ગીધ ની સાચી સલાહ – ગુજરાતી બોધ વાર્તા
ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે ગીધ ની એક ગુજરાતી બોધ વાર્તા શેર કરવા માગું છું. કમ્ફર્ટ ઝોન એટલે કે આરામદાયક જીવન બધાને પ્રિય હોય છે. પણ શું તમને ખબર છે કે તેનું પરિણામ શું હોય છે? ગીધ નું એક ટોળું કઈક આવી જ પરિસ્થિતિમાં હતું જ્યારે સૌથી પીઢ ગીધે સલાહ આપી કે તેઓ પોતાના આરામદાયી જીવન થી બહાર નીકળીને પડકારજનક પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને જીવતા શીખે. જાણો આગળ શું થાય છે.
ગીધનું ટોળું અને આરામદાયક જીવન
એકવાર ગીધનું એક ટોળું જંગલ છોડી એક ટાપુ ઉપર જઈ ચડ્યું. આ ટાપુ સમુદ્રની વચ્ચોવચ હતો. ત્યાં ઘણીબધી માછલીઓ, દેડકા અને બીજા પણ અનેક સમુદ્રી જીવો હતા. એ રીતે અહીં ગીધો માટે ખાવા-પીવાનું પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હતું. વળી અહીં તેમનો શિકાર કરે તેવા કોઈ જંગલી પશુઓ પણ નહોતા. ગીધ બહુ ખુશ થઈ ગયા. કારણ કે આવું આરામનું જીવન તેમણે ક્યારેય નહોતું જોયું. ગીધના આ ટોળાના મોટાભાગના ગીધ યુવાન હતા. તેમણે વિચાર્યું કે ‘આવું આરામદાયક જીવન છોડી હવે ક્યાંય નથી જવું. બસ, હવે જિંદગીભર અહીં જ રહેવું છે.’
વૃદ્ધ ગીધની ચિંતા
પરંતુ એ ગીધના ટોળામાં એક વૃદ્ધ ગીધ પણ હતું. જે યુવાન ગીધોને જોઈ વિચારમાં પડી જતું. થોડા સમય પછી તે વિચારવા લાગ્યું કે અહીંના આરામદાયક જીવનની આ ગીધો પર શું અસર પડશે..? શું તેમને વાસ્તવિક જીવનનો અર્થ સમજાશે..? અહીં તેમની સામે કોઈ મુશ્કેલીઓ નથી. પણ પછી ઓચિંતા જ તેમની સામે કોઈ મુશ્કેલી આવશે તો તેનો સામનો આ બધા કેવી રીતે કરી શકશે..?
ગીધની સાચી સલાહ
ખૂબ વિચારીને એ વૃદ્ધ ગીધે બધા જ ગીધોની સભા બોલાવી. પોતાની ચિંતા પ્રગટ કરતા વૃદ્ધ ગીધે કહ્યું કે “આપણે અહીં આવ્યા એને ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે ફરી જંગલમાં ચાલ્યું જવું જોઈએ. અહીં આપણે મુશ્કેલીઓ વગરનું જીવન જીવી રહ્યા છીએ. પણ જો આપણે અહીં રહીને આળશું થઈ ગયા તો પછી મુશ્કેલીઓનો સામનો નહીં કરી શકીએ.”
યુવાન ગીધની માનમાની
યુવાન ગીધોએ પેલા વૃદ્ધ ગીધની વાત સાંભળી ન સાંભળી અને જાણે કે કાન સોંસરવી કાઢી નાખી. તેઓને થયું કે આ વૃદ્ધ ગીધની બુદ્ધિ બહેર મારી ગઈ છે. તેઓએ આ આરામની જિંદગી છોડને જવાની સાફ મનાઈ કરી દીધી. વૃદ્ધ ગીધે બધાને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ‘તમે લોકો આરામના આદી થઈ ગયા તેથી ઉડવાનું પણ ભૂલી ગયા છો. કોઈ મુસીબત આવશે તો તેનો સામનો કેવી રીતે કરશો..? એટલે જ કહું છું કે આ આરામની જિંદગી છોડો, મારી વાત માનો અને મારી સાથે પાછા ચાલો.’
યુવાન ગીધની દુર્દશા
પરંતુ કોઈએ વૃદ્ધ ગીધની વાત ન માની. તેથી તે એકલું જ ત્યાંથી ચાલ્યુ ગયું. કેટલાક મહિના વિત્યા. વૃદ્ધ ગીધે પેલા ટાપુ ઉપરના ગીધોના ખબર અંતર પૂછવાનું વિચાર્યું. તે ઉડતું ઉડતું પેલા ટાપુ ઉપર પહોંચ્યું. ટાપુ ઉપર જઈ તેણે જોયું તો ત્યાંનો નજારો સાવ બદલાઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં ગીધોની લાશો રઝળતી હતી. અનેક ગીધ લોહીલુહાણ અને ઘાયલ થયેલા પડ્યા હતા. પેલા વૃદ્ધ ગીધે એક ઘાયલ ગીધને આ બધું થવાનું કારણ જાણવા પૂછ્યું. ‘તમારી આવી હાલત કેવી રીતે થઈ, આ બધું શું થયું..?’
સલાહ ન માનવાનું પરિણામ
ઘાયલ ગીધે કહ્યું કે તમારા ગયા પછી ખૂબ મોજથી અમે જિંદગી જીવી રહ્યા હતા. ત્યાં એક દિવસ એક જહાજ આ ટાપુ ઉપર આવ્યું. એ જહાજમાંથી આ ટાપુ ઉપર ચિત્તા છોડવામાં આવ્યા. શરૂઆતમાં તો એ ચિત્તાઓને અમને કશું ન કર્યું. પરંતુ જેવો તેમને ખ્યાલ આવ્યો કે અમે તો ઉડવાનું પણ ભૂલી ગયા છીએ. અમારા પંજા અને નખ પણ કમજોર થઈ ગયા છે કે અમે કોઈના ઉપર હુમલો પણ નથી કરી શકતા અને નથી તો અમારો બચાવ કરી શકતા. તો તે ચિત્તાઓએ એકએક કરીને અમને મારીને ખાવાનું શરૂ કર્યું. અને એટલે જ અમારી આવી હાલત થઈ છે. જાણે કે તમારી વાત ન માનવાનું જ આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ છે.
કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળો
મિત્રો, ગીધ ની આ ગુજરાતી બોધ વાર્તા આપણને શીખવે છે કે જે લોકો COMFORT ZONEમાં ચાલ્યા જાય છે તેઓ માટે પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. પછી જીવનમાં મુશ્કેલીઓ આવે તો તેનો સામનો કરવો પણ મુશ્કેલ બની જાય છે. તેથી કમ્ફર્ટ ઝોનમાં જઈ ક્યારેય બહુ ખુશ ન થઈ જવું. જિંદગી ક્યારે કેવો વળાંક લે તે કહેવું મુશ્કેલ છે. તેથી મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. તો જ પ્રગતિ કરી શકાય.
કમ્ફર્ટર ઝોનમાં રહેનારાઓનું જીવન સ્થિર થઈ જાય છે. તમારે તમારા જીવનને કમ્ફર્ટ ઝોન રૂપી ખાબોચિયામાં વ્યતિત કરવું છે કે અફાટ સમુદ્ર જેવું બનાવવું છે તે તમારે નક્કી કરવાનું છે.
Read more posts here.