- કહેવત રોજબરોજની બોલીમાં કર્ણોપકર્ણ આગળ વધતી હોય છે.
- કહેવતનો કઈક મર્મ અર્થ નીકળતો હોવો જોઈએ..એ જ મુખ્ય લક્ષણ છે.
- લોકોથી, લોકો દ્વારા અને લોકો માટે કહેવત બોલાય છે.
- કહેવતમાં માણસોનું પ્રતિબિંબ, લોકોના આચારવિચાર, રહેણીકરણીનું એમાં ચિત્ર દેખાય છે.
દલપતરામ રચિત ‘કથન સપ્તશતી’માં માત્ર કહેવતોનો સંગ્રહ છે. અર્થ કે ઉત્પત્તિ નથી. એમણે આખી ચોપડી 3 પ્રકરણમાં વહેંચી છે : પહેલા પ્રકરણમાં એક પદની, બીજા વિભાગમાં 2 પદોવાળી ને ત્રીજામાં 4 પદોવાળી કહેવતો છે. બધી જ ભાષામાં પોતાની કહેવતો હોય છે. અને કહેવતો સમય જતાં અનેકાર્થી બને છે. જેટલાં મોઢા એટલાં અર્થો.
કહેવતોનું સ્વરૂપ મૂળ અવસ્થામાં ભાગ્યે જ બોલાતું હશે. બાકી કહેવત કંઇક ને બોલાતી કંઈક હશે.જેમ કે, ‘વિશ્વાસે વહાણ ચાલે’ કહેવત ખરેખર ‘વા સવાએ વહાણ ચાલે’. એ જ રીતે ‘અક્કલ બડી કે ભેંસ’ કહેવત કંઈક જુદી જ છે મૂળમાં ‘અક્કલ બડી કે બહસ’. આવી તો ઘણી છે.
બાર ગામે બોલી બદલાય એટલે સાથે કહેવત પણ બદલાય. એમાં પછી ભાષાની વિવિધતા આવે અને પોતાની આગવી ઓળખ પ્રગટે. કહેવત એટલે જ્ઞાનનો ખજાનો. 100 શબ્દો બરાબર એક કહેવત. લાબું-લચક ન બોલવું પડે એટલે કહેવતથી કામ પતે. અમે પછી ધારદાર હો. બુઠ્ઠી કહેવતનો કોઈ અર્થ જ નથી. માટે એમનો ઉપયોગ કરવો એ પણ એક કળા છે.
આવો થોડી કહેવતો જોઈએ…
● ‘અખ્ખર ગયા, દખ્ખણ ગયા, પણ લખ્ખણ નહિ ગયાં.’ એટલે કે ગમે તેટલું ફરો, ઉત્તરમાં જાવ કે દક્ષિણમાં સ્વભાવ કયારેય બદલાતો નથી. સંસ્કૃતમાં પણ આવી જ કહેવત છે કે “स्वभावो दुरतिक्रमः।।”
● ‘દીકરા હતાં નાના, ત્યારે માને આવ્યા પાના,
દીકરા થયાં મોટા, જમાના થયા ખોટા.’
આ બે લિટીની કહેવત ગાલ પર તમાચો છે, જે માતાપિતાને છોડીને જતાં રહે એને.
● એક પંક્તિની કહેવત..
કરમમાં કોઠાં તો કોનાં જુએ ઓઠાં !
કોટમાં માળા ને પેટમાં લાળા.
ઘરમાં બોલે બોકડાં તો બહાર બોલે છોકરાં.
ચાર મળે ચોટલા તો વાળે ઘરના ઓટલા.
જેના મોંમાં માંસ તેનો શો વિશ્વાસ?
જેની દાનત પાક તેને શેની ધાક?
જો આવી મળવા તો બેસાડી દળવા.
નવરા બેઠા કામ કરો ને ખાટલો ઉકેલી વાણ ભરો.
સાસુ મારી ભોળી દેખાડે નહિ દિવાળી કે હોળી.
● બે પંક્તિઓ વાળી થોડી…
જાત જાતનો વેરી તે જાત જાતને ખાય,
ભાટ, બ્રાહ્મણ ને કૂતરાં, દેખરેખ ઘુરકાય.
શિયાળ બચ્ચાં સો જણે, તે સૌએ બચારાં;
સિંહણ બચ્ચું એક જણે, પણ એકે હજારાં.
આભ ગાભ ને વર્ષાકાળ, સ્ત્રીચરિત્ર ને રોતાં બાળ;
એની પરીક્ષા જે કોઈ કરે, તેને ઘેર સહદેવજોષી પાણી ભરે.
ઊંઘ બગાસું મોકલે, જા બગાસા તું;
તારું કહ્યું નહિ માને તો ઢોળી નાખીશ હું.
● કેટલીક નવી કહેવતો અન્ય ભાષાઓની..
- કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.(ચીન)
- એકલતા મૂરખ માટે જેલ પણ જ્ઞાની માટે સ્વર્ગ.(રશિયા)
- તાળીઓના ગડગડાડ એટલે નિદાઓની શરૂઆત.(જાપાન)
- લાડમાં ઊછરેલાં બાળકોનાં ઘણાં નામ હોય છે.(ડેન્માર્ક)
● વિરોધાર્થી કહેવતો…
આપ ભલા તો જગ ભલા – ભલાઈ કરતાં ભૂત વળગે.
વિશ્વાસે વહાણ ચાલે- સગા બાપનો પણ વિશ્વાસ નહિં
હોય સાન તો જગમાં માન – સત્તા આગળ સાન નકામી.
આતો માત્ર એક ઝલક છે કહેવતની. આવી તો અસંખ્ય કહેવતો છે આપણી ભાષામાં. જેટલી કહેવતો વધુ બોલો એટલા શબ્દો ઓછાં બોલવા પડે. કહેવતો અમર રહેશે.
આપણે વારસામાં કેટલી કહેવતો આપીએ છીએ એ ભાવિ નક્કી કરશે ગુજરાતી ભાષાનું.
ટીક ટૉક
ઘરમાંથી જ ખોવાયેલી વસ્તુ મળે ત્યારે “કાખમાં છોકરો ગામમાં ગોતે” યાદ આવે તો આપણે ગુજરાતી છીએ. ( ખોવાયેલી વસ્તુ = ગુજરાતી ભાષા )
- જયદેવ પુરોહિત
( ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યૂઝ )
( બુધવાર ૧૯/૦૯/૨૦૧૮ )