તારી યાદના કિસ્સાઓ લખ મને..
બહુ દિવસો પછી મને એક આવું કાવ્ય વાંચવા મળ્યું જેમાં પ્રેમની સુગંધ છે, વિરહની પીડા છે અને મીઠી યાદ છે. મને આશા છે કે તમને પણ આ કાવ્ય વાંચીને તમારી “મીઠી” યાદ તાજી કરવી ગમશે. જો ગમે, તો તમારા એ સ્નેહીજન ને આ લીંક મોકલવાનું ભૂલતા નહીં. અને હવે શ્રી દિલીપભાઈ પરીખની આ કવિતા નો આનંદ લો.
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !