ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ
ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ
મેં કહ્યું ચલ રસોડામાં
બે સારા સ્પીકર મુકાવી દઈએ
જેથી તને રસોઈ કરતાં-કરતાં
સારું મ્યુજિક સાંભળવા મળે..
તે ખડખડાટ હસી પડી,
ને બોલી મારે રસોડામાં
કોઈ કંપનીની જરૂર નથી.
રસોડાના અવાજો જ મારા દોસ્ત છે…
હું વિચારતો થઇ ગયો,
ને પછી યાદ આવ્યો…
ગૃહિણી ને સાથ આપતો રસોડાનો અવાજ
નળના ટપકવાનો ટપ ટપ અવાજ…
કડાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ…
તેલમાં પાણી પડવાથી થતો તડ તડ અવાજ…
હિંગ વાળા વઘારનો છમ અવાજ…
કૂકરની સીટી નો મોટો અવાજ…
કોફીના કપમાં ફરતી ચમચીનો કોમલ અવાજ…
તવી અને સાણસીનો એકસૂર થતો અવાજ…
વાસણોનો ખણ ખણ અવાજ…
જો કે આ બધા અવાજો તો યાદ આવ્યા જ….
પણ…
રોટલીની સાથે શેકાતા
ટેરવાનો અવાજ કદી
સાંભળ્યો જ નહિ…
તેલના ટીપા ચામડી પર
પડ્યા તેનો ચિત્કાર સાવ
ભૂલાઈ જ ગયો…
દુખતા શરીરની તૂટનનો
અવાજ કાન સુધી
પહોચ્યો જ નહિ…
ફૂટેલી રકાબીના અવાજ
થી પરિચિત થયા પણ
તૂટેલા મન સાથે બંધાતા
લોટમાં કણસવાનો અવાજ દબાઈ ગયો…
થાળી પીરસાઈ એની
સાથે કેટલા બધા અવાજોય પીરસાયા છતાં
આપણે કદી એક અવાજે
એટલું ય ન કહ્યું..,
કે, આજે જગતનું શ્રેષ્ઠ
ભોજન જમવાનો આનંદ
થયો..
કારણકે બહારના રૂમમાં
વાગતા મ્યુજિક માં પેલા
નાના અવાજો ઉદાસ
થઈને ચાલ્યા ગયા ને
તે પીડાનો અવાજ ન
સંભળાય તેમ,રસોડામાં
પૂરાઈ ગયો…!
Also read : બધું તણાઈ ગયું : આપણી સંસ્કૃતિ અને સભ્યતા