સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને
સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને
❛❛બનાવે છે દુઃખી આ એક બાબત જિંદગાનીને
સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને.
પ્રયાસો લાખ હો કુરબાન એની વેદના ઉપર
કોઈ બેસી રહે જ્યારે મુકદ્દરમાં માનીને.
કોઈ મારી કથા પૂછે નહીં તેથી માની લઉં છું
ગમે ત્યારે, ગમે તેવી, ગમે તેની કહાનીને.
અહીં તો કોઈ પણ રીતે જીવન બરબાદ કરવું છે
અતિશય વેદના દે યા વધુ કર શાદમાનીને.
તને ભૂલી જઈશ એવી શંકા હોય છે એમાં
મને ન યાદ રૂપે દે કોઈ તારી નિશાનીને.
પ્રયત્નોનું ન પૂછો એ હજી પણ લાખ સૂઝે છે
પરંતુ હું તો બેઠો છું મુકદ્દરમાં જ માનીને.
‘મરીઝ’ ઉપર અસર પડતી નથી કોઈ અનુભવની
હજી એ માન્ય રાખે છે, ગમે તેની જુબાનીને.❜❜
~ મરીઝ
Also read : શા માટે સ્ત્રીઓ લાંબુ જીવે છે?