પરેશાનીનો ઉપાય છે સાચો મિત્ર, નહીં કે આત્મહત્યા.
ગુજ્જુમિત્રો, હાલમાં સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી આખા દેશમાં લોકો શોકગ્રસ્ત છે. આટલો સફળ અને નિપુણ કલાકાર આવું પગલું ભરી શકે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું. પરંતુ કલાકાર પણ અંતે તો એક માણસ જ છે ને? પરેશાની દરેકના જીવનમાં હોય છે, બસ એ સમજો કે પરેશાનીનો ઉપાય છે સાચો મિત્ર, નહીં કે આત્મહત્યા.
માનસિક તાણની ક્ષણોમાં મજબૂત લોકો પણ આત્મહત્યા કરે છે. આ લોકો પાસે બધું જ છે. પૈસા… શાન… શૌકત…માન… સન્માન… દાબ… દરજ્જો…આમાનું કંઈપણ તેને રોકી શકતું નથી. જો બધું જ હોય તો પછી શું ખૂટે છે?
જવાબ છે, એક સાચો મિત્ર.
જ્યારે જીવન ધાર્યા પ્રમાણે ના ચાલે, પરિસ્થિતિ નિયંત્રણની બહાર જવા લાગે ત્યારે એક સારા રાજદાર મિત્રની કમી મહેસુસ થાય છે. એવા મિત્રની જેની સાથે ચાંદીના કપમાં નહીં પણ ચાની કીટલી પર સાથે બેસીને એક ચા ના બે ભાગ કરી શકાય.
એવો મિત્ર જે વાહિયાત વાતોથી પણ હસાવે, જે હૃદયનો ભાર હળવો કરી આપે, જેને જોઈને જ તાણ ભૂલી જવાય. એવો લંગોટિયો મિત્ર જેની પાસે ભલે કાંઈ ન હોય પણ તમને કહી શકે કે ”બસ તું બધું મારા પર છોડી દે. હું સંભાળી લઈશ, તું ચા પી, હું બેઠો છું ને!”
જો તમારી પાસે આવો મિત્ર હોય તો તેની કદર કરજો. આખી દુનિયાની ધન દોલત એક તરફ અને આવો મિત્ર એક તરફ. આવા મિત્રો વેચાતા નથી મળતા, તેમનો નિસ્વાર્થ પ્રેમ આ દુનિયાની કોઈ અમીર વ્યક્તિ ખરીદી શકતી નથી. જો તમારી પાસે આવો મિત્ર હોય તો તમે ખરા અર્થમાં શ્રીમંત છો.