એકબીજાને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરતા પણ શીખો!
એકબીજાને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરતા પણ શીખો!
ગુજજુમિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવાનું જાણીએ છીએ પણ તેને વ્યક્ત કરવો પણ એટલો જ જરૂરી છે. એક પરિવાર નો પ્રેમ જીવનને ખુશહાલ કરી દે છે પણ પ્રેમ વિનાનું જીવન ઉજ્જડ મેદાન જેવુ થઈ જાય છે. ચાલો વાંચીએ એક પ્રેરણાદાયી પ્રસંગ.
સાંજના 6.30 થયા ઓફીસ ની લાઈટો ફટાફટ બંધ થવા લાગી..સ્ટાફ ઘરે જવા ઉતાવળો થતો હતો..અને એક હું.. ફરી ઘરે જવાનું છે એ વિચાર થી ઊંડો નિસાસો નાખતો હતો..
ઓફીસ માં મોડે સુધી બેસી..મારા પેન્ડિગ કામ પુરા કર્યા..હવે તો બીજા ના પણ પેન્ડિંગ કામ પુરા કરી ઓફીસ માં વધુ સમય ગાળતો હતો.
મોબાઈલ અને TVએ ધીરે ધીરે પરિવારની આત્મીયતા ઝૂંટવી લીધી હતી.. મોબાઈલના મેસેજીસની લાઇકસ ગણવામાં પરિવારની લાઇકસ-ડિસલાઇકસ જોવાનો કોઈ પાસે સમય બચ્યો નથી..
ઘણા સમયથી મારા ઘરનું વાતવરણ બદલાઈ રહ્યું હતું.. મારી પત્ની સ્મિતા જે મને ખુબ પ્રેમ કરતી હતી.તેના વર્તનમાં પણ કોઈ કારણથી બદલાવ આવ્યો હતો સાથે બાળકોના વર્તનમાં પણ ખરો જ
જે સ્મિતા મને લંચ સમયે ઓફીસ માં મોબાઈલ કરી પૂછી લેતી સાંજે જમવામાં શુ બનાવુ ? એ મીઠા ટહુકા પણ ધીરે ધીરે હવે બંધ થયા.
ઓફિસેથી ઘરે આવતા મને મોડું થાય તો ઘરેથી કોઈ મોબાઈલ કરી પૂછવાની દરકાર પણ કરતું નથી…ઘરની દરેક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત હતા, હું ઓફિસેથી જ્યારે ઘરે પહોંચુ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય અને સ્મિતા તેની TV સિરિયલમાં વ્યસ્ત હોય… અર્થશાસ્ત્રના નિયમમુજબ મારા પરિવારનો મારામાંથી તુષ્ટિગુણ ઘટતો જતો હોય તેવું મને લાગતું હતું.
બુટ કાઢી હું જાતે પાણીનો ગ્લાસ ભરીને પી લેતો, પણ ઘરની દરેક વ્યક્તિ આ શિષ્ટાચાર ભૂલાતો જતો હતો તેનું મને દુઃખ હતું. યંત્રવત જિંદગી થી હું પણ કંટાળી ગયો હતો, મારા પરિવારને મહિને ફક્ત મારા પગારની જરૂર હોય તેવું તેમના વ્યવહાર ઉપરથી મને લાગતું હતું..
મેં પણ ઘણા સમય થી મૌન સ્વીકારી લીધું હતું , રાત્રે ડિનર પતાવી હું બેડરૂમ માં જતો રહેતો. ધીરે ધીરે એકલતા તરફ જતો હતો..
હું સમજતો હતો એકલતા હમેશા કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપતી હોય છે જ્યારે એકાંત ઈશ્વર તરફ પ્રયાણ કરવા આમંત્રણ આપતું હોય છે ..હું ધીરે ધીરે મારી જાતને એકાંત તરફ લઈ જવા પ્રયત્ન કરતો હતો….પણ એક તરફ ઈશ્વર અને બીજી તરફ પરિવાર ની માયા માં મારો જીવડો અટવાયો હતો..
એકલતા માં વ્યક્તિને ગુમાવ્યા નો અથવા દૂર જવા નો “તડફડાટ” હોય છે, જ્યારે “એકાંત” માં ઈશ્વર ની નજીક અથવા પામવા માટે નો “થનગનાટ” હોય છ.
એક દિવસ હું મોડે સુધી ઓફીસમાં કામ કરતો હતો ત્યારે મારા કંપની ના માલિક પણ એ દિવસે કોઈ કામથી રોકાયા હતા… તેમણે મને ચેમ્બર માં બોલાવી પૂછ્યું…ભાઈ દેવાંગ…કામને પહોંચી શકતા નથી..કે ધીરુ કામ કરો છો ? હું નીચે માથું કરી તેમને સાંભળતો હતો.
