ચા જરૂરી છે કે કપ?
ગુજ્જુમિત્રો, જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે આપણાં નિર્ધારિત લક્ષ્યો અને મહત્વાકાંક્ષાને પૂરી કરી લઈએ છીએ તો પણ એક ખાલીપો લાગે છે. સુવિધા હોય છે પણ સુખ નથી હોતું. સંબંધો હોય છે પણ પ્રેમ નથી હોતો. આવું કેમ? બધું પામીને પણ બધું ખોવાઈ ગયું હોય તેમ શા માટે લાગે છે? ચા જરૂરી છે કે કપ? આ પોસ્ટમાં તમને એક અનુભવી પ્રોફેસરની વાતમાં આ બધાં પ્રશ્નોનો જવાબ મળી જશે.
એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધા જ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.
પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું. ધીરે ધીરે વાત જીવનમાં વધતા સ્ટ્રેસ અને કામના વધતા પ્રેશર પર આવી ગઈ. ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી. આ મુદ્દા પર બધા જ એકમત હતા.
પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા. એ અચાનક ઊભા થયા અને કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા, ”ડીયર સ્ટુડન્ટસ, હું તમારા બધા માટે ગરમા ગરમ ‘ચા’ બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે ‘કપ’ લેતા આવો.”
છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મૂક્યા હતા, બધા જ પોતાના માટે સારામાં સારો
કપ શોધવા લાગ્યા. કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેનનો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.
બધાના હાથમાં ચા આવી ગઈ પછી પ્રોફેસર સાહેબ બોલ્યા, ”જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એ જ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.”
તેમણે આગળ કહ્યું, “એ તો પાક્કું છે કે કપ ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો, એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે ચા પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર ચા હતી, કપ નહિ. છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળ જ ભાગ્યા, અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપને નિહાળવા લાગ્યા. પણ ખુદને એક વાત પૂછો, ચા જરૂરી છે કે કપ?”
“હવે એક વાતને ધ્યાનથી સાંભળો, જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવનમાં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે. આપણું જીવન ચા સમાન છે, આપણી નોકરી, પૈસા, પોઝીશન કપ સમાન છે. એ બસ જીવન જીવવાના સાધનો છે ખુદ જીવન નહિ… અને આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવનને ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે. ચાની ચિંતા કરો, કપની નહિ…”
દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધું જ સર્વશ્રેષ્ઠ છે, પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવનને રંગીન બનાવે છે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે. પૂછો ખુદને કે સુખ એટલે શું?
તેથી સાદગી થી જીવો, સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, જીવન નો આનંદ લો. એકબીજા સાથે
જોડાયેલા રહો. આ જ સાચું જીવન છે. જીંદગીમાં તો ‘જમાવટ’ હોવી જોઈએ….બાકી ‘બનાવટ’ તો આખી દુનિયા માં છે જ.