રુદ્રી શું છે? શિવ આરાધના શા માટે કરવી જોઈએ?
રુદ્રી શું છે, શિવ આરાધના શા માટે કરવી જોઈએ? રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
રુદ્રી વિશે કહેવાય છે કે “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર”
એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી.
વેદોમાં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર – ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.
રૂદ્રની આ સ્તુતી, રુદ્રી માં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્ર ની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે.
સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:
- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ ની સ્તુતી છે.
- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે.
- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્ર ની સ્તુતી છે.
- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે. અને,
- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે. આમ આઠ અધ્યાય માં તમામ દેવતા ની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવો માં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગ માં સર્વ દેવો નો સમાવેશ થઈ જતો હોય, શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે – આઠ અધ્યાય બોલી શકાય છે.
પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય.
મુખ્ય વસ્તુ રુદ્ર ના પાંચમા અધ્યાય નો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે.
શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ -અવરોહ અને શુધ્ધ ઉચ્ચારણથી બોલવા માં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.
પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિ ને નમક – ચમક કહે છે.
હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે .
- લઘુરુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને
- મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરુદ્ર કહે છે.
- રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
- રુદ્ર ના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
- રુદ્ર ના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
- રુદ્ર ના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
- રુદ્ર ના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
- રુદ્ર ના ૯૯ પાઠથી પુત્ર , પૌત્ર , ધન , ધાન્ય , ધર્મ , અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.
રુદ્રાભિષેક એ શિવ આરાધના ની સર્વ શ્રેષ્ઠ રીત છે ,કેમકે વૈદિક મંત્રો ના શ્રવણ અને મંદિર ની ઊર્જા થી સાધક તન્મય થઈ જતો હોય સાધક માં શિવ તત્વ નો ઉદય થાય છે.
આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત ના યુધ્ધ વખતે અર્જુન ને બતાવેલ ૧૧ મંત્રો ના સમૂહ ને “પુરાણોકત રુદ્રાભિષેક “કહે છે .આ પાઠ ૧૧ વખત કરવા થી એક રુદ્રી નું ફળ મલે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકો માં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રો ની રુદ્રી ની મજા જ અનેરી છે.
સમય અભાવે કે અન્ય કારણો સર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાય ના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમા આધ્યાત્મિક રીતે વ્યક્તિ ના મન -બુધ્ધિ -કવચ -હ્રદય -નેત્ર -તેમજ રિલેશન ની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રી નો સળંગ પાઠ કલ્યાણ કારી છે. – અસ્તુ.
શિવ આરાધના શા માટે? અત્યારના સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે મોટીવેશનલ બૂકસ, પ્રેરણાત્મક પ્રવચનો, સેમીનાર, … વર્કશોપ વગેરે ખૂબજ સફળતાપૂર્વક યોજાતા રહે છે. તેમાં હકારાત્મકતા ૫ર ભાર મૂકવાની અને નકારાત્મક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવાની બાબત મુખ્ય છે. કેમકે મનોવિજ્ઞાન તેમજ સૃષ્ટિનો પણ સિધ્ધાંત છે કે જે બાબત પર તમે ધ્યાન આપો તે વૃધ્ધિ પામે છે.
હવે શિવ વિશે વાત કરીએ તો શિવએ સમસ્ત વિદ્યાઓ ના જ્ઞાતા છે. જયોતિષ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, નૃત્યવિધા, વ્યાકરણ વગેરે ના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણીક, સાંસારીક કે શાસ્ત્રને લગતી તમામ બાબતોમાં શિવ તત્વ જ વિદ્યમાન છે. આપણા શરીરનું સંચાલન ‘પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન , નાગ , કૂર્મ , ક્રિકલ , દેવદત્ત , ધનંજય’ આ દશ પ્રકારનાં પ્રાણથી થાય છે. આપણે જાણીએ જ છીએ કે જયારે ‘પ્રાણ’ શરીરમાંથી ચાલ્યા જાય ત્યારે માત્ર ડેડબોડી જ બાકી રહે છે. ઉપર દર્શાવેલ વિવિધ પ્રકારનાં પ્રાણમાંથી કોઈ લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે. તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યોને દૂર કરવાનું, કોઈ આંખ ની પાંપણ ખોલબંધ કરવાનું સૂક્ષ્મ કાર્ય કરે છે.
મને આશા છે કે આ લેખમાં તમને રુદ્રી અને શિવ આરાધના વિષે ની માહિતી વાંચીને આનંદ થયો હશે. અમારા સત્સંગ વિભાગ ની મુલાકાત લો અને આવા જ અનેક પોસ્ટ વાંચો.
Read more posts here.
બહુ જ સુંદર
અભિનંદન ????????????