એક સ્ત્રીના દિવાસ્વપ્નો

એક સ્ત્રીના દિવાસ્વપ્નો
આજે ધર્મિષ્ઠાનો એલાર્મ પાંચના ટાઇમે જ વાગ્યો. અનિચ્છાએ ઉઠીને પોતાની પથારી સંકેલી સીધી બાથરુમમાં ગઇ. નાહીને તૈયાર થઇને મંદિરમાં ભગવાનના દર્શન કરી રસોડા તરફ ડગ માંડીયા. રોજની જેમ એક ગેસ પર ચા અને બીજા ગેસ પગ કોફી મુકી. પછી ફટાફટ ધાર્મિકને જગાડીયો, ‘’એ ઉઠો, ચા થઇ ગઇ છે. અને ગરમ પાણી પણ મુકી દિધેલ છે.” ત્યાર બાદ દ્રષ્ટી અને દિપકને જગાડીને શાળા માટે તૈયાર કર્યા. બા-બાપુજીને નિત્યક્રમમાંથી પરવારી. પોતે ચા-નાસ્તો કર્યો. ત્યાઁ બજારમાં જવાનુ થયુ. શાક-તરકારી અને જીવન-જરુરીયાતની ચીજોની ખરીદી કરીને આવીને વળી પાછા રસોઇ ઘરમાં.
બા-બાપુજી માટે અલગ અને ધાર્મિકને માટે અલગ રસોઇ તૈયાર કરવામાં તો જાણે બપોર કેમ થઇ જતી એ તો ખબર જ પડતી જ હતી. એક વાગ્યો ત્યાઁ તો ધાર્મિક ઓફિસેથી આવ્યો. રસોઇ જમતા જમતા બોલ્યો,”અરે, ધાર્મી આજે શાક માં મીઠું વધારે પડયું છે.” ધાર્મી કશુ બોલ્યા વગર ચાખી જોયુ પણ એને રસોઇ બરોબર લાગી. બા-બાપુજીને રસોઇ પીરસી આપી. બાપુજી પણ જાણે ધાર્મિક સાથે મળી ગયા હોય તેમ બોલ્યા, “વહુ બેટા, આજે અમારા જમવામાઁ મરચુ વધારે લાગે છે.” ધર્મિષ્ઠા નિસ્તબ્ધ ડઘાઇ ગઇ. પણ પોતાની જાતને સઁભાળતા બોલી, ‘’ના મમ્મી રસોઇ તો બરોબર જ કરી હતી, પણ ખબર નથી પડતી કે કેમ આજે આમ થાય છે.” આ સાંભળતા જ ધાર્મિક ધર્મિષ્ઠાને આઁખો બતાવીને રસોઇ મુકીને ઉભો થઇને ઓફિસે જતો રહ્યો.
ધર્મિષ્ઠા ને તો જાણે બપોર બગડી હોય એમ લાગ્યુ. પણ કશુ કરી શકે એમ ન હતી. મન બીજા કામોમાં પરોવવા પ્રયાસ કરતી જ હતી ત્યાં દિપક અને દ્રષ્ટી શાળાએથી આવી ગયા. એમની જમાડીને સુવરાવવામાં અને બા-બાપુજીની સેવામાં બપોર કયા ચાલી ગઇ ખબર જ ન પડી. સાંજે ધાર્મિકનો ફોન આવ્યો, ” ધાર્મિ, હું મિત્રો સાથે બહાર જાવ છુ, મારે માટે ઘરે કશુ વધારે મીઠા વાળુ ન બનાવતી.” ધર્મિષ્ઠાના મૌને જાણે હા નુ કામ કર્યુ હોય એમ ફોન કપાઇ ગયો.
ધર્મિષ્ઠા વિચારતા વિચારતા ચાર વરસ પહેલાના સઁસ્મરણોમાં સરી પડી.

“એ ઉઘણશી ઉઠ, એ તને કહુ છું ઉઠ, નવ વાગ્યા તો પણ તારી સવાર નથી પડી હજુ. ઉઠ નહી તો પાણીની બાલદી રેડુ છુ અત્યારે જ.” આ વાકય સાંભળતા જ ધર્મિષ્ઠા જોરથી બોલી પડી, “મમ્મી, આ નાનકાને કહો, મને સુવા નથી દેતો, હજુ તો નવ જ વાગ્યા છે. સુવા દે મને.” અને ધર્મિષ્ઠા સુઇ ગઇ.
મમ્મીએ ચા સાથે દસ વાગે પથારી પાસે આવ્યા અને આપી. “બેટા, હવે ઉઠો તો સારુ. ચાલ બાથરુમ માં ફ્રેશ થઇને આ ચા પીલે. ચા-પાણી થઇ ગયા પછી તો મહારાણી સીધા જ ઘરની બહાર. પાણીની તરસ લાગી હશે કલાક પછી તો એ ઘરમાં પાણી પીવા રસોડામાં જતી હતી. તો મમ્મીએ એને અટકાવી. “અરે, મને કહે હું પાણી આપુ તને, તારે હજુ રસોડામાં જવાની વાર છે. “,”અરે, મમ્મી હુ તો ફકત પાણી પીવા જતી હતી.“ મમ્મીએ અટકાવતા કહ્યુ, “અરે બેટા, પછી તો તારે જ રસોડુ સઁભાળવુ પડશે ભવિષ્યમાં” એમ કહીને હસી પડયા.
બપોરે જમવાના સમયે જમવાનુ મળી જતુ. નાના ભાઇ સાથે હસીમજાક અને પપ્પા સાથે સમય કેમ વહી જતો ખબર જ ન પડતી. સાંજે તો બહેનપણીઓ સાથે ગપ્પાબાજી અને વાતોના વડા જ કરવાના.રાતે નાનકા સાથે જ ઝઘડો ફરી શરુ થતો. નાનકો કહે, ‘’મારે મુવી જોવુ છે, તારી સીરીયલ તો સવારે રીપીટ ટેલીકાસ્ટમાં વહેલા ઉઠીને જોઇ લેજે. અત્યારે મને જોઇ લેવા દે.” એમ કહીને રીમોટની ખેઁચમખેઁચ શરુ થતી. પછી પપ્પા સમાધાન કરાવતા. નાનકાને સમજાવતા,”અરે એને જોઇ લેવા દે, પારકા ઘરે જશે તો થોડી તારી પાસે રીમોટ લેવા આવશે” અને ધર્મિષ્ઠા આ બધી વાતો મજાકમાં કાઢી નાખતી.
ત્યાં જ અચાનક બા નો અવાજ સંભાળાયો. “વહુ, બેટા મારી દવાનો સમય થઇ ગયો.” અને ધર્મિષ્ઠા આંસુ લુછતા સમય સાથે હરીફાઇ કરવા માટે ફરી કામે વળગી પડી.
ગુજજુમિત્રો, શું તમારા ઘરની સ્ત્રીઓ પણ આવા દિવાસ્વપ્નો જોવે છે? શું તમે એક પરિણતા ના બદલાયેલા જીવન અને જવાબદારીઓ માં તેનો સાથ આપી શકો છો? શું તમે તેના જીવનને થોડું સરળ બનાવી શકો છો? જો હા, તો તમારો પ્રેમ સાચો છે. મને આશા છે કે આ કથા તમને અને તમારા પરિવારજનોને વિચાર કરવા માટે પ્રેરિત કરશે.