અમદાવાદ ની ચંદ્રવિલાસ હોટેલ
ગુજજુમિત્રો, આજે હું તમને અમદાવાદ ની ચંદ્રવિલાસ હોટેલ અને તેની વિશેષતાઓ વિષે જણાવવા માગું છું. ચંદ્રવિલાસ હોટેલ ની સકસેસ સ્ટોરી બહુ જ પ્રેરણાદાયી છે અને આપણાં ગુજરાતની ગરિમા સમાન છે. આવો, સાથે વાંચીએ!
મિલ કલ્ચર અને રિચી રોડ
1861માં શાહપુર વિસ્તારમાં રણછોડલાલ છોટાલાલે અમદાવાદની સર્વપ્રથમ કાપડની મિલ શરૂ કરી.ત્યારબાદ તો અનેક મિલો સ્થપાઈ અને અમદાવાદ વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું.મિલ ઉદ્યોગની સાથે સાથે અનેક ઉદ્યોગો તેમજ વેપાર રોજગાર વિકસ્યા.મિલોની બહાર પાન-બીડીના ગલ્લા,ચાની લારી,ભજીયા-નાસ્તાની લારી કે કટલરીનો સામાન મળવા લાગ્યો.રિસેસ કે છુટવાના સમયે લારીઓનું બજાર ભરાતું અને પગારના દિવસે તો ખાસ.આ રીતે ‘મિલ કલ્ચર’નો વિકાસ થયો.વળી પાનકોરનાકાથી રેલવે સ્ટેશનને જોડતો આજનો ગાંધી રોડ એ સમયે ‘રિચી રોડ’ કહેવાતો હતો.તેનો વિકાસ થયો.રિચી રોડની નજીક માણેક ચોક અમદાવાદનું મુખ્ય બજાર અને શેર બજાર હતું.
ચંદ્રવિલાસ હોટેલનાં પગરણ
આવા સમયે ચંદ્રવિલાસ હોટેલનાં પગરણ મંડાયા. તે સ્વ.ચીમનલાલ જોશીએ જે હોટલ ચાલુ કરી એનું નામ એમણે એમના દાદાના નામ ચંદ્રભાણ પરથી રાખ્યું. ચંદ્રવિલાસ હોટેલ! નદી પારનું અમદાવાદ તો એ સમયે માત્ર જંગલ હતું,ત્યારે ગાંધી રોડ અને રીલીફ રોડ રાજમાર્ગ ગણાતા હતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.ત્યારે પહેલાં અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી.ચંદ્રવિલાસના મૂળ સ્થાપક ચીમનલાલ જોશીના પૌત્ર મૌલિક જોશીના જણાવ્યાનુસાર દાદાએ ચંદ્રવિલાસ શરૂ કરવા માટે ઘરેણાં ગીરવે મૂક્યા હતા.
ચંદ્રવિલાસની ચા
બે પટેલો તેમના ભાગીદાર હતા. ચંદ્રવિલાસની ચા એટલી વખણાઈ કે તે પીવા માટે મોટા મિલનાં શેઠિયાઓ આવતા હતા. મણના હિસાબે દુધ આવતું હતું.એક સમયે ચંદ્રવિલાસની ચાની એટલી બધી માંગ વધી ગઈ કે ચિમનલાલે પાણી ઉકાળવા માટે પિત્તળનું ખાસ બોઈલર બનાવડાવવું પડ્યું હતું.એટલું બધુ દુધ આવતું હતું કે તેની ખુબ જ મલાઈ ઉતરતી. હવે ગ્રાહકો માટેની નવી વાનગી “મલાઈ જલેબી” શરૂ થઈ.આ જ કારણથી ચંદ્રવિલાસ હોટલમાંથી ફાફડા જોડે જલેબીનું જબરદસ્ત DEADLY COMBINATION આ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું!.
૨૫ પ્રકાર ની ચા
એક સમયે આ રેસ્ટોરાંમાં 25 જેટલી જુદાજુદા સ્વાદની ચા મળતી હતી.અને તે પીવા માટે લોકો દુર-દુરથી આવતા હતા.એક નાનકડી ચાની રેંકડીમાંથી શરૂ થયેલું અમદાવાદનું સર્વપ્રથમ રેસ્ટોરાંની લગભગ 120 વર્ષની સફર રોમાંચક માણે છે. બાદશાહી, ડબલ કડક, લિપ્ટન, બોર્નવિટા, ડબલપાણી વગેરે જાતજાતની ચા બનતી.
ગુજરાતી થાળી
ચંદ્રવિલાસનું મસાલાવાળું દુધ વખણાતું હતું.ચા-નાસ્તાની સાથે સાથે આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવતો.રેસ્ટોરાં જામી ગયા બાદ ગુજરાતી થાળીની શરૂઆત થઈ.હવે તો આ જ માર્ગ પર અન્ય રેસ્ટોરાં શરૂ થઈ ચુક્યા હતા.જેમની સ્પર્ધા ચંદ્રવિલાસ સાથે શરૂ થઈ.હરીફોએ એક સંપ થઈને પોતાની થાળીના ભાવ ઘટાડ્યા.જેની અસર ચંદ્રવિલાસ પર ચોક્કસ થઈ.વિરોધીઓનો ધંધો વધ્યો પણ તેમને ગુણવત્તા સાથે છૂટછાટ લેવાની શરૂ કરી.જ્યારે અડગ ચિમનલાલે કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર ગુણવત્તા જાળવી રાખતા ગ્રાહકો થોડાક જ દિવસોમાં પાછા ફર્યા.
ગુજરાતી થાળી ની વાનગીઓ
ત્રણ-ત્રણ પ્રકારની ચટણી-સલાડ, બે-ત્રણ ફરસાણ, બે-ત્રણ મીઠાઈ, ત્રણ-ચાર શાક, પાપડ, દાળ-ભાત, રોટલી, ભાખરી, થેપલા, રોટલો, છાશ, ગણ્યાં ગણાય નહીં, અને ખાધાં ખવાય નહીં એટલાં વ્યંજનો!! તમતમારે ખાઓ દબાવીને! વ્યંજનોની સંખ્યા 20થી વધુ અને 30ની અંદર. વ્યક્તિ જમવા માટે સ્થાન ગ્રહણ કરે એટલે વેઈટરોનું ધાડું આક્રમણ કરે. એક પછી એક આવે અને નિયત સ્થાને વ્યંજન મૂકીને અદૃશ્ય થઈ જાય.
ફાફડા ની ચટણી
ચંદ્રવિલાસના ફાફડાની ચટણી એટલી લોકપ્રિય થઈ કે ગ્રાહકો વાટકી ઉપર વાટકી ચટણી માંગતા.”ગ્રાહક સંતોષ” ચિમનલાલનો મંત્ર હોવાથી તેઓ ગ્રાહક માંગે તેટલી ચટણી આપતાં.પછીથી તો ચંદ્રવિલાસની જાહેરાત અમદાવાદના જુદા-જુદા અખબારોમાં પ્રસિદ્ધ થવા લાગી.આ ચિમનલાલ જોષીનો સ્વર્ગવાસ થયે પાંચેક દાયકા થયા પણ તેમણે સ્થાપેલ ‘ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ’ ફાફડા-જલેબીનું કોમ્બિનેશન તેમની સ્મૃતિરૂપે કાયમ છે.અને ઈતિહાસમાં એમના નામે જ અમર રહેશે જ !!
ફાફડા જલેબી નું કલ્ચર
દશેરા એટલે અમદાવાદ જ નહિ પણ આખું ગુજરાત ફાફડા-જલેબીમય થઈ જાય છે.સવાલ એ પેદા થાય છે કે દશેરાના દવિસે ફાફડા જલેબીનું ચલણ કેમ શરૂ થયું?ત્યારે તમારે આ ઈતિહાસના પાના તપાસવા માટે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટને યાદ કરવી જ પડે…!હવે થોડું આગળ અને અન્ય રોચક પ્રસંગો ચંદ્રવિલાસની દાળ અંગેના.
ચંદ્રવિલાસ ની દાળ
અમદાવાદમાં દાલફ્રાયને બદલે દાળનું કલ્ચર હતું અસલમાં ત્યારની આ વાત છે.દાળ વાટકી વડે કે ચમચી વડે પીવાની નહીં,પણ આંગળા વડે ખાવાની વાનગી ગણાતી.જેની દાળ બગડી જેનો દિવસ બગડ્યો એવું માનતા લોકો દિવસ ન બગડે તે માટે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર દાળ લેવા ભીડ કરતાં હતાં.બાકીનું ભોજન ઘરે બનાવ્યું હોય પણ દાળ લેવા માટે ચંદ્રવિલાસ પર બહાર તપેલી-ડોલચાધારીઓની લાઈનના દશ્યો ઘણા અમદાવાદીઓ આજે પણ યાદ કરે છે.
ચંદ્રવિલાસની ખ્યાતિની સુગંધ
આંગળા ચાટી જવાય એવી દાળ ઉકળતા સમય લાગે તેમ ચંદ્રવિલાસનો ધંધો જામતા પણ સમય નીકળી ગયો.ચીમનલાલના બીજા ભાગીદારો છૂટા થઈ ગયા.પટેલો છૂટા પડવાની સાથે કોઈ અગમ્ય કારણસર ચંદ્રવિલાસની ખ્યાતિની સુગંધ પ્રસરવા લાગી,પાટિયા પર વાનગીઓનું લિસ્ટ પણ લાગવા લાગ્યું.ફક્ત ચા-નાસ્તાથી શરૂઆત કરનાર ચંદ્રવિલાસના દાળ અને ફાફડા-જલેબી ખાસ વખણાવા લાગ્યા.ભાગીદારોને છૂટા પડી જવાને બદલે અફસોસ થાય એટલી હદે ચંદ્રવિલાસ પ્રસિદ્ધ થઈ ત્યારે ૬૨ જેટલી વાનગીઓ ત્યાં પિરસાતી હતી..!
મસાલા દૂધ
ચારોળી અને પિસ્તાવાળું દૂધ પીવા માટે ચંદ્રવિલાસ સુધી લાંબા થનારા શોખીનોની પણ ખોટ નહોતી.સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાં સમાજના તમામ વર્ગના લોકો મુલાકાત લેતા હતા.મિલ ઉદ્યોગના સુવર્ણયુગમાં મિલ માલિકો-શેઠીયાઓ ઠાઠથી ઘોડાગાડીને ચંદ્રવિલાસની બહાર ઊભી રાખીને ફાફડા જલેબી ઝાપટવા આવતાં.સરદાર પટેલ,#ગાંધીજી(અસ્વાદ વ્રત તડકે મૂક્યું હશે,મહાત્માજીએ?!) અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓ પણ નાની ચા-નાસ્તા મિટિંગ અને ગુજરાતી થાળીનો આસ્વાદ માણવા માટે અવશ્ય આવતા.
અમદાવાદમાં પહેલી ટ્યુબલાઈટ ચંદ્રવિલાસમાં
અન્ય એક કિસ્સો પ્રથમ ટ્યુબલાઈટ વિષે અત્યંત રોચક અને જાણવા જેવો ખરો !!ચીમનલાલ જોશીએ અમદાવાદમાં પહેલી ટ્યુબલાઈટ ચંદ્રવિલાસમાં ફીટ કરાવી હતી.ત્યારે આખા અમદાવાદમાં તે અંગે ચર્ચા થઈ કે આ ‘#ધોકાબત્તી’ કે ‘અજવાળું કરતું લાકડી’ વળી કઈ બલા છે.લોકો આ ટ્યુબલાઈટને જોવા કૌતુકતાથી આવતા હતા.
