પ્રકૃતિના ચાર કડવા નિયમો

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

ગુજજુમિત્રો, પ્રકૃતિ શ્રેષ્ઠ શિક્ષક છે. પ્રકૃતિના ચાર કડવા નિયમો છે જે આજદિન સુધી સનાતન સત્ય સાબિત થયા છે. આ લેખ એ ઉદેશ્ય થી શેર કરું છું કે આપણે બધાં પ્રકૃતિ થી સબક લઈએ અને આપણા જીવનમાં તેના બોધપાઠ નો અમલ કરીએ.

(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ:

જો ખેતરમાં બીજ રોપવામાં ન આવે તો કુદરત ખેતરને નકામા ઘાસથી ભરી દેતી હોય છે. તેવી જ રીતે જો મનમાં સકારાત્મક વિચારોનું બીજારોપણ ન થાય તો પછી નકારાત્મક વિચારો આપોઆપ તેનું સ્થાન લઈ લે છે અને પછી મન નકારાત્મક વિચારોથી ભરાઈને એક ડસ્ટબીન બનીને રહી જાય છે.

સાર: મનને ક્યારેય નવરું નહીં રાખવાનું. મનને સકારાત્મક વિચારોમાં પ્રવૃત્ત રાખીને રચનાત્મક કાર્યમાં વ્યસ્ત અને મસ્ત રાખવાનું. જો એમ નહીં કરો તો મન માત્ર ડસ્ટબીન બની જશે.

(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:

જેની પાસે જે હોય છે તે જ તે વહેંચે છે.
. સુખી સુખ વહેંચે છે!!
. દુઃખી દુઃખ વહેંચે છે!!
. જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!
. ભ્રમિત ભ્રમ વહેંચે છે!!
. ભયભીત ભય વહેંચે છે!!

સાર: આથી જે હકારાત્મક વિચારો ફેલાવતો હોય કે જે સુખ, ખુશી, સંતોષ અને આનંદ વહેંચતો હોય તેની જ સંગત કરવી. નકારાત્મક વિચારો ફેલાવવાવાળાની સંગત કરવાથી તમારું મન પણ તેની સાથે સાથે એક ડસ્ટબીન જ બની જશે.

(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:

આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,

ભોજન ન પચે તો રોગોનું ઘર થાય
પૈસા ન પચે તો દેખાડો અને દંભ વધી જાય
વાત ન પચે તો ચાડી-ચુગલી વધી જાય
પ્રસંશા ન પચે તો અહંકાર વધી જાય
નિંદા ન પચે તો દુશ્મની વધતી જાય
દુ:ખ ન પચે તો નિરાશા વધતી જાય
સુખ ન પચે તો પાપ વધતાં જાય.

સાર: જે સમયે જે મળે તેને પચાવીને જીવન જીવવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે જે મળે તેની સામે કયારેય પ્રશ્ન ઉભા ન કરવા કે તેનાથી ક્યારેય નિરાશ ન થવું. જે મળે તેને ઈશ્વરના આશીર્વાદ સમજીને સ્વીકારીને જીવનમાં આગળ વધતાં રહેવું એ જ સાચો માર્ગ છે.

૪) પ્રકૃતિ નો ચોથો નિયમ

એક જ કેરી છે. એના જ બે ટુકડા કરો. એક ટુકડાને ખાંડની ચાસણીમાં અને બીજા ટુકડાને મીઠું લગાવીને મુકી દો. થોડા દિવસ પછી ખાંડની ચાસણીમાં જે ટુકડો છે તે મુરબ્બો બની જશે જ્યારે જેના ઉપર મીઠું લગાવ્યું હતું તે અથાણાંનો ભાગ બની જશે. એક જ કેરીના બે ટુકડા: એક મીઠાશ આપશે તો બીજો તીખાશ આપશે.

સાર: તમે જેવા બનવા માંગતા હો તેવા માહોલમાં તમારે રહેવું જોઈએ. કારણ કે તમારા વિકાસ ઉપર તમારી આજુબાજુનો માહોલ બહુ જ અસર કરતો હોય છે.

મને પ્રકૃતિના આ ચાર કડવા નિયમો બહુ પ્રેરણાદાયી લાગ્યા. જો તમને પણ ગમે, તો આ પોસ્ટની લીંકને તમારા વડીલો અને સ્નેહીજનો ને મોકલાવાનું ભૂલતાં નહીં .

પ્રેરણાદાયી લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *