“આજની સારી વાત” – ખુશ રહેવાની ચાવી
આજની સારી વાત
થોડાં સમય પહેલા મૉલની મુલાકાત દરમિયાન મારા કાર્યકાળ દરમિયાનની એક સખી મળી ગઈ. ખાસ્સાં સમય બાદ મળ્યા હોવાથી ખબર-અંતર, કુટુંબ, સંતાનો, ફોન નંબર વિગેરેની ફાસ્ટ્રેક આપ લે થઈ. એના ચહેરા પર એક સુંદર ,શાંત સ્મિત હતું જે પહેલાં અમારા પાંચ વર્ષના સહવાસમાં કદી જોયું નહોતું. મેં અનાયાસે પૂછ્યું, “સુવી, મેડિટેશન કે યોગા કરે છે કે? તારી તંદુરસ્તીનો રાઝ તો જણાવ.”
એ ખડખડાટ હસી પડી અને બોલી ,”ના રે ,એવું કશું જ કરતી નથી. ગૃહિણી તરીકેની અનન્ય ફરજ બજાવું છું પ્રેમથી બસ !” વાતવાતમાં જાણવા મળ્યું કે મારા ઘરની નજીક આવેલા બગીચામાં એ રોજ સાંજે આવે છે.”પાછાં જરૂર મળીએ” નો વાયદો કરી છુટાં પડ્યાં.
જીવનની ઘટમાળ, રોજની વ્યસ્તતા અને કંઈક આપણાં મનની નિષ્ક્રિયતામાં બગીચામાં જવાનું રહી ગયું.
એવામાં એક દિવસ સુવીનો ફોન આવ્યો અને મળવાનું નક્કી કર્યું. હસી- ખુશીમાં પાંચેક મિનિટ ગઈ અને પછી એ જ જીવન જંજાળ.. ઘરની વાત, છોકરાંઓની ચિંતા, સગાંઓનું વર્તન વિગેરે. મેં પૂછ્યું,”તારે કંઈ બળાપો નથી કાઢવો?” સુંદર સ્મિત આપી સુવી જોતી જ રહી.એ બોલી,”જો હવે આપણે અહીં નિયમિત મળવાનું. ન બને તો ફોન પર પણ વાત કરવાની પાંચ મિનિટ, કબૂલ છે?પણ વાત કરતી વખતે રોજની એક સારી વાત જરૂર કરવાની. આખા દિવસ દરમિયાન તને જે કોઈ નાની- મોટી વાત સારી લાગી હોય એ મને જરૂર કહેવાની જ. પ્રોમિસ આપ ,કોશિશ કરીશ ને?”
મારો હાથ પ્રોમિસ આપવા લંબાયો પણ ઢીલો-ઢીલો.એણે મારો હાથ ખેંચી પોતાનાં બંને હાથ વચ્ચે કેદ કરી હૂંફનો સંદેશ આપ્યો. “રોજ શું સારી વાત હોય આપણા જીવનમાં? રિટાયર્ડ થઈ ગયાં, એ જ રોજીંદુ જીવન. એમાં વાત શું કરીશું ?”એ બોલી,” ટ્રાય તો કરજે. ચલ બે આંટા મારીને છૂટાં પડીએ, કાલે મળીશને?”
બીજે દિવસે સુવી હાજર. હુંએ હાજર. પ્રશ્ન તેની આંખોમાં ડોકાઈ રહ્યો હતો .”અરે, કંઈક તો સારું બન્યું જ હશે આખાં દિવસમાં,યાદ કર .”” શું કહું? આજે મારાં ગુલાબના છોડ પર મહિનાઓ બાદ કળીઓ દેખાઈ .આજે ગરમી ઓછી છે .શું તું પણ?”એ નિખાલસતાથી હસી પડી અને બોલી, “યસ, યસ..આવી જ નાની નાની બાબતો પર વિચાર કરી.આપણે બન્ને એકબીજાંને કહીશું અને હસીશું.મારા માટે આજની સારી વાત એટલે તારી સાથે મુલાકાત.”
અને આમ અમારો ”આજની એક સારી વાત”વાળો ક્રમ શરૂ થયો. પ્રત્યક્ષ ના મળીએ ત્યારે ફોન પર પણ. ત્યારથી મને પણ દિવસની નાનામાં નાની વાતને “આજની એક સારી વાત” તરીકે મૂલવવાની ટેવ પડી ગઈ.એનું લિસ્ટ જુઓ તમે પણ આશ્ચર્ય પામશો..
- “આજે ખોવાયેલી બુટ્ટી મળી ગઈ”.
- “બપોરે ન સૂતી તોય માથું ન દુખ્યું”
- “દીકરીએ આજે મારી ચટણી બહુ વખાણી”
- ” પડોશીના દીકરાને ૯૫ ટકા માર્ક્સ મળ્યાં”
- “મારી શાળા કાળ દરમિયાનની એક સખી મળી”
- ” પતિ સાથે રસ્તા પરના ઠેલા પર પાણીપૂરી ખાધી”
- “આજે દાળઢોકળી ફક્કડ બની એમ વખાણ થયાં”
- “મારાં મોગરાનાં છોડ પર આજે પંદર ફૂલ આવ્યાં અને ઘણી બધી કળીઓ પણ દેખાઈ રહી છે.”
- “રક્ષાબંધન માટે અમે હાથે રાખડી બનાવી”.
- ” બહુ વર્ષે મારું પ્રિય ગીત અચાનક ટીવી પર જોવા મળ્યું”.
આ બધાની સામે નાનાં દુઃખોની શું વિસાત ?
હવે તો આજની ‘એક સારી વાત ‘ને બદલે એકથી વધુ સારી વાત મમળાવવાની ટેવ પડી ગઈ છે. નાની નાની ખુશીઓ એવી સરસ જાજમ બિછાવી દે છે ને દિલમાં કે દિલને આળા થવાનો ચાન્સ જ નથી મળતો.આપણે આવી નાની ખુશીઓને નજરઅંદાજ કરીને મોટાં સુખની વાટમાં મોઢું વકાસીને બેસી રહીએ છીએ અને
પળોને વ્યર્થ વેડફી દઈએ છીએ.
ખુશ થવાની પણ આદત પાડવી જોઈએ જે આવી નાની પળોને માણવાથી પડે. પછી રસ્તા પર જતું સુંદર બાળક હોય કે વર્ષો બાદ હાથમાં આવેલું પ્રિય પુસ્તક .સુવીએ માંડેલા આ સંવાદથી મારી તો આદત કેળવાઈ ગઈ છે “આજની સારી વાત” વિશે વિચારીને રોજ રાત્રે સૂતાં પહેલાં જરા મલકાઈ લેવાની. રસ્તે જતા મંદિર આવે ત્યારે જેમ અનાયાસે આપણે પગે લાગીએ છીએ ; એવા અદમ્ય વિશ્વાસ સાથે કે ‘અંદર’ ભગવાન છે જે મારા વંદન સ્વીકારશે .
એવા જ વિશ્વાસ સાથે સૌને ”આજની એક સારી વાત “નો પ્રયોગ કરવાનો અનુરોધ છે .ધીમે ધીમે તમારી પાસે પણ સારી વાતોનો ખજાનો થઈ જશે .જેમ આપણાં જુનાં ફોટાનું આલ્બમ જોઈએ ત્યારે છૂપો આનંદ થાય તેવો જ અનુભવ તમને આ ખજાના વિશે વિચાર કરતાં થાય તેવી મારી અભિલાષા.
Also read : જીવન દર્પણ
બહુ જ સુંદર અને હ્રદય સ્પર્શી ????????????