મા વગરના દીકરા એ પોતાના પિતાને સાચી રાહ દેખાડી : ટૂંકી વાર્તા

મા વગરના દીકરા એ પોતાના પિતાને સાચી રાહ દેખાડી : ટૂંકી વાર્તા
એક હતું ખૂબ મોટું રાજ્ય. બાગ-બગીચા ને વાડીનો પાર નો’તો. જાતજાતના ફૂલો ને ભાતભાતના ફળોથી વાડીઓ સમૃદ્ધ હતી. એમાં એક મસ્ત ને મોટી વાડી, જેનો ચોકીદાર હતો માધુ. રાજાને આ વાડી પર ખૂબ પ્રેમ. વારે-તહેવારે રાજા વાડી પર આવીને ચારે બાજુ ફરે ને ખુશ થઈને જાય ને માધુને ખૂબ શાબાશી આપતો જાય.
માધુએ આખી જિંદગી વાડી પાછળ નીચોવી દીધી ને વાડીને લીલીછમ, હરીભરી ને ભરીભરી બનાવી દીધી. વાડીના ઝાડ મોટા થતા ગયા ને માધુ ઘરડો થતો ગયો. એનું શરીર હવે થાક્યું. એનો નાનો છોકરો રામુ સ્કૂલેથી આવીને માધુને ઘરકામમાં મદદ કરતો. રસોઈ-પાણીમાં આવડે એટલું કરતો હતો. હજુ તો એ નાનો બાળક છે.
એક દિવસ માધુને તાવ ચડી ગયો. માંડ-માંડ એ વાડીએ પહોંચ્યો. પણ.. હવે માધુનું શરીર થાક્યું હતું. એટલે ક્યારેક કામમાં વહેલું મોડું થતું. એક-બે વાર રાજાએ માધુને કહ્યું, “માધુ! તારું શરીર હવે ન ચાલે, તો રહેવા દે. તું ઘરડો થયો છે. આજથી તને છૂટો કરવામાં આવે છે. નવો માળી આવશે ને બધું સંભાળી લેશે. તું હવેથી છુટ્ટો.”
ઢોર-ઢાખર પશુપંખીની દુનિયામાં આવું જ છે. કામ હોય ત્યાં સુધી જ કામ, પછી તો રામરામ. માણસની વસ્તીમા’ય આવું બનવા માંડ્યું. માધુ હેબતાઈ ગયો, ગભરાઈ ગયો. 1 સેકન્ડમાં વર્ષોના માળીને રાજાએ ચપટી વગાડતા છૂટો કરી દીધો. માધુ રાજાને સલામ કરી ભારે હૈયે, ઉદાસ હૃદયે ને તૂટેલા મને ઘેર ગયો અને ખૂબ રડ્યો.
બે-પાંચ દિવસ તો માધુ ગુમસુમ રહ્યો. મા વગરના રામુને બાપાની આ સ્થિતિ સમજાતી નો’તી. પણ.. બાપા નારાજ છે, એ તો એ’ય સમજી ગયો. એણે કહ્યું, “બાપા! હું સ્કૂલે 2 દિવસ નહિં જાઉં. ઘરનું બધું કામ હું કરી લઈશ.” માધુ પ્રેમથી પુત્રને જોઈ રહ્યો.
બીજે દિવસે સવારે અંધારું હતું ને માધુએ રામુને જગાડ્યો અને કહ્યું, “ચાલ મારી સાથે.” બાપ દીકરા બંને રાજાની વાડી પાસે આવ્યા. માધુને વાડીનો ખૂણેખૂણો ખબર હતો. અંદર જવાનો છૂપો રસ્તો’ય ખબર હતો. તે હળવેથી દરવાજો ખોલી અંદર દાખલ થઈ ગયો. ને રામુને કહ્યું, “તું આ ઝાડ નીચે ઉભો રહે, હું કેરીઓ તોડી તોડીને ઝોળીમાં ભરીશ. તું નીચે પડે તે ભેગી કરી લેજે.”

માધુએ કેરીઓ તોડીને ઝોળીને ભરવાની શરૂઆત કરી. અને એ જ સમયે રાજાને વાડીમાં આવવાનું થયું. રાજાને ખડખડ અવાજથી ખ્યાલ આવી ગયો કે વાડીમાં કોઈ ઘૂસ્યું છે. રાજા એલર્ટ થઈ ગયા. પણ.. ત્યાં તો બે મિનિટમાં બધી કેરી નાંખીને માધુ રામુનો હાથ પકડી લઈને ચાલ્યો ગયો.
રાજાએ જતા માધુને બરાબર ઓળખી લીધો. પણ.. રાજાને એ સમજ ન પડી કે એકાએક બધી જ કેરી નાંખીને માધુ કેમ ચાલ્યો ગયો?
બીજે દિવસે દરબાર ભરાયો. રાજાએ સૈનિક મોકલ્યા ને કહ્યું, “માધુને અને એના દીકરાને હાજર કરો.”
માધુના ઘરે સૈનિક આવ્યો ને રાજાનો હુકમ કહ્યો. માધુના મોતીયા મરી ગયા એને લાગ્યું, કાલે વાડીમાં કેરી ચોરવા ઘુસ્યો હતો, એના સમાચાર રાજાને મળી ગયા હશે. એટલે જ રાજાએ બોલાવ્યો છે. એ ધ્રૂજી ઊઠ્યો. એના મનમાં થયું, મેં ખૂબ ખોટું કામ કરી નાખ્યું.
જિંદગીમાં પહેલીવાર પાપ કર્યું. એને ખૂબ પસ્તાવો થયો ને ડર પણ લાગ્યો. ડરતો માધુ રામુને લઈ રાજાના દરબારમાં આવ્યો. રાજાએ માધુને પૂછ્યું, “તું વહેલી સવારે વાડીમાં ગયો હતો?” માધુ, “હા, રાજાસાહેબ. મને અવળી મતિ સુઝી ને હું કેરી ચોરવા વાડીમાં ગયો હતો. ત્રણ દિવસથી અડધું-પડધું જ ખાધું હતું. એટલે ભૂખ સહન ન થઇ.”
રાજા, “પણ.. ચોરેલી બધી જ કેરી ત્યાં નાખીને કેમ ચાલ્યો ગયો?” માધુને થયું, ‘રાજાજીને કોઈએ પાક્કે પાયે વાત કરી જ છે. હવે કીધા વગર છૂટકો નથી.’ એણે કહ્યું, “મહારાજા! તમે ક્ષમાવંત છો, મને માફ કરજો! આપની સામે જે સાચું છે તે કહું છું.”
“ઝાડ પરથી કેરીઓ તોડીને ઝોળીમાં ભરી. પણ.. ઝાડ પર કેરી ચોરતા પકડાઈ જવાનો ડર લાગતો હતો. એટલે મેં રામુને બરાબર ચારે બાજુ ધ્યાન રાખવાનું કહેલું ને અડધી ઝોળી ભરીને મેં રામુને પૂછ્યું, રામુ! કોઈ જોતું તો નથી ને? એ વખતે રામુએ કહ્યું, બાપા! ઈશ્વર જુએ છે.”
“બસ…મહારાજા! આ નિર્દોષ બાળકના શબ્દોએ મને હચમચાવી દીધો. ભલે એને સ્કૂલમાં શિક્ષકે શીખવાડ્યું છે. પણ.. મને તો મારા રામુએ જગાડી દીધો. ને હું ઈશ્વરના ડરથી બધી જ કેરીઓ નાખીને આવી ગયો.” ને માધુએ રડતા રડતા માફી માંગી ને સજા ન કરવા વિનંતી કરી.
રાજા, “માધુ! તે આટલા વર્ષ મારે ત્યાં કામ કર્યું, પણ.. મેં તારી પાછલી જિંદગીની ચિંતા ન કરી. પણ.. માધુ! આજથી તારે વાડીમાં જ રહેવાનું છે ને બધું તારે જ સંભાળવાનું છે. ને તારો પગાર જેટલો હતો એટલો જ તને મળતો રહેશે. ને બીજું, રામુની ચિંતા તું નહીં કરતો. એને હું જ ભણાવીશ ને એનો બધો જ ખર્ચો રાજ્ય કરશે. એને આગળ ઊંચે લઈ જઈશ.”

જે ઈશ્વરથી ડરે તેને ઇશ્વર ભરે. ને પછીના દિવસોમાં માધુ-રામુ એક માત્ર ઈશ્વરના ડરે પ્રગતિના શિખરો ચડતા રહ્યા. મિત્રો, આ ટૂંકી વાર્તા આપણને શીખવે છે કે એક સારા સંસ્કાર માણસને કેટલી ઉંચાઈએ લઈ જઈ શકે છે, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ ને પ્રમાણ છે. આવો, આપના જીવનને સંસ્કારોથી મધમધતું બનાવીયે.
Also read : ભાઈ બહેન નો પ્રેમ અને દુકાનદાર