અમદાવાદ ના લોકો ની ચટપટી વાતો
અમદાવાદ ના લોકો ની ચટપટી વાતો
ગુજ્જુમિત્રો આજે હું તમને અમદાવાદ વિષે અને અમદાવાદ ના લોકો વિષે ચટપટી વાતો કહેવાની છું. રાતદિવસ જાગતું આ શહેર હંમેશાં કિલ્લોલ કરતું રહે છે. ખાણીપીણી ના શોખીન અમદાવાદીઓ પાસે થી શીખવું જોઈએ કે જીવનની હરપળ નો આનંદ કેવી રીતે મનાવવો જોઈએ. ચાલો તમને અમદાવાદીઓ થી પરિચય કરાવું .
અમદાવાદ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.
અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!
જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ અમદાવાદ ને પચરંગી બનાવ્યું છે. એટલે જ તો અમદાવાદ નું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો અમદાવાદ નું ‘કલ્ચર’ છે. અમદાવાદ ગુજરાતીઓનું ‘અમેરિકા’ છે.
અમદાવાદ માં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો રિક્ષાવાળો પણ ઉદાસ નથી. અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લે છે. એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.
અમદાવાદ માં અગિયારસો રૂપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી. અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.
રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણ સ્ત્રી જોવા મળે તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.
અમદાવાદ નું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે; અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.
અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવે છે. અમદાવાદ ના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.
ગુજ્જુમિત્રો, ગજબનું શહેર છે આ અમદાવાદ. સાચું જ કહેવાયું છે કે અમદાવાદ માં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે.
Visit Gujjumitro daily!