રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ
રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ
ગુજજુમિત્રો, ગુજરાતનું ગૌરવ માત્ર આપની હેરીટેજ બિલ્ડીંગો અને સાહિત્ય, સંસ્કૃતિમાં જ નથી પરંતુ ગુજરાતીઓ ની સારપ અને સદભાવના માં પણ રહેલી છે. ગુજજુમિત્રો સેવા ના દરેક કૃત્ય ને બિરદાવે છે. એક ગુજરાતી તરીકે મને ગર્વ છે રાજકોટ ના સદભાવના વૃદ્ધાશ્રમ પર. ચાલો વાંચીએ આ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલી વ્યક્તિ દ્વારા તેનું વિવરણ.
કોઈ માણસ નાનું કામ કરીને માંડ માંડ પોતાનું જીવન નિર્વાહ કરતો હોય, ભાડાના મકાનમાં રહેતો હોય, કમાણીથી રોજે રોજની જરૂરિયાત પુરી કરવામાં પણ મુશ્કેલી હોય એટલે બચત જેવું તો કંઈ હોય જ નહિ, બુઢાપામાં ટેકણ લાકડી બને એવો દીકરો પણ ન હોય એવા માણસની વૃધ્ધાવસ્થા કેવી હોય એની કલ્પના કરી છે ક્યારેય ? હાથ પગ કામ કરે ત્યાં સુધી તો વાંધો ન આવે પણ આવા માણસના હાથપગ જ કામ કરતા બંધ થઇ જાય ત્યારે એની શું દશા થાય? અને એમાં પણ જો એ ગંભીર રોગના ભોગ બને તો ? આવા અમુક વડીલો કદાચ તમારા જ ગામ કે શહેરમાં પણ હશે.
મિત્રો આવા નિરાધાર અને બીમાર વડીલો માટે વિજયભાઈ ડોબરિયા નામનો એક યુવાન રાજકોટમાં છેલ્લા ૬ વર્ષથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ગઈકાલે રાજકોટના સદભાવના વૃધ્દ્ધાશ્રમની રૂબરૂ મુલાકાત લીધી અને વડીલોની લેવાતી સારા-સંભાળ જોઈને ભાવવિભોર થઇ જવાયું. જેના હાથપગ ચાલતા હતા ત્યાં સુધી મહેનત કરી પરંતુ હવે શારીરિક સ્વાસ્થ્યને કારણે લાચાર બની ગયા છે એવા ૨૫૬ વડીલોને આ આશ્રમમાં સાચાવાવામાં આવે છે જેમાંથી લગભગ ૯૦થી વધારે વડીલો તો ડાયપર પર છે. કેટલાકને કેન્સર છે તો કેટલાકને કિડનીના ગંભીર રોગ છે. કેટલાકને ગેંગરીંગનાં કારણે પગ કપાવવા પડયા છે તો કેટલાકના હાથ કે પગ કામ જ નથી કરતા. કેટલાક આંખેથી જોઈ નથી શકતા તો કેટલાક મોઢેથી બોલી નથી શકતા.
આ તમામ વડીલોને આપણે આપણા માતા-પિતાને સાચવીએ એનાથી પણ વધુ સારી રીતે આશ્રમનો સ્ટાફ સાચવે છે. મળમૂત્રથી ભરેલા ડાયપર દિવસમાં ત્રણ-ત્રણ વખત બદલવાનું કામ સ્ટાફ હસતા મોઢે કરે છે. તમે વૃધ્ધાશ્રમમાં આંટા મારતા હોય તો કોઈ સારી હોટેલમાં આંટા મારો છો એવો અહેસાસ થાય કારણકે વિજયભાઈ સ્વચ્છતા પર બહુ ભાર મુકે છે. દિવસમાં ૫ વખત કચરાપોતા કરવામાં આવે છે. જે વડીલોને ડાયપર રાખ્યા હોય એના રૂમમાં વાસ ન આવે એટલે સમયાંતરે પરફ્યુમ મુકવા જેવી નાની બાબતનું પણ ધ્યાન રખાય છે.
જે વડીલો ગંભીર બીમારીથી પીડાય છે એની સારવાર પાછળ લાખોનો ખર્ચ કરીને પણ વડીલો પીડામુક્ત થાય એના પ્રામાણિક પ્રયાસો થાય છે. વડીલોને શું જમવું છે ? એ વડીલો જ નક્કી કરે છે. દિવસમાં ત્રણ વખત ભોજન, બે વખત ચાય અને ફ્રૂટ્સ એમના બેડ સુધી પહોંચાડવામાં આવે છે. કેટલા વાગે જાગવું ? કેટલા વાગે સુઈ જવું ? કેવા કપડા પહેરવા ? આવા કોઈ બંધનો રાખવામાં આવ્યા નથી. દરેકને જે પ્રમાણે રહેવું હોય એ પ્રમાણે રહેવાની છૂટ બસ બીજાને તકલીફ ન પડે એટલું ધ્યાન રાખવાનું.
વડીલોને આવી રીત સાચવવા હોય તો ખર્ચ પણ એટલો મોટો થાય કારણકે આશ્રમમાં પ્રવેશ માટે કોઈ જ ફી નથી. સાચવવા અને સારવાર માટે જે ખર્ચ થયા એ બધો જ ખર્ચ સંસ્થા ભોગવે છે. મેં વિજયભાઈને પૂછ્યું કે ખર્ચને પહોંચી વળવા માટે શું કરો ? મને કહે, ‘અમે તો બધા નિમિત છીએ બાકી તો ઉપરવાળો જ ચલાવે છે. તેલનો એકાદ ડબો વધ્યો હોય ત્યાં તેલ આપવા વાળા દાતા ભગવાને મોકલી જ દીધા હોય. કેટલાય દાતાઓ એવા આવ્યા છે જેમણે મોટી રકમ દાનમાં આપી હોય અને એમ કહ્યું હોય કે જરૂર પડે તો મને ગમે ત્યારે કહેજો. આવા દાતાના નંબર લખી રાખ્યા છે પણ આ છ વર્ષમાં એક પણ પ્રસંગ એવો નથી બન્યો કે કોઈને ફોન કરવાની જરૂરિયાત પડી હોય. બેલેન્સ તળીએ જાય એ પહેલા કોઈને કોઈ મદદ કરનાર આવી જ જાય છે.’
આપની આસપાસ એકલવાયું જીવનજીવતા અને ગંભીર રોગોથી પીડાતા કોઈ વડીલ હોય તો એમને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાનું સેવાકાર્ય કરવા માટે વિજયભાઈએ વિનંતિ કરી છે. હજુ બીજા ૨૫૦થી વધુ વડીલોનો સમાવેશ કરી શકાય એવી વ્યવસ્થા થઇ શકે તેમ છે. આપણે કશું ન આપી શકીએ તો કોઈ વાંધો નહિ પણ કોઈ લાચાર વડીલને એની વૃદ્ધાવસ્થામાં ઘરની જેમ સાચવે અને ગંભીર બીમારીઓની સારવાર કરાવે એવી સંસ્થા સુધી પહોંચાડી શકીએ તો પણ મોટી સેવા થઇ જશે અને એ વડીલ આપણને આશિર્વાદ આપશે.
આશ્રમનો સંપર્ક નંબર: 08530138001