કર્મની હસ્ત-રેખા
બધાના એક જ છે સર્જક, પણ સંપ્રદાયથી અલગ ફંટાય છે,
વસે છે તે તો અંદર, પણ જીવ બહાર ભટકવા જાય છે.
નથી ઓળખી શક્યો માનવી ખુદ ને કે હું કોણ છું,
નવાઈની વાત તો જુઓ, તે બીજાની ઓળખ કરાવતો જાય છે.
કણ કણની કિંમત જાણે તે સાચો ધનવાન ગણાય છે,
ક્ષણ ક્ષણ ની કિંમત સમજે તે સાચો મુમુક્ષ કહેવાય છે.
કેટલાય ગરણે ગળાય છે માનવી માનવ બનવા કાજે,
ચંદનની જેમ ઘસી નાખે જાત ને, ત્યારે સૌના હોઠે નામ પામે છે.
કર્મનું ગાણું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે ને પગલે પસ્તાવું શું?
કરેલા કર્મનો હિસાબ હસતા હસતા કરવાનો છે.
આમ તો ખૂબ પરિચિત છું હું દર્પણના આવરણ નીચે,
જો જોઉં છું પ્રતિબિંબ મારું તો ઝાંઝવાના નીર જેવું છે.
ઉકેલી ક્યાં શકાય છે, કર્મની હસ્ત-રેખા ને,
તો પણ ઘણા જીંદગીભર હસ્ત રેખા જોતા હોય છે.
દિવસ ને રાત ખળભળતો હોય છે દરિયો તમન્ના નો હથેળીમાં ,
આખરે મોજાની જેમ તૃષ્ણા, મનના કિનારે અથડાતી હોય છે.
હું રોજ ઠપકો આપું છું, ને રોજ દિલાસો આપું છું આતમને,
હતું ક્યાં કર્મની હસ્ત-રેખા માં કે હું પાલખી પામું.
ત્યાગ ને વૈરાગીએ જેને ધરા અને ગગન ને સર્વસ્વ માન્યું છે,
મળે છે તેઓને રુદ અવસર, જે જગતથી અલિપ્ત હોય છે.
બધાના એક જ છે સર્જક, પણ સંપ્રદાયથી અલગ ફંટાય છે,
વસે છે તે તો અંદર, પણ જીવ બહાર ભટકવા જાય છે.
Ek number