તેઓ બોલ્યા.. કોઈ બીજી તકલીફ તમને હોય તો પણ જણાવો
મેં તેમની સામે ભીની આંખે જોયું. એટલે તેઓ બોલ્યા.. તમારાથી ઉંમરમાં હું મોટો છું…તકલીફ જણાવશો તો દૂર કરવા પૂરતો પ્રયત્ન કરીશ…તમે અમારી કંપનીના સિનિયર અને સિન્સિયર કર્મચારી છો..તો અમારી પણ કોઈ ફરજ તમારા પ્રત્યે બને છે.
મેં મારી દિલ ખોલી ને કૌટુંબિક હકીકીત તેમને જણાવી..
તેઓએ મને શાંતિ થી સાંભળ્યા પછી કીધું… દેવાંગ… પ્રયત્ન કર્યા વગર કોઈ પણ વ્યક્તિને ધન દોલત , પ્રેમ, લાગણી કે પછી નોકરી સરળતાથી પ્રાપ્ત થાય તો તેની કદર કે કિંમત તેઓ ને મન હોતી નથી.. એ માટે તેમને ઘણી વખત આપણે અહેસાસ કરાવવો પડે.
મારા બોસ સંપૂર્ણ સાચા હતા. તેઓ આગળ બોલ્યા, હવે તમારે મારી આગળ ની કાર્યવાહી ફક્ત જોવાની છે અને હું કહું એટલું જ કરવાનું છે…અને બોલવાનું છે
આ શહેર માં મારા જમાઈની એક હોસ્પિટલ આવેલ છે.. ત્યાં તમારે થોડા સમય માટે દાખલ થવાનું છે…વ્યવસ્થા બધી મારી ઉપર છોડી તમારે ફક્ત ચિંતા મુક્ત રહેવાનું છે..
અમે તેમની કાર માં બેસી એક અદ્યતન હોસ્પિટલ માં દાખલ થયા. કાર પાર્ક કરી.. અમે સીધા તેમના જમાઈ ડોકટર પ્રણવ પાસે ગયા..
મારા બોસે આખો પ્લાન તેમના જમાઈને સમજાવી દીધો.
થોડા સમય પછી મને ICU માં દાખલ કરવા માં આવ્યો.. આ દરમ્યાન મારા બોસે મારા ઘરે ફોન કરી જાણ કરી દીધી
થોડીવાર માં મારો પરિવાર દોડતો આવ્યો…તેઓ ને ICU માં જવા દેવામાં ન આવ્યા પણ ડોકટર ને મળવા દીધા..
ડોક્ટરે કીધું..જુઓ, .દેવાંગભાઈને અચાનક હાર્ટમાં દુખાવો થયો.. નસીબ સારા હતા એ સમયે કંપનીના માલિક ત્યાં હાજર હતા તેઓ એ તાત્કાલિક અહીં દાખલ કર્યા..
પ્રાથમિક તપાસ અને રિપોર્ટ એવું કહે છે…હાર્ટ તેમનું ઘણું નબળું છે..ઓપરેશન કરવું વધારે જોખમકારક છે..મારી દ્રષ્ટિએ દેવાંગભાઈને પરિવારના પ્રેમ અને હૂંફ ની વધારે જરૂર લાગે છે , બાકી ભગવાનની પ્રાર્થના જ વધારે આયુષ્ય તેમને આપી શકે તેમ છે..બીજી રીતે સાચું કહું તો દેવાંગભાઈ કાચનું વાસણ કહેવાય…
પરીવારની આંખોમાં આંસુ હતા. મારા પરિવારે મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ડોક્ટરે કીધું..હમણાં બે દિવસ..કોઈ ને પણ મળવા દેવામાં નહિ આવે…હવે પરિવારને ગંભીરતાની ખબર પડી… ત્રણ દિવસ પછી ડોક્ટરે મને રજા આપી..હું ઘરે આવ્યો..
હવે મારા બાળકો અને પત્નીના સ્વભાવ માં અકલ્પનીય ફેરફાર થવા લાગ્યો.. જેટલો બને તેટલો સમય મને તેઓ આપવા લાગ્યા..સ્મિતા એ TV ની સિરિયલો છોડી…મારી સાથે સમય વધારે ગાળવા લાગી. મોડી રાત્રે સ્મિતા ઉઠી..મને જોતી રહેતી હતી…કોઈ વ્યક્તિને ગુમાવવાની પીડા કેવી હોય એ હું સ્મિતા બદલાતા જતા વ્યવહાર થી મારી નજર સામે જોઈ રહ્યો હતો.
સ્મિતાનું જમવાનું અનિયમિત થઈ ગયું.. રાત્રે ઊંઘ ઓછી થઈ ગઈ ઘણી વખત મોડી રાત્રે મારા માથે હાથ ફેરવવા લાગતી…મને મારો પ્રેમ પાછો મળતો હોય તેવું લાગતું હતું…
એક દિવસ હું એકલો હતો ત્યારે મેં મારા બોસ ને.મોબાઈલ કરી કીધું…બસ સાહેબ હવે વધારે નહિ…. મારી સ્મિતાની તકલીફો હું વધારે નહિ જોઈ શકૂ.
બોસ બોલ્યા.. એક કામ કરો આજે ચેકઅપ માટે હોસ્પિટલ આવી જાવ.. વધારે વાત ત્યાં કરી લઈએ..અને હા પરિવારને સાથે લાવવાનું ભુલાય નહિ
અમે હોસ્પિટલ ગયા…ડોક્ટરે મને ચેક કરી.. મારા પરિવાર સામે રિપોર્ટ જૉઇ કીધું..ચમત્કાર તમારા પ્રેમ અને પ્રાર્થના ની અસર થઈ છે…આપણે જે બીક હતી..તેમાંથી તેઓ બહાર આવતા જાય છે….ઘણો ચમત્કાર કહેવાય..
સ્મિતા અને બાળકો મને ભેટી પડ્યા..અને બોલ્યા “ગોડ ઇઝ ગ્રેટ”
હું મનમાં બોલ્યો.. ભગવાન તો જાદુગર છે જ પણ મારો બોસ પણ ગ્રેટ છે..
મારા બોસ તાળી પાડી બોલ્યા અભિનંદન દેવાંગ..કોઈ મોટી સર્જરી વગર..તમારી તકલીફ દૂર થઈ રહી છે… ઈશ્વર નો આભાર માનો તેમણે તમારા પરિવાર ની પ્રાર્થના સાંભળી છે.
મેં પણ હાથ જોડી ડોકટર અને બોસ નો આભાર માન્યો…
મેં કીધું ડોકટર સાહેબ ઓફીસ ક્યારથી જોઈન્ટ કરી શકાય ?
બોસ બોલ્યા, શું ઉતાવળ છે…દેવાંગ ? લો આ ચાર ટિકિટ તમારા પરિવાર ની 15 દિવસ ની પેકેજ ટુર છે..”કુલી મનાલી” ફરી ને આવો ફ્રેશ થઈ પછી નોકરી જોઇન્ટ કરો..
મારા બોસ મારા પરિવાર સામે જોઈ બોલ્યા…પ્રેમ અને દુવામાં દવા કરતા પણ વધારે તાકાત હોય છે…જે તમે જોઈ લીધું
ઘરમાં પ્રેમ અને પ્રાર્થનાનું સ્થાન જ્યારે TV કે મોબાઈલ હસ્તગત થઈ જાય ત્યારે મંદિર ને બદલે હોસ્પિટલના પગથિયાં ચઢવા પડે છે.
સવાર પડે અને પરિવાર રૂપી માળા માંથી આર્થિક પ્રવૃત્તિ માટે ઉડતા પંખીઓ સાંજે માળા માં પરત આવે ત્યારે તેને TV નો ઘોઘાટ નહિ પણ પરિવાર નો કલરવ અને કલબલાટ આખા દિવસનો થાક ઉતારી આપતો હોય છે… અમસ્તું કીધું છે “Home Sweet Home “
વાસ્તવ માં ઘર ને વૈભવી વસ્તુની નહી પ્રેમ,હૂંફ, વિશ્વાસ, સંતોષ અને આધ્યાત્મિક વાતાવરણની જરૂર હોય છે..જે પરિવાર આ વાત સમજતા નથી એ “ઘર” માં નહિ નહિ પણ “મકાન” માં રહે છે. એટલે જ “ઘર એક મંદિર” કહેવાય છે કદી “મકાન એક મંદિર” એવું નથી કહેવાતું
બોસ હસી ને આગળ બોલ્યા :
“પક્ષી પૂછે તારી ડાળે અમને માળો કરવા દઈશ…?
વૃક્ષ કહે રોજ મધુર ટહુકા ભાડા પેટે લઈશ.❤️”
બસ ઘર ની મુખ્ય વ્યક્તિ ઝાડ છે..તે બીજી અપેક્ષા પરિવાર પાસે નથી રાખતો ,પણ ઘરે થાકી ને આવે ત્યારે “મધુર ટહુકા” ની અપેક્ષા રાખે તો તેમાં ખોટુ પણ શુ છે..?
મેં કંઈ ખોટું કીધું? મારા બોસે મારી અને મારા પરિવાર સામે જોઈ કીધું.
મારા પરિવાર ના પ્રશ્ચયતાપ ના આંસુ તેમના પ્રશ્ન નો પ્રત્યુત્તર હતો..
બોસ હસી ને બોલ્યા હવે ઓફીસમાં મારી મંજૂરી વગર કામના કલાકો પછી તમારે રોકાવાનું નથી… સમજ્યા?
ડોકટર મારા બોસ સામે જોઈ હસી ને બોલ્યા..વગર ઓપરેશને ઉપચાર કેમ કરવો એતો તમારી અનુભવી આંખે મને શીખવાડ્યું.
મિત્રો નાની પણ બહુ મોટી વાત…પાણી પોતા નુ આખુ જીવન આપી ને વૃક્ષ ને મોટુ કરે છે, એટલા માટે કદાચ પાણી લાકડા. ને ડૂબવા નથી દેતું !