શું ગામડા ની છોકરી માટે માલવિકા મેડમ નો નિર્ણય સાચો હતો?

તમામ મહિલાઓ માટે ડૉક્ટર ની ઉપયોગી હેલ્થ ટિપ્સ

શું ગામડા ની છોકરી માટે માલવિકા મેડમ નો નિર્ણય સાચો હતો?

કોઈ કારણસર હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ડાયવર્ઝનનું બોર્ડ મારેલું હતું. ડ્રાઇવરે ગાડી કાચા રસ્તે લીધી. રસ્તામાં ભરવાડ ઘેટાં-બકરા લઈને નીકળ્યો, સાંકડો રસ્તો હોય ગાડી થોભાવી પડી.

માલવિકા મેડમની નજર નજીકના એક કાચા ગાર માટીના ઘર પર પડી. એક યુવતી દિવાલ પર સુંદર મજાના મોર, પોપટ અને ફૂલવેલનું ચિતરામણ ગળીથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી વાવેલા તે ક્યારા સાફ કરવા લાગી.

માલવિકા મેડમને તે છોકરી પોતાના એકના એક હાવર્ડ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમબીએ થઈને આવેલા અને પિતાના બિઝનેસમાં લાગેલ યુવાન પુત્ર મૌલિક માટે ગમી ગઈ.તેની પારખું નજરે જોયું કે આ છોકરી પાસા પાડ્યાં વગરનો હીરો છે. રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી. સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને લોકગીત ગાઈ રહી હતી.

ઘરે આવીને તેમણે બધી વાત તેમના પુત્ર અને પતિને કરી. આપણા મૌલિક માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો બિઝનેસ અને ઘર બંને સંભાળી લેશે. પણ શું ગામડા ની છોકરી માટે માલવિકા મેડમ નો નિર્ણય સાચો હતો?

બીજે દિવસે માલવિકા મેડમ તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને ગયા. તેનું નામ પાંચી હતું. તે ગરીબ ખેત મજુરની દીકરી હતી અને ચાર ધોરણ જ ભણેલી હતી. પાંચીના મા-બાપને થયું આટલા મોટા શેઠના એકના એક દીકરાને તો છોકરીવાળા માથે પડે. અમ ગરીબની ચાર ચોપડી ભણેલી પાંચી માટે સામું માગું લઈને આવ્યા છે. દીકરીના મા-બાપ તરીકે ચિંતા થઈ કંઈ આડું અવળું તો નહીં હોયને? માલવિકા મેડમે ધરપત આપી કે તમે અમારા માટે તપાસ કરી લો પછી જવાબ આપજો.

પાંચીના પિતાને કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ શરત રાખી લગન તો મારા આંગણે મારી ત્રેવડ પ્રમાણે થશે. જાનમાં વીસ માણસો લઈને આવજો.

માલવિકા મેડમે હા પાડી. દેશના અતિ ધનાઢ્યના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.

Woman in Car

માલવિકા મેડમે પાંચીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી.ત્રણ વર્ષમાં પાંચી એટલી તૈયાર થઈ ગઈ કે આજે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં બિઝનેસની, દેશ-વિદેશની સ્ટ્રેટેજી વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ફરાટેદાર અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંચી મેડમની દૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.

માલવિકા મેડમની પસંદગી માટે શેઠ અને મૌલિકને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું. રાત્રે સેવન સ્ટાર હોટલમાં ડિનર પાર્ટીમાં ચાંદીના ડિનર સેટમાં જમ્યા. છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંચીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંચીએ કહ્યું,” ભલે, કાલે ચાર વાગ્યે જઇશું.”

બીજે દિવસે પાંચીએ તેમની માતાએ આપેલા સાવ સાદા કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો બી એમ ડબલ્યુ ગાડી ડ્રાઇવ કરીને પોતાના પિતાના ઘરે વિદેશી મહેમાનને લઈ ગઈ.

એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી. પાંચીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા. ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં. એક ગરીબ ખેત મજૂર પાસે દુનિયાની કઈ વાત હોય! તે ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી.એક એલ્યુમિનીયમની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી.ચા લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને બનાવેલ.ગાયતો વસુકી ગયેલ હોય દૂધતો ઘરમાં ક્યાંથી હોય!

વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી. ગાય વિંયાણી. પાંચીએ કછોટો વાળી અને ગાયને દોહી .બાજરાની ઘઉંરી ખવડાવી. ઓર ઉકરડે નાંખી આવી.ગમાણ સાફ કરી.ગાયને ધુમાળી કરી પછી પોતે નાહી ધોઇને તૈયાર થઈ ગઈ. મહેમાન તો જોતાં જ રહી ગયા.તેને થયું ક્યાં કાલની પાંચીમેડમ અને કયા આજની! તેને અહીં કશો નવો જ આધ્યાત્મિક અહેસાસ થતો હતો. તેને પોતાના વૈભવ સુખ વામણા લાગવા મંડ્યા .

પાંચીના પિતાએ કહ્યું,”વાળુંનો ટેમ થઈ ગયો છે તો વાળું કરીને જજો.” કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, ” હા… હા.. જમીને જઈશું.” જમવામાં બાજરીના રોટલા, તુરીયાનું શાક અને ડુંગળી જ હતાં.

પતરાવળીમાં જમીન ઉપર બેસીને જમ્યાં. મહેમાને આવો જમવાનો અમૃતનો સ્વાદ તેની જિંદગીમાં ક્યારેય નો’તો ચાખ્યો. જવા સમયે પાંચીના પિતાએ મહેમાન અને વેવાઈને ‘ધડકી’ ભેટ આપી. પાંચીને ફાળિયાના છેડેથી 10 ની નોટ કાઢીને આપી.

વિદેશી મહેમાને પાંચીના નાના ભાઈને બે હજારની પાંચ નોટ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે,” દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય.” ત્યારે વિદેશી મહેમાનને થયું સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાયને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની લોન મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય. એક નાના ગામડા ની છોકરી ને કામ માં કુશળ અને વ્યવહાર માં એવી વિનમ્ર બનાવી, કે તે જ સાચી મૂડી બની ગઈ.

જતી વખતે એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે એક સાવ ગરીબ ખેત મજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા,” સાચા સુખી તો તમે જ છો.”

Also read : ખુશહાલ જીવન જીવવું અઘરું નથી!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *