બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય
ગુજ્જુમિત્રો, આજે આ લેખમાં હું તમને શરીરની બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય વિષે જણાવવાની છું. મારા માટે તંદુરસ્ત શરીર એ છે જેમાં સ્ફૂર્તિ અને ચપળતા હોય, જેમાં રોગ ના હોય, જેમાં પીડા ના હોય. જ્યારે આપણાં શરીરમાં બિનજરૂરી ચરબી હોય છે, તો સ્ફૂર્તિ એક સપનું બની જાય છે. તેથી શરીરની બિનજરૂરી ચરબીને દૂર કરવી બહુ જરૂરી છે. અને તે માટે BMI જાણવું જરૂરી છે.
BMI એટલે શું?
BMI એટલે કે બોડી માસ ઈન્ડેક્સ. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેની પહેલી શરત છે કે તમારું શરીર BMI મુજબ હોવું જોઈએ. આ માટે તમારે સિક્સ પેક બોડીની જરૂર નથી એટલે જીમમાં જઈને બોલીવુડના હીરો – હિરોઈન જેવા આકર્ષક શરીરની આંધળીદોટ કરવાની જરૂર નથી. બસ તમારે શરીરને સ્વસ્થ અને વજનને નિયંત્રિત રાખવા માટે પ્રયત્નો કરવાના છે.
જો તમે તમારા પેટની ચરબી અને વજનને દૂર કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે એ જાણવાની જરૂર છે કે હકીકતમાં તમારું વજન કેટલું છે. પછી તમે તમારા BMI ઇન્ડેક્ષને જાણી લો. કેમ કે, આ આંકડા પરથી જ તમે જાણી શકશો કે તમારે કેટલા વજનની જરૂર છે. દરેક વ્યક્તિને શરીરમાં પોતાની ઊંચાઈના આધારે યોગ્ય વજન હોવું જોઈએ. જે તમને આ BMI ઇન્ડેક્ષ પરથી જાણી શકાશે. તમે આ લીંક પર ક્લીક કરીને તમારું યોગ્ય વજન કેટલું હોવું જોઈએ તે જાણી શકો છો.
જોકે તમારામાંથી મોટાભાગના લોકો પોતાના પેટની ચરબી જોઈને કહી શકશે કે તેમણે વજન ઉતારવાની જરૂર છે કે નહીં. જો તમે પણ તમારા વજનને ઘટાડવા માગતા હો અને કોઈપણ ડાયટ પ્લાનને ફોલો કરતા હોવ તો સૌપ્રથમ તમારે અમુક ઘરેલું ઉપાય અપનાવવા પડશે. બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય નીચે મુજબ છે :
૧. રાત્રે ભોજન કરતી વખતે વધુ ભારે ખોરાક ન લો
સામાન્ય રીતે રાત્રે ભોજન કર્યા બાદ લોકો કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, અને સીધા જ સુઇ જતા હોય છે. અને આથી જ રાત્રે જમેલો ખોરાક ખૂબ આસાનીથી પચતો નથી, અને તે ચરબી સ્વરૂપે આપણા પેટમાં જમા થઈ જાય છે. આથી રાત્રે શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ હળવો ખોરાક લો, અને જમ્યા બાદ ઓછામાં ઓછા ૧૦૦ કદમ ચાલવાની આદત રાખો અથવા ૨૦ મિનિટ માટે વોક કરવા માટે જાઓ.
૨. સવારમાં ક્યારેય પણ નાસ્તા વગર ન રહો
સવારમાં થોડો પણ સમય મળે તો નાસ્તો કરી લેવો. સામાન્ય રીતે લોકો પોતાનું વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું છોડી દેતા હોય છે. પરંતુ વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારમાં નાસ્તામાં જો યોગ્ય રીતે વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને આખો દિવસ દરમિયાન કાર્ય કરવાની ઊર્જા મળી રહે છે, અને આથી જ સવાર સવારમાં બ્રેકફાસ્ટ લેવો અનિવાર્ય છે.
૩. ભોજન કરતી વખતે દરેક કોળિયાને ચાવી ચાવીને ખાઓ
ઝડપથી ખાવાથી આપણે ખોરાકને સીધા જ પેટમાં ઉતારી દઇએ છીએ, અને આથી જ તે આપણા પેટમાં ઝડપથી પચતો નથી અને ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થઈ જાય છે. આથી જ શક્ય હોય તો દરેક કોળિયાને ૩૦ થી ૩૫ વખત ચાવીને ખાવો જોઈએ.જેથી અપાચ્ય ખોરાક ચરબી બનીને શરીરમાં જમા ના થાય.
૪. દરરોજ સમયસર ઊંઘ લો
વજન ઘટાડવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે ઊંઘ. રાત્રિ દરમિયાન પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિ એ છ થી આઠ કલાક સુધી શાંતિથી સળંગ ઊંઘ લેવી જરૂરી છે. સમયથી સૂઈ જાઓ અને સમયથી ઊઠો. વજન ઘટાડવા માટે તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
૫. ભોજનમાં પ્રોટીન વધારો
ભોજનમાં વધુ માત્રામાં પ્રોટીનનું સેવન તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે કારણકે તેને પચવામાં સમય લાગે છે. તેથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. જેથી કરીને તમે પ્રમાણમાં ઓછી માત્રામાં ભોજન લો છો અને તમારો શરીરનું વજન ઘટાડી શકો છો. તેથી વજન ઘટાડવા માટે તમારા ખોરાકમાં અંકુરિત મગ, કાળા ચણા, સોયાબીનની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે અને તમારા શરીરની ચરબીને ઘટાડે.
૬. પાણી વધારે પીવો
વજન ઘટાડતા વ્યક્તિઓએ દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ થી ચાર લિટર પાણીનું સેવન કરવું જોઇએ. વધારે પાણી પીવાથી શરીરમાં ભોજન બહુ સારી રીતે પચી જાય છે અને કબજિયાત પણ નથી રહેતી. તેથી ચરબી જમા નથી થતી. એટલા માટે દર અડધા કલાકે એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.
૭. મીઠાઈ, મેંદો અને તળેલી વસ્તુઓને ટાળો
મીઠા ખોરાકની અંદર ભરપૂર માત્રામાં કેલરી હોય છે અને આથી જ વજન ઘટાડતા વ્યક્તિઓએ બને ત્યાં સુધી મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. વળી, મેંદા વાળી બ્રેડ અને અન્ય વસ્તુઓ પાચન અવયવોમાં અપાચ્ય ચરબી બનીને જામી જાય છે. વધુ તળેલી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ. તેની અંદર ભરપૂર માત્રામાં કેલરી હોય છે. જે તમારા શરીરમાં જરૂર કરતાં વધુ માત્રામાં ચરબી ઉત્પન્ન કરે છે. અને સાથે સાથે તમારી પાચનશક્તિને ઘટાડે છે.
૮. નિયમિતપણે કસરત કરો
મોટાપો ઘટાડવા માટે કસરત કરવી સૌથી મહત્વની વસ્તુ છે. કસરત કરવાથી તમારા શરીરમાં જામેલી વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે, અને સાથે સાથે તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે. તેથી કસરત કરવાથી તમારા શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટે છે.
મિત્રો, મને આશા છે કે આ લેખ તમને તમારા શરીરની બિનજરૂરી ચરબીને ઘટાડવા માટે મદદરૂપ થશે. સ્વસ્થ શરીર માટે વધુ લેખ વાંચવા માટે આ લીંક પર ક્લીક કરો.