હું સાબિત કરી શકું છું કે તમે નસીબદાર છો!
ગુજજુમિત્રો, આજે હું જે લેખ શેર કરી રહી છું તે વિચારવા યોગ્ય છે. જો તમને લાગતું હોય કે તમારું નસીબ ખરાબ છે અને જીવનમાં સુખ ની કમી છે, તો આ લેખ ચોક્કસ વાંચજો કારણકે હું સાબિત કરી શકું છું કે તમે નસીબદાર છો! તમે શાંતિથી આ લેખ વાંચીને તેના વિષે કમ સે કમ ૫ મિનિટ વિચારી જુઓ. જીવનને જોવાનો તમારો અભિગમ ચોક્કસ બદલાશે.
ચાલો સાબિત કરું કે તમે નસીબદાર છો
મિત્રો, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે-
- તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
- તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
- તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
- તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
- તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
- તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
- તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
- આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.
- તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી.
મુલ્લા નસીરુદ્દીન અને દૂ:ખી માણસ – એક ટૂંકી વાર્તા
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, “બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.”
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.
મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.
થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’
આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.
સિક્કાની બીજી બાજુ વિષે પણ વિચારી જુઓ
જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?
કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’
હવે ક્યારેક ‘હું સુખી નથી… મારી પાસે આ નથી… મારી પાસે તે નથી… એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.
ભગવાનનો આભાર માનો
આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..
આવા જ મજેદાર લેખો વાંચવા માટે અમારા જીવનદર્પણ વિભાગની મુલાકાત ચોક્કસ લેજો.