છૂટા પૈસા ગણવાને બદલે ત્રાજવાથી તોલતાં
વકરો એટલો આવતો કે છૂટા પૈસા ગણવાને બદલે ત્રાજવાથી તોલવામાં આવતાં.મૌલિક જોશીના જણાવ્યાનુસાર ગ્રાહકને જોઈતી વાનગી માટે ભૂંગળા ટેલિફોન હતો અને પાઈપ કોમ્યુનિકેશનથી જે તે ટેબલ પર વાનગી પીરસાતી હતી.આ બધી વસ્તુની દેખરેખ એવી કાચની પદ્ધતિથી ગોઠવણ હતી કે દરેક ટેબલનું લોકેશન થાન પર બેઠેલ શેઠ જોઈ શકે.વર્ષો પહેલાં ૩૬ કર્મચારીઓથી આજે ૩૬૦ જેટલાં કર્મચારીઓ છે.આજે પણ લોકો ફાફડા-જલેબી ખાવા આવે જ છે.શહેરની ગીચતા અને ગાંધીરોડ એક માર્ગીય રોડ થઈ જતાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થતાં બહાર દેખાતી લાઈનો બંધ થઈ ગઈ પણ અંદર ગીર્દી બરકરાર રહી છે.
આજે પણ ખૂબ પ્રખ્યાત છે
બે માળની ચંદ્રવિલાસ પ્રથમ દષ્ટિએ રામ ભરોસે હિન્દુ હોટલ જેવી લાગે પણ અંદર ગયા પછી તેની વિશાળતાનો અંદાજ આવે છે.હોટલમાંના જૂના ખુરશી ટેબલની શૈલી આજે પણ એવાને એવા જ ઝળવાઈ રહ્યાં છે.અમદાવાદ આખામાં ફાસ્ટ ફુડમાં પાઉંભાજી અને પીઝાના જમાનામાં પણ ચંદ્રવિલાસનાં ફાફડા જલેબીની લોકપ્રિયતામાં કોઈ આંચ આવી નથી. દશેરા અને દિવાળીના દિવસે ફક્ત ફાફડા-જલેબી જ વેચાય છે. જ્યારે ઉત્તરાયણમાં ઊંધિયું. 120 વર્ષના આરે પહોંચેલી ચંદ્રવિલાસની તંદુરસ્તીનું આજ રહસ્ય છે.
ફાફડા-ગાંઠિયા
સૌરાષ્ટ્રના ફાફડા-ગાંઠિયા સારા કે અમદાવાદના એ મુદ્દે સૌરાષ્ટ્ર વાસીઓ અને અમદાવાદીઓ ખૂબ ચર્ચા ચાલે છે. વેપારીઓએ એક જ સૂરે કહ્યું હતું કે ‘અમદાવાદ અને સૌરાષ્ટ્રના ફાફડા અલગ છે.બંન્નેનો ટેસ્ટ અને ખાવાની પદ્ધતિ અલગ છે.ચંદ્રવિલાસ હોટલના માલિક શ્રી જોશી કહે છે.‘સૌરાષ્ટ્રના ફાફડા પાતળા અને અમદાવાદના જાડા અને મજબૂત હોવાનુ કારણ એ છે કે અમદાવાદમાં ફાફડા કઢી સાથે ખાવાના હોય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કઢીનું ચલણ નથી.પાતળા ફાફડા કઢીમાં બોળવાથી તૂટીને કઢીમાં ડુબી જવાનો ભય રહેતો હોવાથી અમદાવાદમાં જાડા અને પ્રમાણમાં મજબૂત ભૂંગળી ફાફડા બને છે.જેથી તેમાં કઢી ભરાઈ શકે.’વાત આગળ વધારતા તેઓ કહે છે:‘ફાફડામાં અમે સતત ત્રણ દિવસ શેકીને પાપડિયો ખારો(ખાવાનો સોડા) નાખતા હોઈએ છીએ.’
ફાફડાનું રહસ્ય
ઓસ્વાલના હિરાભાઈ કહે છે, ‘ફાફડામાં અમે ચાર દિવસ શેકીને પાપડિયો ખારો નાખીએ છીએ જ્યારે સૌરાષ્ટ્રમાં ખારો સીધો જ નાખવામાં આવે છે.સોડા શેકવાથી તેનો કાર્બન ઊડી જાય છે અને ફાફડાની ભૂંગળી વળવામાં મદદરૂપ થાય છે’જયારે સૌરાષ્ટ્રના રૂષભભાઈ કહે છે: ‘સૌરાષ્ટ્રના ફાફડામાં ખારાનું પ્રમાણ અમદાવાદી ફાફડા કરતા અડધું હોય છે અને મોણ વધારે પ્રમાણમાં નંખાય છે.અને તેને ખુબ જ મસળવામા આવે છે.જેના કારણે ફાફડા પાતળા બને છે.’
મસાલા ઢોંસા
હવે વાત કરીયે એવા જ એક સ્થાપક સ્વ.શાંતિલાલ પટેલની !! તેઓ વિખ્યાત #ચેતનાહોટલ ના માલિક.રિલીફ રોડ પર આવેલી ચેતના હોટલનો આમ તો મસાલા-ઢોંસો ખૂબ વખણાતો.લોકો સજી-ધજીને આ જ હોટલમાં ખાવા જતા.આ શાંતિભાઈ પટેલે પણ ભાણુંને આધુનિક વાઘા પહેરાવીને ત્રણ પ્રકારની ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો.ત્રણેય ભાવ જુદો-જુદો અને તેમાં મળતી વાનગીઓ ઓછી-વત્તી.શાક-દાળ-ભાત-રોટલીનો વ્યાપ વધ્યો અને થાળી વ્યંજનોથી ભરાઈ ગઈ.સ્વ.ચીમનલાલ જોશીએ પણ ઈ.સ.1900માં સ્થપાયેલ “
૧ રૂપિયાની ગુજરાતી થાળી
ચંદ્રવિલાસ”માં ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો.એ સમયે તેનો ભાવ રાખ્યો હતો 1 રૂપિયો/થાળી !દોડવું’તું ને ઢાળ મળ્યો એમ ગુજરાતીઓને તો ખાવું હતું અને થાળી મળી! એ જમાનામાં ગુજરાતી થાળી એટલી લોકપ્રિય થઈ હતી કે રાત્રે દસ વાગ્યા સુધી લાઈન રહેતી.ક્યારેક તો ‘#ચેતના’ના સંચાલકો લાઈનમાં ઊભા રહેલા લોકોને હાથ જોડીને કહેતા કે આજે અમે તમને જમાડી શકીએ તેમ નથી,કાલે આવજો.
ગુજરાતીઓ નો ભોજન પ્રેમ
જમવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેતા ગુજરાતીઓનો જમવાનો પ્રેમ કેટલો તીવ્ર હશે તે આના પરથી સમજી શકાશે.એકને યાદ કરીએ અને બીજાને ભૂલી જઈએ તો તેને ખોટું લાગે.અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસ લોજનો પણ ત્યારે સુર્વણકાળ હતો.આમ જોઈએ તો ચંદ્રવિલાસ એ અમદાવાદની પ્રથમ રેસ્ટોરાં કહેવાય છે!ચંદ્રવિલાસની દાળ (તુવેરદાળ) ખૂબ વખણાતી.
ચંદ્રવિલાસની દાળ
ચંદ્રવિલાસની દાળ લોકો હોંશે હોંશે પીતા.અમદાવાદની પોળોમાં રહેતા લોકો ઘરે બીજી બધી વાનગીઓ બનાવે,દાળ સિવાય.ડોલચું લઈને ચંદ્રવિલાસની દાળ ખરીદવા આવતા.તેનીય લાઈન લાગતી.માત્ર તુવેરદાળ આ રીતે બનેલી તૈયાર વેચાતી હોય તેવી એ પહેલી ઘટના હતી. ઘણાને તો ચંદ્રવિલાસની આ દાળનો એવો જબરજસ્ત ચટાકો લાગતો કે ગુજરાતના પોતાના ગામ કે નગરથી ખાસ ચંદ્રવિલાસમાં જમવા આવતા.’રતનપોળ’માં કપડાંની ખરીદી કરવી એ પહેલું કામ અને પછી ચંદ્રવિલાસમાં જમવું એ બીજું કામ.
ક્રેડીટ : માહિતી સંકલન,સંશોધન અને રજૂઆત:ડો.કાર્તિક શાહ.લીલાધરાનંદે વિસ્તારભયે ઘણું ટૂંકાવીને રજૂ કર્યું છે હોં.
ચંદ્રવિલાસ હોટેલનો બોલતો ઈતિહાસ જુઓ : https://youtu.be/-oCO9Jgj6tw