જૂના જમાના ની મીઠી યાદ : ચલ મેરી લ્યુના
ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં જૂના જમાનાની મીઠી યાદ એટલે કે ચલ મેરી લ્યુના વિષે જણાવવા માગું છું. જ્યારે મે હાલમાં લ્યુના વિષે આ લેખ વાંચ્યો તો મને મારા બાળપણ ની યાદ આવી ગઈ. ચાલો ગુજજુમિત્રો, લ્યુના પર આપણે આપણાં ભૂતકાળની સફર કરીએ.
જીવનનું પ્રથમ વાહન : લ્યુના
આજે સવારે ચાલતા અચાનક એક ઘરની દીવાલ પાસે બિસ્માર અને ખખડધજ થઈ ગયેલ લ્યુના મોપેડને જોતા તેની જાહોજલાલી યાદ આવી ગઈ. સાત દસકા પહેલા દેશમાં આજની જેમ જ વસતિ હતી અને રસ્તાઓ ઉપર સાયકલો અને એક નાનકડી બકરી જેવું મોપેડ એટલે કે મોટર અને પેડલથી ચાલતું એક કિફાયતી વાહન જે એકદમ મધ્યમવર્ગના લોકો અને કારીગર વર્ગ માટેનું મુસાફરી કરવાનું હાથવગું સાધન હતું તે લ્યુના. કારણ કે દરેક વ્યક્તિના જીવનનું પ્રથમ વાહન લ્યુના હોઈ શકે.
પહેલું દેશી મોપેડ એટલે લ્યુના
દેશ આર્થિક રીતે થોડો સમૃધ્ધ થતો જતો હતો તે અરસામાં 1972 માં એક કંપનીએ ઈટાલીની પિઆગીઓ સીઓ નામની મોટરસાયકલ/સ્કૂટર બનાવતી કંપની પાસેથી 50 સીસીનું હળવું વાહન બનાવાનું લાઈસંસ મેળવ્યું અને દેશમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું. લ્યુના દેશી બનાવટનું પ્રથમ મોપેડ હતું. બહુ ટૂંકા ગાળામાં લ્યુના મોપેડ લોકપ્રિય થઈ ગયું અને ઘરેઘરે જાણીતું થઈ ગયું.
વજનમાં હળવું અને સ્ટાઈલમાં ભારે
લોકો તેની સરખામણી સાયકલ અને મોટરબાઈકની વચ્ચે કરતા. લ્યુના ખુબ હળવું હોવાથી લોકોને ચલાવવામાં સરળ રહેતું અને તેની આ લાક્ષણિકતાને લીધે દેશમાં તોફાન મચાવી દીધું હતું. ઘણાં મોપેડ ત્યાર પછી બજારમાં આવ્યા પણ એ બધાની વચ્ચે લ્યુનાનો દબદબો અલગ જ હતો. તેનું કારણ એક તો તેનો દેખાવ નાજુક હતો અને સ્ટીલ બોડીના કારણે સ્ટાઈલીશ દેખાતું હતું.
સ્ત્રી અને પુરૂષ બંને માટે ઉત્તમ
બ્લ્યુ અને મરૂન કલરના અસંખ્ય લ્યુના તો દેશની બજારોમાં સર્પાકાર દોડતા દેખાતા. પેડલથી કીક મારો એટલે ફટ કરતું ચાલુ થઈ જાય અને રસ્તામાં બંધ પડે તો પેડ્લ મારીને ઘરે કે રિપેરરની દુકાને આસાનાથી જઈ શકાતું. લ્યુનાની ડિઝાઈન એવી હતી કે કોઈપણ સ્ત્રી કે પુરુષ સરળતાથી બ્રેક અને એક્સીલેટ કરી શકે. એવરેજ પણ 60 કિલોમીટરની આવતી. જાળવણીનો ખર્ચ નહીવત. લોકો ઘરે પણ સર્વિસ કરી નાખતા.
લ્યુના હતી ફેમીલી બાઈક
શરૂમાં પાછળની સીટ ફક્ત સ્ટીલની જ રહેતી પણ લોકોએ તેને કુશનવાળી ડબલ સીટમાં ફેરવી નાખી અને સહકુટુમ્બ 20 કે 30 ની સ્પીડ સાથે લોકો નીકળી પડતા. ઘણાં કિસ્સામાં તો લ્યુના ઉપર પતિ-પત્નિ અને ત્રણ બાળકો બેઠા હોય અને મસ્ત રીતે ધીમી ગતિએ લ્યુના દોડે જતું હોય એ દ્રશ્ય જોતા લોકો ખુશ થઈ જતા. સીતમાં ટૂંકમાં બચત જ બચત.
બહુ સામાન હોય તો પણ લ્યુના ઉત્તમ
સીટ અને હેંડલની વચ્ચેની જગ્યા પણ મોટી હતી જેને ફૂટરેસ્ટ કહેવાતી જેમાં અનાજનો ડબ્બો, શાકના થેલા કે અન્ય સામાન ગોઠવી જઈ શકાતું. 50 કિલોના ઘંઉં કે ચોખાના બાચકા આ ફૂટ રેસ્ટ ઉપર લોકો લઈ જતા. ગ્રામ્ય પ્રદેશોમાં તો તો લ્યુનાનો કચ્ચરઘાણ નીકળી જાય તે રીતે માલલસામાનની હેરફેર કરવામાં આવતી. શહેરોમાં આખા કુટુમ્બનો ભાર ઉપાડી લ્યુના ગતિ કરતું લ્યુના નક્કર સ્ટીલમાંથી બનેલું હોવાથી તે પડતું તો પણ બોડી ઉપર ગોબા દેખાતા નહી. તેની બ્રેક સિસ્ટમ પણ અસરકારક હોવાથી લ્યુનાને બ્રેક મારો કે સડક પર ચોંટી જાય.
સાયકલ અને સ્કૂટર નું મિશ્રણ એટલે લ્યુના
ભારતીય મધ્યમવર્ગના સમાજ માટે સાયકલ અને સ્કૂટરની વચ્ચે એક વાહન હોવું જોઈએ જે દેશના કોઈપણ ભાગમાં ચાલી શકે અને ચલાવવામાં સરળ, વજનમાં હળવું અને કિમતમાં સસ્તું હોવું જોઈએ એવા નક્કર અભિગમથી પુનાની કિનેટિક એંજિનિયરરીંગ કંપનીએ લ્યુના બનાવેલું. અને તેમનો આ અભિગમ લ્યુનાના વેચાણે યથાર્થ કરી બતાવ્યો.
પરફેક્ટ કપલ બાઈક
લ્યુનાએ પતિ-પત્નિને નજીક લાવવાનું પણ કામ કરેલું છે. પહેલાતો ચાલતા કે બસમાં જતા પણ લ્યુનાના આગમનના કારણે પત્નિ પાછળની સીટ પર સહેજ અડીને બેસી જતી. ગ્રામ્ય મહિલાઓ પણ લોકોની પરવા કર્યા વગર એકદમ સલુકાઈથી લ્યુના પાછ્ળ બેસી એક ગામથી બીજા ગામની સફર કરતી અને ગામ વટાવે એટલે માથાનો ઘુંઘટ ખસેડી લેતી ને હવામાં ફરફરતા વાળની મજા માણતી.
સરકારી કર્મચારીઓ ની પહેલી પસંદ
1980ના સમયમાં ભાવનગરના હલુરિયા ચોક અને ઘોઘા દરવાજે સવારે 10-30 વાગ્યે બેંક કર્મચારીઓ, વેપારીઓ અને ખરીદી કરવા આવતા થોકબંધ લોકોને લ્યુના ઉપર જોવાનો એક લહાવો હતો. સરકારી કર્મચારીઓને તો વાહન ખરીદવા માટે આગોતરી લોન મળતી અને તેમાં લ્યુનાની ખરીદી કરતા.
બૉલીવુડ અને લ્યુનાનો સંબંધ
એ સમયમાં લ્યુનાની જાહેર ખબરમાં શબાના આઝમી અને સ્મિતા પાટીલ આવતા. મહારાષ્ટ્રમાં યોજાતી આંતરશાળા ક્રિકેટ સ્પર્ધામાં મેન ઑવ ધ મેચ થનાર ખેલાડીને લ્યુના આપવામાં આવતું જેમાં એક સમયમાં સંદીપ પાટીલ અને બી.એસ ચંદ્રશેખરને મળ્યું હતું. તો એસએસસીની પરીક્ષામાં ટોપરને પણ લ્યુના અપાતું. ફિલ્મ ગોપીચંદ જાસુસમાં રાજ કપૂરને લ્યુના ઉપર સવારી કરતા જોઈ શકાય છે. તે સમયની તમીળ ફિલ્મોમાં તો અસંખ્ય વાર હિરો અને હિરોઈન લ્યુના ચલાવતા. હિંદી ફિલ્મોના દિગ્દર્શક શ્યામ બેનેગલ ત્યારે જાહેરાતની ફિલ્મો બનાવતા એમણે લ્યુના માટેઘણી જાહેરાતો બનાવેલી.
ચલ મેરી લ્યુના થી સુપ્રસિદ્ધ
પણ લ્યુનાને સર્વાધિક પ્રસિધ્ધિ મળી 1984 માં જ્યારે પીયુષ પાંડે જાહેરાતના ક્ષેત્રમાં દાખલ થયા અને ‘ચલ મેરી લ્યુના’ ની જાહેર ખબરથી આક્રમણ કર્યું. આ તેમની પ્રથમ જાહેરાત હતી અને તેનાથી પીયુષ તો લોકપ્રિય થયા સાથોસાથ લ્યુના પણ. લ્યુનાને સંકટ સમયનો સાથી અને દરેક વખતે લોકોને ઉપયોગી થયું છે તેવા ભાવનિર્દેશ સાથે જાહેરાતો બનાવામાં આવેલી. જો તમને બરોબર યાદ હોય તો સહેજ માથાને ટપલી મારી ભૂતકાળમાં સરી જાવ. સરકારી કર્મચારી રામ મુરારી, વ્યાપારી રવીકુમાર, મેડીકલની સ્ટુડંટ રાધા આ બધા લ્યુનાના પાત્રો હતા. કઠીન સમય એટલે કે હડતાલ, ઓફિસે સમયસર પંહોચવું, ધંધારોજગારને સાચવવો, આ બધી વિટંબણામાં લ્યુના મોપેડ કેવો અસરકારક સાથ આપે છે તે જાહેરખબરની લોકમાનસ ઉપર ખુબ અસર થયેલી.
મોટરબાઈક ને કારણે લ્યુનાનું આકર્ષણ ઘટ્યું
સતત 25 વર્ષ સુધી કિફાયતી વાહન તરીકે લ્યુનાનું અસ્તિત્વ રહ્યું. 1990 પછી ભારતીય બજારમાં ક્રમશ: મોટરબાઈકનું આગમન થયું. લોકોની આર્થિક સમૃધ્ધિ વધી ત્યારે લ્યુનાનું આકર્ષણ ઘટતું ગયું. લોકો સ્પીડ અને જવામર્દી ઈમેજને પસંદ કરવા લાગ્યા.
ગુજજુમિત્રો, મને આશા છે કે તમને પણ લ્યુના વિષે વાંચીને આનંદ આવ્યો હશે.
Very nice
Wow! my mom used to ride the luna.