તો પછી કેમ અંગત માનવું?
તો પછી કેમ અંગત માનવું?
સામે કદી જોયું નહીં, તો કેમ અંગત માનવું?
કોઈ કશું બોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?
સંબંધમાં સન્માન જાળવવું અપેક્ષિત છે, છતાં,
નમતું કદી જોખ્યું નહીં, તો પછી કેમ અંગત માનવું?
કહેતાં હતાં- ‘ખખડાવજે તું દ્વાર અડધી રાત્રિએ’,
પણ, બારણું ખોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?
ક્યારેક સગપણમાં જતું કરવું પડે સઘળુંય, પણ,
કોઈએ કશું છોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?
કાપ્યા પછી કૂંપળ ફૂટે, મૂળિયાં સલામત હોય તો,
પણ, પાંદડું કોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?
પાણી ન પાયું જીવતાં, તોપણ મળી માફી, છતાં,
જળ પીપળે ઢોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?
ભરચક સભામાં લાજ લૂંટાઈ, છતાં મૂંગા રહ્યાં,
વહારે કોઈ દોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?
કારણ બધાં શોધ્યાં કર્યાં- ‘શાને થયું છે હાર્ટ-ફેઈલ?’
દિલ જીવતાં ખોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?
‘આંસુ મગરનાં’ જોઈ, મૃત્યુ બાદ ‘ધીરજ’ને થયું-
‘કોઈ ખરું રોયું નહીં, તો કેમ અંગત માનવું?❜❜
- ડૉ. ધીરજ એસ. બલદાણિયા
Also read : ચિત્રગુપ્ત ની સમસ્યા : સ્વર્ગમાં લગન કે ડિવોર્સ