જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!

ગુરુની કૃપા

જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!

જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો

ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો

બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો

ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો

ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો

ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્‌હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો

‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો

જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો

જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો.

~ રઈશ મનીઆર

Also read : શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *