મને કદી દુનિયા ગમી નથી, અહીં કશું કાયમી નથી
મને કદી દુનિયા ગમી નથી, અહીં કશું કાયમી નથી
❛❛એ કારણે મને કદી દુનિયા ગમી નથી,
સઘળું અહીં છે પણ કશુંયે કાયમી નથી.
મૃત્યુની બીક એટલે લાગે છે આપને,
આપે આ જિંદગીને બરાબર ખમી નથી.
આવા પ્રયોગ મારા ઉપર રોજ તો ન કર,
સાચુકલો આદમી છું પ્રભુ! કંઈ ડમી નથી.
મારું હ્ર્દય વિશાળ છે સાબિત થઈ ગયું,
વર્ષો જૂની અગન હજુ સુધી શમી નથી.
એમાંથી બસ ઉમંગ કશે નીકળી ગયો,
મારા જીવનમાં આમ બીજી કંઈ કમી નથી.
પણ તોય એની સાથે નથી ફાવતું હજુ
તકલીફ નહિ તો આમ બીજી – પાંચમી નથી.
પીડાના વાદળોથી એ ઢંકાઈ છે ફકત,
વાસ્તવમાં મારી હામ હજુ આથમી નથી.
મૃત્યુય એને મુજથી અલગ ના કરી શક્યું,
હું ભૂખ્યો છું તો સ્વર્ગમાં પણ મા જમી નથી.❜❜
– વિકી ત્રિવેદી