આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે : વ્યંગકથા
આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત
મનુભાઈ મુંબઈ થી અમદાવાદ એમના વેવાઈ ને ત્યાં આવેલા.
બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા.
મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨,
ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડા ના ૧૦ દાતણ ની ઝૂડી પણ મૂકી.
મનુભાઈ આ ૧૦ દાતણ ની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં.
મનુભાઈ દાતણ ની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળી માં લીમડાના ૧૦ દાતણ ની ઝૂડી મૂકવાનું શું કારણ?
વેવાઈ એ વિસ્તાર થી જવાબ આપ્યો કે “મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલ ને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણ ની ઝૂડી મૂકી”.
મનુભાઈ ને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈ ને પૂછ્યું નહિ કે આ ૯ દાતણ શાના મૂક્યાં. વેવાઈ કહે, મનુભાઈ મેં તો કંઈ પૂછ્યું નહિ.
મનુભાઈ ને તાલાવેલી થઈ કે સાલું આ તો અચરજ કહેવાય. આનું રહસ્ય તો જાણવું જ પડશે.
મનુભાઈ અને વેવાઈ બંને સુમતિલાલના ઘરે ગયા. ૯ દાતણ વિશે પૂછ્યું, સુમતિલાલ કહે હું મારા બનેવી બાબુલાલને ત્યાં જમવા ગયો હતો ત્યાં ૮ દાતણ મૂક્યાં હતાં. તેથી મેં એક દાતણ વધારી ૯ મૂક્યાં.
મનુભાઈ ને તાલાવેલી વધવા લાગી.
૮ દાતણ મૂક્યાં હતાં તે ઘેર,
૭ દાતણ મૂક્યાં હતાં તે ઘરે,
૬ દાતણ મૂક્યાં હતાં ત્યાં,
એમ ૫, ૪, ૩ દાતણ મૂક્યાં હતાં તે તમામ ઘરે ગયા,પણ આનું રહસ્ય ઉકેલાયુ નહીં.
છેલ્લે જેણે ૨ દાતણ થાળી માં મૂક્યાં હતા, તે રમણીકભાઇ ના ઘરે ગયા. તેમણે કહ્યું, “જુઓ ભાઈ હું એકવાર ગામડે ગયો હતો, અમારા એક સગા વિધવા માજી રહે. સંતાન માં એક દીકરી , તે પણ પરણાવી દીધેલી. માજી ઘરમાં એકલા બિચારા. હું એમના ઘરે જમવા બેઠો, તો મારી થાળી માં ૧ દાતણ મૂક્યું, મેં તો કંઈ માજી ને દાતણ વિશે પૂછ્યું નહીં.
મનુલાલ ને હજુ રહસ્ય મળતું નથી. મનુભાઈ પેલા વિધવા માજી નું સરનામું લઈ ને એમના ઘરે પહોંચ્યા. માજી એ આવકારો આપ્યો. માજી ના ખબર અંતર પૂછ્યા, અને પછી હળવેકથી માજીને પૂછ્યું, “માજી રમણીકભાઇ આપને ત્યાં એકવાર જમવા આવ્યા હતા, ત્યારે આપે સારી રીતે જમાડ્યા હતા, અને થાળીમાં ૧ લીમડાનું દાતણ મૂક્યું હતું, તો લીમડા નું દાતણ મૂકવાનું કારણ શું?”
માજી એ કહ્યું, “જુવો મનુલાલ, ભાઈ હું ઘરમાં એકલી, દીકરી સાસરે રહે. તે દીવસે રમણીકભાઇ આવ્યા ત્યારે શીરો, પૂરી, શાક, દાળભાત બનાવેલા, હવે દાળ વાટકી માં હલાવવા મારા ઘર માં ચમચી નહિ, એટલ મેં લીમડા નું દાતણ દાળ હલાવવા મૂક્યું હતું………”
મનુભાઈ ને લીમડા ના દાતણ નું રહસ્ય મળી ગયું.
બધું આંધળે બહેરું કુટાય છે, માજી ના ઘરમાં ચમચી નહોતી એટલે લીમડાનું દાતણ મૂકતા હતા. દરેક રિવાજ જે તે સમય ની માંગ, સંજોગો, જે તે સમાજની શક્તિ અનુસાર અને વ્યક્તિ ની સવલત અનુસાર ઘડાયેલ હોય છે. એનું અનુકરણ ના હોય કે સ્પર્ધા પણ ના હોય.
દરેક સમાજ માં આમને આમ જ અમુક રીવાજો માં ગાડરિયો પ્રવાહ ચાલે છે.