નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ

નરસિંહ મહેતા ના ભજન

નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ

ગુજજુમિત્રો, આજે આપણે ગુજરાતની ગરિમા સમાન નરસિંહ મહેતા ના ભજન વિષે ચર્ચા કરીશું. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા આમ તો ભક્તકવિ હતા, પણ એમના આ ભજનમાં ભક્તિ નહીં, આધ્યાત્મિકતા છલકે છે. એમાં વેદવાણીનો અને અદ્વૈતના દર્શનનો સાર છે. ચેતનાનો ચિતાર અને પરમચેતનાનો નિતાર છે. આત્મન્ અને બ્રહ્મનના ઐક્યનું લયબદ્ધ ગાન છે. નખશિખ કાવ્યસૌંદર્ય ધરાવતું આ ભજન વાસ્તવમાં જ્ઞાનની ગેય ગંગા જેવું છે. ગૂઢતાનો શંખનાદ છે.

નરસિંહ મહેતાનું ભજન

જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે… જાગીને

પંચમહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં
અણુ અણુમાંહીં રહ્યાં તેને વળગી
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં
થડ થકી ડાળ નવ હોય અળગી… જાગીને

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનકકુંડળ વિશે ભેદ ન્હોયે
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે… જાગીને

જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાથી કંઈ સંત સીધ્યા… જાગીને

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ના ભજનનો અર્થ

Narsinh Mehta

કવિ અહીં જાગ્રતાવસ્થા અને સ્વપ્નાવસ્થાનો ચિત્ત પર પડતો પ્રભાવ ચીંધીને બાહ્ય અને આંતરિક જગતને વશમાં રાખતી માયાનો સંકેત આપે છે. ચિત્ત, ચૈતન્ય અને વિલાસ અંતે તો બ્રહ્મનાં જ સ્વરૂપો છે એની સમજ પણ કવિ આપે છે. “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” જેવી રમતિયાળ છતાં ગૂઢ પંક્તિ થકી ચેતના અને પરમચેતનાના ઐક્યનું સત્ય હળવાશથી વહેતું મૂકીને કવિ જાણે કલા અને દર્શનનું અદ્વૈત રચી આપે છે. મારા મતે ગુજરાતી કવિતાનું આ મહાવાક્ય છે. આનંદ, આદ્ય કવિ, સચ્ચિદાનંદ!

બ્રહ્મમાંથી ઉદ્ભવેલાં પંચમહાભૂતના કણેકણમાં બ્રહ્મ છે એવી ગહન વાત સરળતાથી સમજાવીને કવિ કહે છે કે વૃક્ષનાં વિભિન્ન સ્વરૂપો વૃક્ષથી નોખાં નથી અને કનક-કુંડળનાં નોખાં નામ છતાં અંતે તો એ સુવર્ણ જ છે. શ્રુતિ કહેતાં વેદો-ઉપનિષદો અને સ્મૃતિ કહેતાં ધર્મશાસ્ત્રો-ઈતિહાસ-પુરાણો ઈત્યાદિની સાખે કવિ અદ્વૈતની વાત માંડે છે.

અંતિમ પંક્તિઓમાં કવિ આ અદ્વૈતની વિભાવના સમજાવતાં કહે છે કે જીવ ને શિવ માયાના પ્રપંચને કારણે ભલે નોખા લાગે, બાકી જીવ જ શિવ છે, તું જ શિવ છે. શિવોહમ છે. એને રેખાંકિત કરવા કવિ છાંદોગ્ય ઉપનિષદના મહાવાક્ય ‘તત્ત્વમસિ’ (તે જ તું છે)નું સ્મરણ કરાવે છે.

આ કાવ્યમાં ઈશ્વરના કોઈ પણ સાકાર સ્વરૂપની ભક્તિને બદલે નિરાકાર પરમસ્વરૂપની સમજણ છે એટલે એ ભજન લાગતું નથી. જોકે પરમચેતનાને સ્મરીને કંઈક સંતો સિદ્ધિને વરી ચૂક્યા છે એવું કહેતી એની અંતિમ પંક્તિ એને ભજન બનાવે છે, કેમ કે એમાં પરમચેતનાની ભક્તિનો મહિમા છે.

નરસિંહ મહેતા નું ભજન અને માંડૂક્ય ઉપનિષદ

હવે જોઈએ માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોકઃ

नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं
नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् ।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणं
अचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं
चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः

It is not that which is conscious of the internal subjective world, nor that which is conscious of the external world, nor that which is conscious of both, nor that which is a mass of consciousness, nor that which is simple consciousness, nor is it unconsciousness. It is unseen by any sense-organ, beyond empirical dealings, incomprehensible by the mind, uninferable, unthinkable, indescribable, essentially by of the Self alone, negation of all phenomena, the peaceful, the auspicious and the nondual. This is what is considered as the Fourth (Turiya). This is the Atman and this is to be realized.

Statue of Unity

આ ચેતનાની, કૉન્શિયસનેસની વાત છે. ચેતના શું છે અને શું નથી એની વાત છે. માંડૂકય ઉપનિષદમાં હું કોણ છું જેવા તાત્ત્વિક પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર અપાયો છે. એ સંક્ષિપ્તમાં જોઈએઃ

આપણે જાગ્રત હોઈએ ત્યારે આપણી પંચેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતને અનુભવતા હોઈએ છીએ, પણ એ જાગ્રતાવસ્થા આપણું સાચું સ્વરૂપ નથી. બીજું, આપણે સૂઈએ ત્યારે સ્વપ્નમાં પણ જાતજાતના અનુભવ કરતા હોઈએ છીએ, પણ એય આપણું સાચું સ્વરૂપ નથી. એ બંને માયાના પ્રપંચ છે. ત્રીજું, આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ અનુભવ નથી કરતા, પણ ઊઠીએ ત્યારે કહી શકીએ છીએ કે હું ગાઢ નિદ્રામાં હતો. આ પણ આપણું સાચું સ્વરૂપ નથી.

સાચું સ્વરૂપ છે ચોથી અવસ્થા, જેને તુરીય અથવા તુર્યમ્ તરીકે ઓળખવામાં આવી છે. એ તુર્યમ્ આપણો નિર્ગુણ ‘હું’ છે, આપણી ચેતના છે, જે પરમચેતનાનું જ રૂપ છે, જે બાકીની ત્રણેય અવસ્થાને સાક્ષીભાવે જોયા કરે છે.

કોઈક સમજૂતીમાં કહેવાયું છે કે જેમ સોનાનાં હાર, વીંટી અને કંદોરો જેવાં ઘરેણાં એકમેકથી જુદાં હોવા છતાં મૂળે તો એ સોનું જ હોય છે એ જ રીતે આપણી નોખી નોખી અવસ્થાઓ એકમેકથી જુદી હોવા છતાં એ મૂળે તો તુર્યમ્ જ છે. તુર્યમ્ ન હોય તો એ એકેય અવસ્થા ન હોય. આમ છતાં આપણે એ અવસ્થાઓને જ આપણું સાચું સ્વરૂપ એટલે કે ‘હું’ માની બેસીએ છીએ, જે ખોટું છે.

અદ્વૈતવાદનું આ ગૂઢ સત્ય માંડૂકય ઉપનિષદમાં વિશદ રીતે ચર્ચાયું છે. આ જ સત્ય નરસિંહ મહેતાએ સોળ પંક્તિઓમાં ઉભારી આપ્યું છે..

મને ગર્વ છે કે નરસિંહ મહેતા જેવા આદરણીય સંતોએ ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લીધો છે. ચાલો આ લેખની લીંક તમારા પ્રિયજનો ને જરૂર થી મોકલજો.

You may also like...

2 Responses

  1. રાઠોડ અંજલિ says:

    ખુબ સરસ

  2. રાઠોડ અંજલિ says:

    ગુડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *