ગુજરાતી મીઠાઈ ની રાણી : ગોળપાપડી એટલે કે સુખડી
ગુજરાતી મીઠાઈ ની રાણી : ગોળપાપડી એટલે કે સુખડી
ગોળપાપડી એટલે એક પવિત્ર મીઠાઈ. ‘કૂછ મીઠા હો જાય’ નાં લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લ્યો એટલે તમે પુણ્યશાળી ! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારનાં ભાતાંનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી ગોળપાપડી મોકલશે. સક્કરપારા અને ગોળપાપડીનાં ભરેલા ડબ્બાઓ અમદાવાદ-ન્યૂ જર્સી બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ ખૂલે છે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલ ની સફર પણ કરે. ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ !
એક દંતકથા
ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત ! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવવશે ? ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે, ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે. ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’. પૃથ્વીનાં પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને સંતોષથી માણતાં જોઇને નારદમુનિએ ગોળપાપડીને ‘સુખડી’ નું હૂલામણું નામ આપ્યું !
ઓછી સામગ્રી માં સ્વાદિષ્ટ સુખડી
સાહેબ, દુનિયાનાં કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો, સવાલ જ નથી ! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયન્ટસ્ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાનાં ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળ ની જુગલબંધી ઓર જામે.
સુખડી ની સુગંધ
આહા ! એ ‘લોહ્યાં’ માં ઘસતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ હોંશની કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ બહાર વરસાદનાં ફોરાં પાડતાં હોય ત્યારે લસોટાતી સુખડીની જેમણે સુગંધ છાતીમાં ભરી છે એનું જીવતર એળે ન જાય. કોઈવાર ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડી ની એક ચમચી મોઢામાં મૂકજો, થનગની ઉઠશો !
ગોળપાપડી નું બટકું
બાળપણમાં અમે પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતી પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ ! આહા, એ ચોસલું, એ બટકું ! બારમાસી ગોળપાપડીને નથી નડતાં કોઈ દેશ-કાળનાં બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતનાં રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા’ નાં ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે.
દરેક ની ગોળપાપડી નો સ્વાદ અનોખો
એક વાત તો કબૂલ કરાવી પડે, કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગળી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે, જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીનાં સ્વાદ અને બનાવટમાં ફેર હોય એ નક્કી.
લોટ, ગોળ અને ઘી – બની ગઈ સુખડી
૭૬૬બીસી ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી ગુજરાતી મીઠાઈ ની મહારાણી ગોળપાપડી એટલે કે સુખડી નાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમર-ઝરમર વરસાદ આવે, ત્યારે દરેક ઘરમાં એક નાની થાળીમાં ગોળપાપડી ઠારી શકાય એટલો લોટ, ગોળ અને ઘી હોય !
Also read : ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત : શ્રાવણ મહિના સ્પેશલ