‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ

ગૃહિણી માટે રજા

‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ

ગુજરાતણોએ માત્ર કોપીરાઈટ જ રજિસ્ટર કરવાના બાકી રાખ્યા છે. બાકી તમે થોડી જ વારમાં જોશો કે ગુજરાતી ભાષામાં કંઈ કેટલીયે કહેવતો અને રૂઢિપ્રયોગોનો જન્મ રસોડામાં જ થયો છે! વાંચો ‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ

‘બાફ્યું!’

આમાં સૌથી પહેલા નંબરે આવે છે એક જ શબ્દનો રૂઢિપ્રયોગ… ‘બાફ્યું!’ તમે કંઈપણ ભૂલ કરો, ઊંધું મારો, લોચો પાડો… તો એના માટે સર્વસામાન્ય રિ-એક્શન છે : ‘બાફ્યુ!!’ એ પછી મહિલાઓનો ફેવરીટ ડાયલોગ છે : ‘કાચું કાપ્યું!’ પુરુષોની કોઈપણ સિધ્ધિનું મોસ્ટ નેગેટિવ રિ-એક્શન પણ એક જ શબ્દમાં… ‘કંકોડા?’ ‘શું તમે કંકોડાં કમાયા?’ ‘કંકોડાં મેચ જીત્યા?’ ‘કંકોડા જાન લઈને આયા?’

તારી સાસુનું શાક દાઝે

કહેવતો મેઇડ ઇન કિચન હોય ત્યાં શાક ના હોય તે કેમ ચાલે? એક જમાનામાં બહેનોના મોઢે બોલાતો મોસ્ટ ફેવરીટ શ્રાપ હતો : ‘તારી સાસુનું શાક દાઝે!’ તે વખતે એવી માન્યતા હતી કે ‘જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો’ અને ‘અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું’ ગડબડ થાય તો એના માટે મીઠડો રૂઢિપ્રયોગ હતો. ‘લોચાલાપશી થયા છે!’ અને સુપર-કિંગ સાઇઝના લોચાલાપસી માટે કહેવાનું હતું કે ‘આખું કોળું શાકમાં ગયું!’

સાસુ વહુની લડાઈ : નવલકથા

મોંમાં મગ ભરી રાખ્યા છે

કોઈ નણંદ કે ભાભી મુંગીમંતર રહીને ખટપટ કરતી હોય તો કહેશે કે ‘મોંમાં મગ ભરી રાખ્યા છે.’ જેઠાણી મોઘમ વાત કરીને ટોણા મારે તો કહેશે ‘મગનું નામ મરી પાડતાં શું થાય છે?’ છેવટે કોઈ કારી કારગત ના નીવડે તો કહેવાય કે ‘દાળ ગળતી નથી’. અમુક જડસુ ટાઈપની વ્યક્તિ માટે કિચન ક્વીને જ કહેવત પાડી હશે કે ‘આ પાણીએ મગ ચડે એમ નથી.’

વખાણી ખીચડી દાંતે વળગી

આજકાલની સિરિયલોમાં તો દરેક એપિસોડમાં ‘દાળમાં કાળું’ હોય જ છે. સ્ટોરીઓ પણ એટલી લાંબી લાંબી ખેંચાતી જાય છે કે ‘દે-દામોદર, દાળમાં પાણી!’ સિરિયલોવાળા એમ માને છે કે ‘ગોળ નાંખો એટલું ગળ્યું થાય’ પરંતુ કંટાળેલા પ્રેક્ષકોમાં બેઠેલી મહિલાઓ કહેતી હશે ‘વાતમાં મોણ નાંખ્યા વિના સીધેસીધું કહો ને?’ જોકે અમુક સિરિયલોને TRP મળી જાય પછી ‘વખાણી ખીચડી દાંતે વળગી’ જેવો ઘાટ થતો હોય છે. એ તો જે સિરિયલો અધવચ્ચેથી બંધ થઈ જાય એના માટે કહેવાય કે ‘રાઈના ભાવ રાતે ગયા.’

મોં મીઠું કરાવો

અમુક વાર શંકા જાય કે ક્યાંક પેલો કરિયાણાની દુકાન માંડીને બેઠેલો વેપારી તો કહેવતો નથી બનાવતો ? પણ જ્યારે તમે સાંભળો કે ‘મોં મીઠું કરાવો’ ‘તમારા મોંમાં ઘી ને સાકર’ ‘જાવ જાવ, તમે ખાંડ ખાવ છો!’ ત્યારે સમજાય કે જન્મદાતા તો રસોડાવાળી જ છે ને! જુઓને આ બધું ક્યાંથી આવ્યું ? જેમકે…

શેક્યો પાપડ ભાંગે તેવો નથી

‘ઉતરેલી કઢી જેવું ડાચું થઈ ગયું’ ‘દિવેલ પીધેલા જેવું મોં થઈ ગયું’ ‘ભાઈમાં મીઠાની તાણ છે’ ‘એ તો ખાઈ બદેલો છે’ ‘ખાય તેનું ખોદે છે’ ‘ખાલીખોટી મેથી મારે છે’ ‘શેક્યો પાપડ ભાંગે તેવો નથી’ ‘ડુંગળીના સાત પડ જેવો છે’ ‘જલેબીના ગૂંચળા જેવો સીધો છે’ ‘બે બદામનો માણસ છે’ ‘એની દાઢ સળકી છે’ ‘તમને દાઢમાં રાખશે’ ‘છો ને ફીફાં ખાંડતો?’ અને આજકાલની જનરેશન કહે છે તેમ ‘ઇજ્જતનો ફાલુદો’ થઈ ગયો!

મારી મારીને કચૂંબર કરી નાંખ્યું !

અરે, જ્યાં મારામારી કરવી એ પુરુષોનો એરિયા છે ત્યાં પણ રૂઢિપ્રયોગ તો રસોડામાંથી જ આવે છે : ‘મારી મારીને કચૂંબર કરી નાંખ્યું !’ ‘બિચારાનો છુંદો થઈ ગયો’ ‘જવા દે ને, સાવ પાપડ પહેલવાન છે!’ એ જ રીતે પેટને લગતી કહેવતો પણ કિચનમાં જ બની હશે ને ?… ‘બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે’ ‘જેને કોઈ ના પહોંચે તેને તેનું પેટ પહોંચે’ ‘પાપી પેટનો સવાલ છે’ ‘પેટ કરાવે વેઠ’ ‘પેટ ભરીને પંચાત..’

ભાભી નું કામ
‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ

મીઠું મરચું ભભરાવ્યા વિના વાત કર

મસાલા અને સ્વાદની દુનિયા જે રસોડાથી જ શરૂ થાય છે, ત્યાંથી જ તેને લગતી કહેવતો પણ બની છે. ‘મીઠું મરચું ભભરાવ્યા વિના વાત કર’ ‘તને કેમ મરચાં લાગે છે?’ ‘મફતનાં મરી તીખાં ના હોય’ ‘વાતો મસાલેદાર છે’ ‘જીભનો બહુ મીઠડો છે’ ‘શીકે મધ દેખાયું છે’ ‘આદુ ખાઈને પાછળ પડ્યો છે’ અને ‘તારી માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો…’

ઘી-દૂધની નદીઓ વહે છે

ઘરની દુર્દશા હોય તો ઘરમાં ‘હાંલ્લા કુસ્તી કરે છે’. જાહોજલાલી હોય તો ‘ઘી-દૂધની નદીઓ વહે છે’ અને સામાન્ય જીવન હોય તો ‘ઘેર ઘેર માટીના ચૂલા’ નહિતર ‘ઘી ઢળ્યું તો ખીચડીમાં!’ અને દરેક ઘરમાં ‘વાસણ ખખડે’ એવું તો બનવાનું જ ! એટલે જ, રૂઢિપ્રયોગોમાં રસોડાની અસર આવ્યા વિના રહેતી નથી કે ‘ગુસ્સાનો ઉભરો આવ્યો’ ‘દિમાગ હોલવાઈ ગયું’ ‘ક્રોધ ભભૂકી ઊઠ્યો’ વગેરે.

કાગડો દહીંથરૂં લઈ ગયો

બાકી ‘પારકે ભાણે મોટા લાડું’ ‘જમવાનું મોસાળે અને મા પીરસણે’ ‘કાગડો દહીંથરૂં લઈ ગયો’ અને ‘બોર આપીને કડલી કાઢી લીધી’ જેવી કહેવતો રસોડાની રાણીએ નથી બનાવી એમ તમે માનતા હો તો મિત્ર તમારી અક્કલ ‘પોથીમાંના રીંગણાં’ જેવી છે!

~ અજ્ઞાત

દુલાભાયા કાગ વાણી : સારગર્ભિત જ્ઞાન

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *