જેવા સાથે તેવા : શિયાળ અને બગલા ની વાર્તા

જેવા સાથે તેવા

જેવા સાથે તેવા : શિયાળ અને બગલા ની વાર્તા

એક બગલો નદી કિનારે રહેતો હતો.

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મોઢેથી તો મીઠું મીઠું બોલે પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે – બગલાભાઈ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું – સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે – લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું!

બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.

Animal
જેવા સાથે તેવા

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું – વાહ, શિયાળભાઈ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.

પોતાની ભાવતી વાનગી જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.

બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.

બગલો કહે – તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે એક કૂંજો મૂકયો. બીજા કૂંજામાં બગલો પોતાની ચાંચ બોળી બાસુંદી ખાવા માંડયો.

શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું – બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં! આમ કહીને વીલા મોઢે એ જતું રહ્યું.

શિયાળને જતું જોઈ બગલો મનમાં ને મનમાં કહે – જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા!

ગુરુજી ની સંતવાણી : આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *