જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય

દીકરીને માની શિખામણ

જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય

ગુજજુમિત્રો, હું માનું છું કે દીકરી વ્હાલનો દરિયો હોય છે અને દરેક માંબાપ ના કાળજાનો કટકો હોય છે. પણ જ્યારે આ દીકરી કોઈની વહુ બનીને સાસરિયાં માં રહે ત્યારે ઘણીવાર તેને નવા વાતાવરણ માં કેવી રીતે રહેવું તેની સમજ નથી હોતી. આપણે ત્યાં સાસુ નો વાંક તો બધાં જ કાઢે, પણ આજે સમજીએ કે તાળી એક હાથે નથી વાગતી. સાસુ વહુ ના ખટરાગ માં વહુ નો પણ વાંક જોવો જરૂરી છે.

આ વાત ને ખૂબ જ ધ્યાનથી સમજજો મિત્રો. હું જે કહી રહી છું એ આજની સામાજિક પરિસ્થિતિ માં જોવા મળતા છુટાછેડાના અનુસંધાનમાં વિચારવા લાયક બાબત છે. છૂટાછેડા થવા અથવા સાસુ સસરા થી છૂટું પડવું બહુ સામાન્ય વાત થતી જાય છે. અને હા, હું માનું છું કે આમાં બંને પક્ષ બરાબર ની ભૂમિકા ભજવે છે. આજે આ લેખમાં હું એ વહુઓ ની વાત કરવા માગું છું જે સાસરિયામાં પોતાની જવાબદારી થી ભાગે છે. મને વિશ્વાસ છે કે જો દીકરીને માની સાચી શિખામણ મળશે તો ક્યારેય દીકરી સાસરિયામાં દુખી નહીં થાય.

મારી વાત ને સમજવા માટે નીચે આપેલો કિસ્સો વાંચી જુઓ.

પતિ પત્ની ની રકઝક

પરણિત યુવતી , તેના પતિને : ” સાંભળો , હવે મને અહી સાસરિયામાં નથી ફાવતું,”

યુવક : ” કેમ શું થયું? “

યુવતી : “જો મને રસોઈ કરતા નથી આવડતી અને રોજ રોજ કિચનમાં જવાનો કંટાળો આવે છે , લગ્ન પહેલા જ મેં કીધું હતું , મને ચા પણ બનાવતા નથી આવડતી. “

યુવક : ” વાત તો તારી ઠીક છે પણ મીટીંગમાં તે કીધું હતું કે હું શીખી લઈશ. આ એક જ કારણ છે તને અહી ન ફાવવાનું !!! મારી મમ્મી પણ તને શીખવાડવાનો પૂરો પ્રયાસ કરે છે. મમ્મી રોજ સવારે આપણા બન્ને ના ટીફીન રેડી કરે છે અને આપણે ઓફીસ જતા રહીએ છીએ. સાંજે આવતા આપણને રસોઈ રેડી મળે છે. તારે તો મમ્મીને ફક્ત મદદ જ કરવાની હોય છે તે પણ તને નથી ફાવતું ? “

યુવતી: ” પણ મારાથી સવારે વહેલા ઉઠાતું જ નથી . “

યુવક : ” હું તો રોજ જોઉં છુ રાતના બાર વાગ્યા પછી પણ તું ઓનલાઈન હોય છે. ફેસબુક કે વોટ્સએપ કરવા કરતાં , થોડી વહેલી સુઈ જા , તો સવારે ઉઠવામાં તકલીફ નહી પડે.”

યુવતી , થોડી વાર ચુપ થઈ ગઈ અને અચાનક ઉભી થઈ , ” હું જાઉં છુ મારી મમ્મીના ઘરે મને અહી નહી ફાવે. આપણે અલગ થઈ જઈએ. “

સંબંધ ના સમીકરણ

પતિ એ શોધી કાઢી યુક્તિ

યુવક વિચારમાં પડી ગયો. થોડીવારમાં બોલ્યો , ” મારી પાસે તારી સમસ્યાનો ઈલાજ છે. જો રસોઈ બનાવવી કે ઘરના કામકાજમાં મદદ કરવી એ આપણા છુટાછેડાનું કારણ હોય તો મારી પાસે એનો ઉપાય છે. “

યુવતી : ” શું ઉપાય છે ? “

યુવક : ” તું બેગ પેક કર અને હું પણ બેગ પેક કરું છુ, હું તારી સાથે તારી મમ્મીના ઘરે એટલે મારી સાસરી પક્ષમાં રહેવા આવું છુ. પછી તો તને કોઈ વાંધો નહી આવે ,ફાવતું નથી એવું પણ નહી બને , કારણકે તું ત્યાં જ નાની મોટી થઈ છે એટલે કોઈ સમસ્યા નહી થાય. રસોઈ કે ઘરના કામકાજ પણ નહી કરવા પડે… તારી મમ્મી જ તને ટીફીન બનાવી આપશે. તો ચાલ આપણે સાથે જઈએ. “

યુવતી રાજીની રેડ થઈ ગઇ …

પત્ની ના પિયરમાં શું થયું?

પોતાની દીકરી સાથે જમાઈને જોતા મમ્મીને હાશકારો અનુભવાયો. ‘ સારું થયું રોજ રોજ મારી દીકરી ને સાસરી પક્ષમાં ફાવતું ન હતું , અહીં પાછી આવી ગઈ તે જ સારું થયું. ‘

હવે રોજ દીકરીની મમ્મી સવારે વહેલી ઉઠે છે અને પોતાની દીકરી-જમાઈ માટે ટીફીન બનાવે,ઘરના કામકાજ પતાવે. પાછા દીકરી જમાઈ સાંજે આવે તો રસોઈ રેડી રાખે. દીકરી-જમાઈ રોજ મોડા ઉઠે અને સીધા પોતાની જોબ માટે રેડી થઈ જતા રહે.

થોડા સમય બાદ

થોડો સમય વીતી ગયો હવે દીકરીની મમ્મીની અકળામણ શરુ થઈ….. આ તો રોજનું થયું , હવે મારી પણ ઉમર થઈ કેટલા વર્ષ સુધી મારે જ બધાના સમય સાચવવાના, ટીફીન બનાવવાના ?

દીકરી સાંજે ઘરે આવી મમ્મી એ કીધું , ” જો હવેથી મારાથી વહેલા નહી ઉઠાય. તારી સાસુ અને સાસરી પક્ષવાળા સાચા છે. જે બાબતની અગવડ મને થાય છે , સ્વાભાવિક છે તારી સાસુને પણ થાય. વહેલી તકે તું તારા સાસરે જા હવે મને તું અહી રહે તે નહી ફાવે,તારે રસોઈ અને ઘરના કામકાજમાં પાવરધા થવું પડશે. હું તને આ કારણસર અહી નહી રાખું. “

Mother daughter

પત્ની ને હવે સમજાયું

યુવતી અવાક થઈ ગઈ.

અને સમજી પણ ગઈ , કે તેને શું કરવાનું છે કે શું કરવું જોઈએ.

દીકરીને લાડ લડાવો અને શિખામણ પણ આપો

હવે એક બાબત ખાસ નોંધવા જેવી છે. ખાસ કરીને યુવતીના વડીલોએ , ( મુખ્યત્વે માતાએ ) , કે આપણે આપણી દીકરીને ભણાવી તેને પગભર કરી સારી બાબત છે. પણ તેને ઘરના બેઝિક કામકાજ અને બેઝિક સામાન્ય રસોઈ બનાવતા શીખવાડવું જોઈએ , જેથી આગળ જતા તેને પોતાને અને અન્ય કોઈને તકલીફ ન થાય. આપણી દીકરીને રસોઈ નથી આવડતી , એ છુટાછેડાનું કારણ કદાપી ન હોવું જોઈએ. દીકરીને માની સાચી શિખામણ મળવી જરૂરી છે. હા , તમારી દીકરી ખરેખર તકલીફમાં હોય તો તેને અવશ્ય સાથ આપો … પણ ખોટી રીતે તેનો પક્ષ ન લો.

padma

દીકરી ને વેકેશન માં ઘરના નાના-મોટા કામ શીખવાડો

દીકરીને શિખામણ આપો કે રસોઈ ન આવડે એ ગૌરવ લેવા જેવી બાબત નથી પણ માની લે કે શરમજનક બાબત છે. ઘણીવાર એવું કારણ અપાય છે કે દીકરીનો મુખ્ય સમય ભણવામાં ગયો છે. તો એક વાત ખાસ જણાવું કે દસમા ધોરણ બાદ માર્ચ મહિના થી જુલાઈ સુધી વેકેશન હોય છે. તેમજ કોલેજમાં પણ રજા અને વેકેશન મળતા હોય છે.. તેવા સમયે જો દીકરીની માતા દીકરીને રસોઈના કે ઘરના કામકાજ શીખવાડે તો અવશ્ય એ શક્ય છે. આપની દીકરીને ૧૫ વર્ષથી ૨૩ વર્ષ સુધીમાં દરેક કાર્યમાં પારંગત બનાવી શકાશે અને દીકરીને પોતાની માતાનો ઠપકો ખરાબ નહી લાગે પણ સાસુનો ઠપકો કે શીખ અવશ્ય ખરાબ લાગશે. તેથી દીકરીને માની શિખામણ યોગ્ય સમયે મળવી ખૂબ જરૂરી છે.

દીકરીને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપો

જો આપને મારા વિચારો યોગ્ય લાગે તો આપની દીકરીને અવશ્ય યોગ્ય ઘડતર આપો, વહેલા ઉઠવાની ટેવ પાડો જેથી તેના જીવનમાં રસોઈ એ છુટાછેડાનું કારણ ન બને.

Also read : બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે : એક સત્યઘટના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *