શું તમે જાણો છો કે તમે જ ખુદના સાચા ડૉક્ટર છો?

ગુરૂકૃપા વિના મુક્તિ નથી

ગુજજુમિત્રો, આજે હું તમને એક કેન્સર પીડિત મહિલાની સત્ય ઘટના વિષે જણાવવા માગું છું. મૃત્યુ ના દરવાજે જઈને આ મહિલા પોતાના મનોબળ થી કેવી રીતે પાછી આવી અને પૂર્ણપણે સાજી થઈ ગઈ એ જાણીને તમને આશ્ચર્ય થશે. તો ચાલો વાંચીએ : શું તમે જાણો છો કે તમે જ ખુદના સાચા ડૉક્ટર છો?

હાલમાં મને એમ બહુ સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં સુપ્રસિદ્ધ ડૉ નિમિત્ત ઓઝા ના વર્ષોના અનુભવોનો નીચોડ છે. તેઓ કહે છે, “એક સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ એટલે કે તમે જ ખુદને સાજા કરી શકો છો’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી.” મિત્રો, જો તમે બીજી કોઈ સંભાવના, વિજ્ઞાન કે વિચારધારા પ્રત્યે ખુલ્લુ મન નથી રાખતા તો સમજી લેજો કે આગળ જતાં માત્ર અંધારું જ હાથ લાગશે.

એક પ્રેરણાદાયી સત્ય ઘટના

મારે આજે તમને એક વાત કરવી છે. એક મહિલા Lymphoma નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના કેન્સરનું નિદાન ૨૦૦૨માં થયેલું. ૨૦૦૬માં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેઓ ૩૦ કલાક સુધી કોમામાં રહ્યા. તબીબોએ તેમના સ્વજનોને કહી દીધેલું કે હવે કોઈપણ ક્ષણે તેઓ મૃત્યુ પામી શકે છે. તેમના અંતિમ દર્શન માટે સગા-વહાલાઓને પણ બોલાવી લેવાયા. પરંતુ કોઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. અને એટલું જ નહીં, ફક્ત ચાર દિવસમાં તેમનું ટ્યુમર ૭૦ % જેટલું Shrink થયું (ગાંઠ નાની થઈ ગઈ) અને તે પછીના પાંચ અઠવાડિયામાં તેમને કેન્સર-મુક્ત જાહેર કરાયા. આ પ્રસિદ્ધ મહિલાનું નામ છે અનિતા મૂર્જાની.

અનિતા મૂર્જાની સાથે થયેલો આ ચમત્કાર શું હતો ?

એ જાણવા માટે તમારે એમનું પુસ્તક ‘Dying to be me’ વાંચવું પડશે. પણ બેભાનાવસ્થા દરમિયાન અનિતાએ રીયલાઈઝ કરેલા કેટલાક તથ્યો તેમણે પોતાના પુસ્તકમાં લખ્યા છે. પુસ્તક ‘Dying to be me’ ૨૦૧૨માં પબ્લીશ થયેલું અને રીલીઝ થયાના ફક્ત બે અઠવાડિયામાં એ ‘ધ ન્યુ યોર્ક ટાઈમ્સ’ના બેસ્ટ-સેલર લીસ્ટમાં હતું. આ પુસ્તકની ગુજરાતી કોપી નું નામ છે “કેન્સર ઉપર વિજય”.

અનિતા મૂર્જાનીની આત્મકથા

આ પુસ્તકમાં અનિતાએ લખ્યું છે કે હું કેન્સરને પરાસ્ત કરી શકી કારણકે મને એ સમજાઈ ગયું કે મને કેન્સર શું કામ થયેલું ? મેં મારી અંદર ઘણું બધું દબાવીને રાખેલું. હું આજીવન અન્યને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહેલી. મેં મારી પોતાની જાતને ક્યારેય વ્યક્ત જ ન થવા દીધી. હું જ્યારથી સમજણી થઈ, ત્યારથી મને કેન્સરનો ડર લાગતો. કારણકે કેન્સરના કારણે મેં મારા સ્વજનો ગુમાવેલા.

મને સતત ભય રહેતો કે મને કેન્સર તો નહીં થાય ને ? હું ક્યારેય નિર્ભયતાથી મારી જિંદગી જીવી જ ન શકી. અને છેવટે મેં મારી જિંદગીમાં એ જ આકર્ષિત કર્યું, જેનો મને ડર હતો. જેના વિશે હું સતત વિચારતી રહેતી. હું ક્યારેય મારી જાતને પ્રેમ નહોતી કરી શકી. કોમા દરમિયાન આ બધી વાતો મને બહુ સ્પષ્ટતાથી સમજાઈ ગઈ. અને મેં નક્કી કર્યું કે ‘આઈ વિલ હીલ માયસેલ્ફ’ “હું ખુદને સાજી કરીને જ રહીશ.”

Anita Moorjani
અનીતા મૂર્જાની

ડોકટરો પાસે દરેક સવાલનો જવાબ નથી

તબીબી વિજ્ઞાન ભણેલી કોઈપણ વ્યક્તિને આ અનુભવ, હકીકત કે પુસ્તક ‘વાહિયાત’ લાગી શકે. પણ આ દર્દીઓ માટે આ પુસ્તક બહુ પ્રેરણાદાયી છે. એલોપેથીની દરેક ટેક્સ્ટ બુકમાં કેન્સરના કારણોમાંનું એક કારણ ‘Idiopathic’ હોય છે. ‘Idiopathic’ એટલે ‘reason not known (કારણ ની જાણ નથી)’ અથવા તો ‘of spontaneous origin (આપમેળે ઉદ્ભવ થયો છે ) ’. અને કેન્સર થવાના આ અનિશ્ચિત કારણમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે.

તમારા વિચારો જ રોગ નું મૂળ છે

જે વાત અનિતાએ પોતાના પુસ્તકમાં લખી છે, એ જ વાતો અત્યાર સુધી જગતની અનેક ફિલોસોફીઝ કહેતી આવી છે. ભાવનાઓ ને દબાવવાથી બીમારી થાય છે. આપણી મોટાભાગની તકલીફો અને બીમારીઓનું મૂળ કારણ આપણા વિચારોમાં રહેલું હોય છે. જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ, એ જ ક્ષણે આપણી અંદરનું વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ જતી હોય છે. આપણા શરીરની અંદર રહેલો દરેક કોષ આપણા વિચારોના પ્રભાવમાં હોય છે. આપણું શરીર આપણા દરેક વિચારને રીએક્ટ કરતું હોય છે. આપણું શરીર પર મનનો ઊંડો પ્રભાવ પડે છે.

આપણે ખુદને સાજા કરી શકીએ છીએ

હા, we can heal our own selves. અને એ પ્રક્રિયામાં જે મદદ કરે, એને તબીબ કહેવાય છે. એક સુપર-સ્પેશીયલીસ્ટ કન્સલ્ટન્ટ પણ કહે છે કે તેઓ દરેક દર્દીની ‘સેલ્ફ-હિલીંગ’ પ્રક્રિયામાં મદદ કરે છે અને તેને વેગ આપવાનું કામ કરે છે. એ જ કારણ છે કે એક જ દવાની બે અલગ અલગ દર્દીઓમાં બે અલગ અલગ અસરો થાય છે. એક જ સર્જરી નું પરિણામ બે ભિન્ન વ્યક્તિઓમાં સાવ ભિન્ન આવે છે.મન જ્યાં લઈ જાય, ત્યાં શરીર દોરવાય છે. મનને ક્યાં લઈ જવું, એ આપણા હાથમાં છે. આપણે જે વસ્તુ પર ધ્યાન આપીશું, એ વૃદ્ધિ પામશે. યાદ રાખો તમે ખુદના સાચા ડૉક્ટર છો.

અનીતા ની આપવીતી શું શીખવે છે?

અનિતાની વાત પરથી હું એટલું જ કહીશ કે નિર્ભય બનીને જીવો. કોઈ ભાવનાને છુપાવી કે દબાવી ના રાખો . વ્યક્ત કરતા રહો, વ્યક્ત થતા રહો. સાંભળવા વાળું કોઈ ન મળે, તો વિચારોને કોરા કાગળ પર લખી નાખો. પણ નેગેટીવ હોય એવું કશું જ અંદર ન રહેવા દો. નિરાશા, ઈર્ષા, નફરત આ બધા નેગેટીવ ઈમોશન્સ છે. તમાકુની જેમ આ નેગેટીવ ઈમોશન્સની લાંબાગાળે હાનિકારક છે અને કેન્સરમાં પરિવર્તિત થાય છે. એ ન થવા દો.

તમે જ ખુદના સાચા ડૉક્ટર છો

આપણે બધા કુદરતની ખાસ કૃતિ છીએ. આપણામાં તેમનો જ અંશ છે. જાતને પ્રેમ નહીં કરવાનું કોઈ સબળ કારણ આપણી પાસે નથી. તેથી બીજા પાસે થી પ્રેમની અપેક્ષા રાખ્યા વિના, ખુદને જ અસીમ પ્રેમ કરો, બેહદ પ્રેમ કરો. આપણાં પ્રેમની આપણાં શરીર પર જાદુઈ અસર થાય છે. બસ દિવસ માં ઓછામાં ઓછા ૩૦ વખત ખુદને કહો, “આઈ લવ યુ!” અરીસા માં જુઓ તો કહો, “હું તો બહુ જ સુંદર લાગુ છું. “

શંકા નહીં, શ્રદ્ધા રાખો

થોડા ઘણા બેક્ટેરિયા, કેટલાક વાયરસ, થોડું પોલ્યુશન, થોડું રેડિએશન અને કેટલાક વારસાગત રોગો સિવાયની બીમારીઓ માટે આપણને કોઈને ડૉક્ટરને પૂછવાનો અધિકાર જ નથી કે ‘આ શેને કારણે થયું હશે ?’.અને માની લઈએ કે થયું પરંતુ એવું પૂછવાનો તો બિલકુલ અધિકાર નથી કે ‘આ મટી તો જશે ને?’. એ જાત પ્રત્યે હોય, ડૉક્ટર પ્રત્યે કે સારવાર પ્રત્યે. શંકા હંમેશા જીવલેણ હોય છે અને શ્રદ્ધા જીવદાયી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *