નિવૃત્તિ નિમિત્તે એક અતિ સુંદર કવિતા : વૃદ્ધત્વ છે ચોથું સ્ટેશન
નિવૃત્તિ નિમિત્તે એક અતિ સુંદર કવિતા : વૃદ્ધત્વ છે ચોથું સ્ટેશન
જીવન ના ત્રણ સ્ટોપ વટાવી ,પહોંચી ગાડી ચોથે સ્ટેશન,
અહિયાં સૌ એ ઉતરવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન,
૧ ‘ ) :- પહેલે સ્ટેશન મળ્યા રમકડાં, પારણું, બોટલ, ને ગોદડી જાડી,
કોઈ હસાવે , કોઈ રડાવે, ખભો પિતાનો, ને માં ની સાડી,
આવ્યું ભણતર, જબરા ટીચર, સો એકડા – ને ચાલણગાડી,
લંચ બોક્સ, ગણવેશ ને દફતર, રેલવે લાઈન આવે આડી ,
ધૂળિયા રસ્તા, લીલા ખેતર , મામા નો કૂવો, ને દાદા ની વાડી.
છેલ્લી બેન્ચે ધીંગા-મસ્તી, સાહેબ સોટી દે વળગાડી.
ચઢતાં ચઢતાં બોર્ડ માં પહોંચ્યા, ગાઈડ, ટેસ્ટ, ટ્યુશન નું ચક્કર ,
મેટ્રિક થવા, મેં-ટ્રીક વાપરી, જોઈ જોઈ ને લખ્યા પેપર,
કોલેજ માં તો કેવા જલસા, આંખે ગોગલ્સ, ઉંચા કોલર,
રોમેન્ટિક થવાના પ્રયત્ને, પડ્યા હાથ ના નકશા મોં પર,
ગ્રેજ્યુએટ નો સિક્કો લાગ્યો, પેરન્ટ્સ ને મુજમાં રસ જાગ્યો,
દોડવું તું ને ઢાળ મળી ગ્યો, ટુંક સમય માં હું પરણી ગ્યો.
૨ ) :—યૌવન કેરું આવ્યું સ્ટેશન, ઉપજ-ખર્ચ, દૂધ-શાક ને રેશન,
પહેલાં કીધા થોડા ફંદા, પણ એમાં ના ફાવ્યા બંદા,
પછી નોકરી ને સ્વીકારી, જીવન નૈયા ને હંકારી,
સંતાનો નું થયું આગમન, મહોરી ઉઠ્યું જીવન નું ઉપવન,
નાના નાના એના હાથો, હસતું મુખ, ચમકતી આખો,
ઘર આખું ચગડોળ ચઢાવે, ખુદ ઉંઘે બીજાને જગાવે ,
હવે જીવન માં સ્થિરતા આવી, સમજણ ને ગંભીરતા આવી,
થોડી શી માનવતા શીખ્યો, સંબંધો સાચવતા શીખ્યો,
ખોટા કામ થી ડરતા શીખ્યો, મદદ કોઈ ની કરતાં શીખ્યો,
માણસ સિદ્ધહસ્ત કહેવાયો, હું સદગૃહસ્થ કહેવાયો.
જીવન સાથી એ સાથ નિભાવ્યો, મિત્રો એ પડતો અટકાવ્યો,
પ્રભુ કરુણા એ રાહ બતાવ્યો, અંતે ત્રીજે સ્ટેશન આવ્યો.
……..
૩ ) :—આવ્યું હવે પ્રૌઢત્વ નું સ્ટેશન, મન ચંગુ, તન થાક્યું થોડું ,
સમજાવટ ની શક્તિ આવી, સમાધાન ની વૃત્તિ આવી,
સૌ ના હિત ની દ્રષ્ટિ આવી, ‘સ્વ’ ને સ્થાને સમષ્ટિ આવી,
અગમચેતી ના પગલાં લીધા,ભવિષ્ય માટે પ્રબંધો કીધા,
સ્વાસ્થ્ય નો વીમો, બેન્ક ની બચતો,ભાવિ ખર્ચ પણ ધ્યાન માં લીધા,
સંતાનો ના પત્યા પ્રસઁગો, માણી લીધા એય ઉમંગો,
પહેલાં તો ચિંતાઓ છોડી, પછી ઘટાડી દોડાદોડી,
મજધારે થી લીધી કિનારે, હળવે હલેસે જીવન હોડી.
પકડ્યું તે છોડ્યા નો અવસર, ગાંઠો ને ખોલ્યા નો અવસર,
ખુદ ને ઢંઢોળ્યા નો અવસર, મન-અમરત ઘોળ્યા નો અવસર,
જવાબદારીઓ પુરી કીધી, પ્રેમ તણી પ્યાલી પણ પીધી,
મુસીબતો માથે પણ લીધી, પણ ક્યાંયે અંચાઈ ન કીધી,
હવે આંખ પર ચશ્મા આવ્યા, દાંતો પણ દસ-બાર પડાવ્યા,
કાનો માંહે તમરા બોલે, હેર -ડાઇ થી કેશ સજાવ્યા,
દેખાયું વૃદ્ધત્વ નું સિગ્નલ, થઇ ગાડી એ છેલ્લે સ્ટેશન દાખલ.
૪ ) :–જીવન ના ત્રણ સ્ટોપ વટાવી પહોંચી ગાડી ચોથે સ્ટેશન,
અહિયાં સૌ એ ઉતારવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન,
આ ચોથા સ્ટેશન પર ભાઈ ,ઓછું લગેજ લઇ ને આવો,
મોહ-માયા ને મૂકી દઈ ને, કેવળ સદભાવો ને લાવો ,
સલાહ ની સંદૂકો મુકો, પ્રિય વચનો માં વાત પતાવો,
ના વખોડો આજ ની રસ્મો, ‘અમારા વખત’ ને ના બિરદાવો,
આગળ વધતી જાય છે દુનિયા, બને તો થોડા કદમ મિલાવો,
મોબાઈલ પણ થોડું શીખો , બેન્ક, સ્કૂલ છે , એજ બજાર છે,
ફોટો વિડિઓ જાતજાત ના, હસાવનારા પણ હજાર છે
થોડું એ પણ સમજો જાણો, આનંદો એમાં અપાર છે,
વિડિઓ કોલિંગ સંતાનો થી , વૉટ્સએપ છે તો શાની વાર છે.
વર્ષો સુધી કામ કર્યું છે, દેહ હવે આરામ ને માંગે,
હળવી કસરત કરતા રહેવી , શરીર જે સ્ફૂર્તિ માં રાખે,
વાંચન,મનન, સ્મરણ,લેખન થી મન ને પ્રવૃત્તિ માં રાખો,
યોગ ,પ્રાર્થના, ભજન-શ્રવણ થી આત્માનંદ ની મોજ ને ચાખો,
વસ્તુ, વ્યક્તિ, સંસ્થા પદવી, એ ઉપર ની પકડ ને છોડો,
કશું નહિ અટકે દુનિયા માં, મોહ ની બેડી જાતે તોડો,
સાથે કશું નહોતા લાવ્યા, સાથે લઇ જવાના કશું ના,
જે આપ્યું અહીંનાએ આપ્યું, એ પાછું લઇ લેશે અહીંના,
આમે જ્યાં જાવાનું છે ત્યાં, આ નાણાં નું કામ નથી કંઈ,
પ્રેમ, પુણ્ય, સદ્કાર્ય,સાધના, ભક્તિ વિના ત્યાં નામ નથી કંઈ,
હળવા થઇ પ્રભુ પાસે જાઓ, શરણો માં એ પ્રેમ થી લઇ લે,
કહેજો પ્રભુ ને અહીજ રહેવું , ફરી ન મોકલ સ્ટેશન પહેલે.
નોંધ : વૃદ્ધત્વ ચોથું સ્ટેશન .આ પદ્યના સર્જકના નામની જાણ નથી …પણ બહુ જ અર્થસભર શબ્દો હોવાથી મને ગમ્યું એટલેશેર કરું છું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Also read : શું તમારે જાણવું છે કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે?