પપ્પા જેવું કોઈ નહીં!
ગુજ્જુમિત્રો, હેપ્પી ફાધર્સ ડે! પપ્પા જેવું કોઈ નહીં! આ લેખ એ બધા વાંચકો માટે છે જેઓ પપ્પા છે. એવા અવસરો બહુ ઓછા આવે છે જ્યારે આપણે પપ્પાની વાત કરીએ છીએ. મોટાભાગે મમ્મીના વખાણ થતાં હોય છે, અને તેમાં કઈ જ ખોટું નથી. પરંતુ પપ્પા આપણાં જીવનમાં જે ભૂમિકા નિભાવે છે તે બેમિસાલ છે. વગર કોઈ અપેક્ષાએ પપ્પા આપણાં પીઠબળ બનીને હંમેશાં આપણી સાથે હોય છે. આ લેખ વાંચો અને તમારા પપ્પાને જરૂરથી મોકલો.
પપ્પા એટલે શું? પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયી પુસ્તક…આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા વેદપુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા…
મમ્મીને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે છે. કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ કર્યા જ નથી.
“ખબરદાર જો આમ કર્યુ છે તો…આવવા દે તારા પપ્પાને..બધું જ કહી દઇશ” આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે….અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.
બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા… આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.
સાચું જ કહેવાયું છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો “ઓ મા” બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મોં માંથી “ઓ બાપ રે” જ સરી પડે છે.. જે એ વાતની સાબિતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે … પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.
કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વ તો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે….
આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ…..
બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલે જ એ છપ્પનની છાતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતું નથી.
આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક સુવાક્ય.
આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ.
આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..
આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ…
આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય….
આ પપ્પા એટલે આપણને કદી યે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ…
આખરે પપ્પા એટલે પપ્પા…અને પપ્પા જેવું કોઈ નહીં!