ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

સ્વચ્છતા અભિયાન

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

કચરો કાઢવો હોય તો વાળતા વાળતા આગળ જવું પડે ને પોતું કરવું હોય તો પાછળ !

વાત ગમી ગઇ. કેવી સૂચક પ્રક્રિયા છે !

તમારી આસપાસનો કચરો જો તમારે દૂર કરવો હોય તો તમે જ્યાં છો ત્યાંથી આગળ વધતાં રહેવું પડે. તો જ ખૂણે ખાંચરેથી એને દૂર કરી શકો. એ પ્રયત્ન તમારે જાતે કરવાનો, સાવરણીય તમારી ને હાથ પણ તમારા ને હા, દ્રષ્ટિય તમારી.

Cleaning

કચરો વાળવો કે કાઢવો?

કચરો વાળતી વખતે કામનું મળે. ખોવાયેલું જડે એમ પણ બને. એને તારવી લેવાનું. આપણી ભાષામાં બે ક્રિયાપદ છે: કચરો વાળવો ને કચરો કાઢવો. “ વાળવો” માં વિવેક છે. “ કાઢવો “ માં તિરસ્કાર ! ને હા , એમ તો “ ઝાડૂ મારવું “ એવોય પ્રયોગ છે , પણ એ સ્વયં સ્પષ્ટ છે એટલે ભાષ્યની જરુર નથી.

પોતું કરવું

હવે આવે છે વાત પોતું કરવાની. પોતું કરતાં કરતાં તમારે પાછા ખસતાં જવાનું. તો જ તમે જ્યાં હતા ત્યાં સફાઇ થાય. અહીં પોતાનાં પગલાંય પોતે સાફ કરવાની વાત છે. એ સાફ કરતાં જવાનું ને ખસતાં જવાનું. તો જ ડાઘા ન રહે. આ મહાકાલના પટ પર તો એય ડાઘા જ !

સ્વ ની સફાઈ

પહેલાં અન્યની ને પછી પોતાનીય સફાઇ ! સ્વચ્છતા અભિયાન આરંભાય ભલે બીજું સાફ કરવાથી પણ એનું સમાપન તો જાતસફાઇથી જ થાય.

સ્વચ્છતા અભિયાન

ઉથાપન

વૈષ્ણવ સેવા પરંપરામાં એક છે ઉથાપન. જીવનમાંય એ જ . તમે પાથરો ને તમે જ એ સંકેલો, એનું ઉથાપન પણ કરો. નહીં કરો તો કોઇ કરશે ને એ નહીં ગમે. અરે, કોઇ નહીં તો સમય કરશે. એને પોતાના પાલવ પર બહુ ઓછા પગલાની છાપ ગમે છે , હોં ! અઘરું તો છે પોતાનાં પગલાં પોતે ભૂંસવાનું પણ તમારા પગલાં એવાં ન બને ત્યાં સુધી તમે જ ભૂંસો.

જેમ અન્ય કચરો દૂર કરવા દૂર સુધી જાવ ત્યારે દૂર સુધી જૂવો.એમ પોતાને સાફ કરવા નજીક આવો ને નજીકથી જૂવો.

કેવી અદ્ભૂત દાર્શનિક વાત , કેવી સરળ ઘટનામાં સમાયેલી છે !
✍🏻તુષાર શુકલ

Also read : જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *