મારા ઘરની હદ ખબર પડશે તને
મારા ઘરની હદ ખબર પડશે તને
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા,
એ પછી,બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
~ ખલીલ ધનતેજવી
Also read : બાળકોને સંસ્કાર ને બદલે માત્ર અંગ્રેજી શીખવશો તો પસ્તાશે કોણ? તમે!!