નાના બાળકનો સંદેશ : ખાસ વાંચવા જેવી નાની વાર્તા

શંકાનું કોઈ સમાધાન નથી

ગુજજુમિત્રો, આજે હું તમને એક ખાસ વાંચવા જેવી નાની વાર્તા કહેવા માગું છું. આ વાર્તા નાની છે પણ તેનો સંદેશ ઊંચો છે. સાર એ છે કે સારપ થી જ સારપ વધે છે અને પ્રેમ જ પ્રેમ ને વધારે છે. જો આ સંસારને સ્વર્ગ બનાવવો હોય તો બાળકો જેવા માસૂમ બનીને પ્રેમ આપો. ચાલો વાંચીએ આ નાની વાર્તા.

એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે – દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.

તેના પિતાએ કહ્યું, “કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ.”

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, “ચાલો પપ્પા મોલ જઈએ!”.

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, “બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય.”

Mall

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો. તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, “બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ.”

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું “પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ.”

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, “બેટા, તને કોનું કામ છે?”

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું,” મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?”

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, “મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી.

મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.’ મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. “

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.

Visit Gujjumitro daily for new post.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *