ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં લીધાં!!

ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં

ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં લીધાં!!

ગુજ્જુમિત્રો આજે હું તમને એક વાર્તા જણાવી રહી છું જે મેં હાલમાં વાંચી હતી. આ વાર્તા કોણે લખી છે તે તો ખબર નથી પણ આ અજ્ઞાત લેખકની ભાવનાને હું સલામ કરું છું. જો કે ભારતના ગામડાં માં આ વાર્તા કેટલીય વાર હકીકતમાં ઘટિત થઈ હશે. ગરીબ મા મહેનત કરીને પોતાના દીકરાને ભણાવે છે અને સક્ષમ બનાવે છે. આ જ દીકરો જ્યારે પોતાના પહેલાં પગારથી મા માટે કઈક ખરીદે છે ત્યારે શું થાય છે જાણવા માટે વાંચો : ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં લીધાં!!

સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે, ટિપિકલ ગામડાં ગામનો…નક્કી માર્કેટિંગવાળો હશે, એવો જ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી, પણ એકદમ કોન્ફિડન્ટ.

ચપ્પલ દુકાનદારનું પહેલાં તો ધ્યાન પગ આગળ જ જાય ? એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા…

દુકાનદાર :- “શું મદદ કરું આપને ?”

છોકરો :- “મારી મા માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો…”

દુકાનદાર :- “એમના પગનું માપ ?”

છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા!!

દુકાનદાર :- “અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત…!”

એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :- “‘શેનું માપ આપું સાહેબ ? મારી મા એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી મા શેરડી તોડવાવાળી મજૂર હતી. કાંટામાં કયાંય પણ જાતી. વગર ચપ્પલે ઢોર હમાલી અને મહેનત કરી મને ભણાવ્યો. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામડે જાઉં છું. ‘મા’ માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ સતાવતો…મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી મા માટે હું ચપ્પલ લઈશ.”

Footprints

દુકાનદારે સારાં અને ટકાઉ ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂપિયાના છે, છોકરાએ કીધું ચાલશે…

દુકાનદાર :- “ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો ? ચપ્પલ મોંઘા નહિ પડે ?”

છોકરો :- “હમણાં તો બાર હજાર છે, રહેવાનું, ખાવાનું થઈને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છું …”

દુકાનદારે બોક્સ પેક કર્યું. છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો. મોંઘું શું ? એ ચપ્પલની કોઈ કિંમત થાય એમ જ નોહતી…

પણ દુકાનદારના મનમાં શું આવ્યું. કોને ખબર, છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રેહવાનું કહ્યુ…દુકાનદારે બીજું એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું અને દુકાનદાર બોલ્યો “”આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે’. પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય, તો બીજા વાપરવાના. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની…”

દુકાનદાર અને એ છોકરાના બન્નેની આંખોમાં પાણી ભરાય ગયા.

દુકાનદાર :- “શું નામ છે તારી મા નું ?”

છોકરો “લક્ષ્મી” એટલું જ બોલ્યો.

દુકાનદાર તરત જ બોલ્યો, “મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને. અને એક વસ્તુ આપીશ મને ? પગલાં દોરેલો પેલો કાગળ જોઇયે છે મને.”

એ છોકરો પેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો.

ગડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો…

દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાનદારની દીકરીએ જોયો અને પૂછ્યું :- “બાપુજી આ શું છે…?”

દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને બોલ્યો :- ” લક્ષ્મી નાં પગલાં છે બેટા…એક સાચા ભક્તે દોરેલા છે…આનાથી બરકત મળે ધંધામાં…”

દીકરીએ અને દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું…!

ગુજ્જુમિત્રો જો આપણે માણસાઈ અને સારપ ને આપણી અંદર જીવતી રાખીશું તો આ સંસાર સ્વર્ગ થઈ જશે. માતાપિતા વિષે વધુ લેખ વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *