દિકરી : કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો
દિકરી : કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો
ઉનાળા નો દિવસ ખરા બપોર નું ટાણું હું મારી બેન ને ત્યાં જવા નીકળ્યો હતો અને બહેન ના ઘરે જવા માટે ત્રણેક જગ્યા પર થી વાહન બદલી કરો ત્યારે પહોંચાય કારણ કે અમારું ગામ છેવાડા નું ગામ છે
હું મારા ગામ થી બસ માં બેસી ને ભાટવર ત્રણ રસ્તા પર ઉતર્યો ત્યાં થી સૂઇગામ જવા માટે બપોર માં સમયે ત્યારે વાહનો બહુ ઓછાં મળે . એટલે બાજુ માં એક મારાજ ની હોટલ છે ત્યાં બે ત્રણ સરસ મજાની પીપળી ના ઝાડ છે ઉનાળા ના સમય માં મોટા મહેલ કરતા પણ લીલા ઝાડ નો છાયડો વહાલો લાગે
મારાજ પોતાની હોટલ ની બાજુ સરસ મજા ની પરબ ચલાવે છે. અમારા વિસ્તાર ના કુંભાર ભાઈઓ દ્વારા પોતાની જાત સીંચી ને માટી માંથી અસ્સલ માટલા બનાવે એ માટલા પરબ માં મૂકેલા એક દમ શીતળ પાણી જેટલું પીવો એટલું મીઠું લાગે અને એમાંય ઉનાળો હોય એટલે તો પાણી અમૃત સમાન લાગે .
મને થયું લાવ હું પણ પાણી પી લઉં એટલે હું મારાજ ની હોટલ તરફ વળ્યો . અને પરબ ના ઠંડાગાર માટલા માંથી પીત્તળ ના લોટા થી પાણી પીધું . ત્યાં મારી નજર બે મુસાફર જે મારી જેમ બસ ની રાહ જોતા હતા એના પર પડી. બાપ દીકરી હતા . બાપ ની ઉંમર લગભગ પંચાવન વરહ ની આસપાસ અને દીકરી ની વિહેક વરહ જેવી લાગતી હતી પણ બાપ જાણે દીકરી હજુ નાની હોય એમ હેત કરતો હતો .
“બેટા તારે પાણી પીવું છે . બેટા ઊભી રે હું પાર્લે નો ડટટો લઈ આવું બસ માં ભૂખ લાગે તો ખાઈ લેજે . હું પાણી ની બરણી ભારી આવું વચ્ચે તને તરહ લાગે તો પીવા થાય.” અને દીકરી કે છે “પણ કાકા (અમારા વિસ્તાર માં બાપ ને કાકા કહે ) હું કઈ નાની કિકલી (ઢીંગલી ) નથી મારી ચિંતા ના કરો .”
એવામાં બસ આવી ને ઉભી રહી બાપ નો ચહેરો એક દમ ઉતરી ગયો . બાપ જાણે આજે દીકરી ને પરણાવી ને સાસરે વળાવતો હોય એમ નિરાશ થઈ ગયો. અને દીકરી ને કહ્યું બેટા એસટી આવી ગઈ હેંડય ઉતાવળે નહિ તો ઊપડી જશે . અને હારે લાવેલ ભરત ભરેલી થેલી લઈ ને બાપ પહેલા થી બસ માં ચડી ગયો .
એક સીટ માં જઈ ને બારી ઉપર બેસેલ બેન ને આગ્રહ કર્યો કે મારી દીકરી ને બારી ઉપર બેસવા દેજો ને . બારી પર બેસેલ બેન સજ્જન હતા કહ્યું કે હા વાંધો નહી . પાછળ થી દીકરી બસ માં ચડી અને બારી વાળી સીટ માં બેસી ગઈ . બાપ હજુ પણ દરવાજા પર જાય ને પાછો દીકરી પાસે આવે ને ભલામણો કરતો જાય સાચવજે દીકરી .
અને કંડકર પાસે આવી ને ભલામણ કરી મારી દીકરી ને ફલાણા સ્ટેશને ઉતારજો હો . અને કોઈ હથવારો મળે તો ભલામણ કરજો . કંડકટર બોલ્યા ઉતરો કાકા હવે બસ મોડી પડે છે .તમારી દીકરી ને બરોબર ઉતારી દઈશ. અને કાકા બસ થી ઊતર્યા પણ ઉતરતા ઉતરતા પોતાની બંડી ના ખિસ્સા માંથી ૨૦ ની નોટ કાઢી ને કન્ડક્ટર ના હાથ માં મૂકતાં કહ્યું આમાંથી મારી દીકરી ની ટિકસ ફાડજો . અને બાકી ના પૈસા એને જ આપી દેજો .
અને નીચે ઉતરી ને પાછા દીકરી બેઠી હતી એ બારી પાસે આવ્યા બેટા સાચવી ને જજે . અને વળી વેળાસર આંટો દેવા આવજે . મારી ચિંતા ના કરતી હું ઘોડા જેવો છું . બસ સાસરિયાં માં વહાલી થઈ ને રહેજે કોઈ ને ખારી ના લાગતી હો . બાપ ની આંખ માં આંસુ આવે પણ પોતાનો ફળિયા ના છેડે થી દીકરી ને ખબર ના પડે એમ લૂછી નાખે . પણ દીકરી ના ચહેરા પર કોઈ અસર ના હોય એવું લાગતું હતું .
બાપ ભલામણ કરતો હતો ત્યાં કંડકરે ઘંટડી વગાડી ને બસ ઉપડી પણ જાણે બાપ ના હૈયા માથે બસ નું ટાયર ફ ર્યું હોય એમ બાપ ભાંગી ગયો અને અસુડા પાડતો રહ્યો . બસ હાલી પણ થોડીક આગળ નીકળી ત્યાં બાજુ માં બેઠેલા બેન થી રહેવાયું નહિ એટલે એમણે દીકરી ને પૂછ્યું કે તમારા કાકા બહુ દુઃખી હૈયે તમને મુકવા આવ્યા હતા કેમ કઈ તમને સાસરિયાં માં દુઃખ છે .
દીકરી યે કહ્યું ના હો એવું કંઈ નથી પણ મારા બાપ ને હું એક જ દીકરી છું મારે ભાઇ નથી . મારી માં હું પાંચેક વરસ ની હતી ત્યારે ગુજરી ગઈ છે એટલું કહ્યા પછી દીકરી ની આંખ માંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા માડી મારો બાપ ગરીબ છે . એની એટલી પુગત નથી છતાં પણ એણે મારા માટે એ બધુંય કર્યું જે ભાગશાલી માણસ કરી શકે પોતે પોતાના અંગ ને અડધું ઉઘાડું રાખી ને મારા બધા જ કોડ પુરા કર્યા છે
દીકરી માડી ના ખભા પર માથું રાખી ને રડતી જાય અને કહેતી જાય છે કે માડી ઘરે થી નીકળ્યા ત્યારે મને ખબર હતી કે મારા બાપ ના ખિસ્સા માં બસ વીસ રૂપિયા જ છે તોય એમણે જતા જતા એ રૂપિયા મારી ટિકિટ માટે આપી દીધા અને હવે પોતે ત્રણ ગાઉં નો પંથ ચાલતા જશે . મને ક્યારેય મારા બાપે મારી માની ખોટ વર્તવા નથી દીધી .અત્યારે જ્યારે ઇ કાલા વાલા કરતા હતા ત્યારે મારું હૈયું ભરાઇ જતું હતું પણ મારા બાપ ને હું ઓળખું છું હું રોવું તો એનું કાળજું ફાટી જાય એટલો કુમળા કાળજા નો મારો બાપ છે .
દીકરી રડી રડી ને હૈયું હળવું કરતી હતી હું બરાબર પાછળ ની સીટ પર બેઠો હતો બાપ દીકરી નો સ્નેહ જોઈ ને હું પણ મારા અશુડા રોકવા માં અસફળ રહ્યો પણ મને ઈ દીકરી પર ગર્વ થયો કે બાપ ને માઠું ના લાગે એટલે સામે એક પણ આહુડું ના પાડ્યું ત્યારે પણ એને આહુંડા તો આવતા હતા પણ ઈ આહુંડા ને દીકરી પી જતી હતી
આમ દુનિયા માં આંસુડાં પાડવા સહેલા છે પણ આશુડા ને પીવા એ બહુ અઘરું છે .. લોક કહેણી છે કે માં વિના દીકરી ઓશિયાળી હોય પણ વહાલા બાપ નો પ્રેમ દીકરા કરતા દીકરી પર હમેશાં વિશેષ રહ્યો છે ..
ઇ સમયે મને કવિ દાદ બાપુ ની કવિતા યાદ આવી ગઈ
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો
મારી મમતા રૂંવે જેમ વેળ્યું માં મારો વીરડો સુકાઈ ગયો
…. અને છેલ્લે
જાન ગઈ મારો જાન લઇને દાદ મારો સુનો માંડવડો ..
આ વાંચતા વાંચતા જો તમારી આંખ ના ખૂણા ભીના થાય તો સમજવું હજુ પણ હરી તમારા હૈયા માં બેઠો છે અને કોઈ ના દુખે દુઃખી થવા ની જે આપણી પરંપરા છે એ હજુ પણ જળવાઈ રહી છે .