નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ
નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ
નવરાત્રી પિત્ત પ્રકોપની ઋતુ છે
નવરાત્રીનો સમય એ શરદ ઋતુનો સમય છે. શરદ ઋતુ એ શરીરમાં સ્વાભાવિક રીતે “પિત્ત પ્રકોપ”ની ઋતુ છે. વર્ષા ઋતુમાં પિત્ત શરીરમાં જમા થતું જાય અને શરદમાં એનો પ્રકોપ થાય. સ્વાભાવિક રીતે આ ઋતુમાં આવું થાય જ. અમારી પાસે આ ઋતુમાં પિત્તની તકલીફો વાળા દર્દીઓ સ્વભાવિકપણે વધી જ જાય. જો શ્રાદ્ધ પક્ષમાં ખીર વ્યવસ્થિત અને નિયમિત ખવાઈ હોય તો પિત્તનું પ્રમાણમાં સારું શમન થઈ ગયું હોય એવી શક્યતા ખરી. તો પિત્તની તકલીફો શરદ ઋતુમાં થોડી ઓછી નડે. પિત્તની તકલીફો એટલે કેવી તકલીફો? હળવીથી ભારે તરફ જઈએ. છાતી, પેટ, મૂત્ર, મળમાં કે શરીરમાં ક્યાંય પણ બળતરા, આંખમાં- ચામડી પર લાલાશ, ચામડીના રોગો, લીવરની સમસ્યાઓ, રસી, મોઢામાં, જઠર કે આંતરડામાં ચાંદા/અલ્સર વગેરે વગેરે.
ખાવાપીવાનું ધ્યાન રાખવું
આની શક્યતાથી બચવું હોય, તો વર્ષા ઋતુમાં અને શરદ ઋતુમાં પિત્તને વધારે / એનો પ્રકોપ કરાવે એવું ખાવા-પીવાથી દૂર રહેવું જ જરૂરી છે. ખારાશ-નમક વાળી, ખાટી, ગરમ મસાલા વાળી, ટોમેટો કેચપ, સોયા સોસ, ચીલી સોસ, તેલમાં તળેલી- ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ (જેમાં મોટા ભાગની “ફરાળી વાનગીઓ” આવી જાય.. ), ગુજરાતમાં જે “પંજાબી” અને “ચાઈનીઝ”ના લેબલ હેઠળ મળે છે એવી તમામ વસ્તુઓ, પિત્ઝા, બર્ગર, મેંદાની બનેલી વસ્તુઓ વગેરે વગેરે. આ પ્રકારની વસ્તુઓને આયુર્વેદમાં સંયુક્ત રીતે “વિદાહી આહાર” કહેવાય.
સૂર્યાસ્ત પછી ના ખાવું
આવી વસ્તુઓ પણ દિવસના સમયમાં ખવાય તો ઓછી નડે. સૂર્યાસ્ત પછી શરીરનો અગ્નિ (પાચનશક્તિ) સૌથી ઓછો થઈ ગયો હોય પછી જેટલું વધારે ખવાય એટલું વધુ નુકસાન કરે અને જેટલું ઓછું ખવાય એટલો વધારે લાભ કરે. (એટલે જ આપણા શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી જમવાનો નિષેધ છે. અગ્નિ સારો હોય ત્યારે થોડું હાનિકારક જમીએ તો પણ એ વ્યવસ્થિત પચીને શરીરના બંધારણમાં કામ આવે એવું બને, પણ અગ્નિ નબળો હોય ત્યારે જમીએ તો હિતકારક આહાર પણ શરીરમાં કચરા રૂપે જમા થઈને કાચો આમ બનાવે.)
સ્વ જાગૃતિ જરૂરી છે
પિત્તના સ્વાભાવિક પ્રકોપ નવરાત્રીમાં મોડી રાત્રે જેવું અને જે પ્રકારનું ખવાય છે એમાં મોટા ભાગે ઉપર જે લિસ્ટ ગણાવ્યું એવા “વિદાહી” એટલે કે પિત્તનો પ્રકોપ વધારે એવું જ ફૂડ હોય છે. જે પિત્તની તકલીફો સ્વભાવિક રીતે શરીરમાં થવાની હતી એ અનેકગણી વધુ તીવ્રતાથી થાય એવા સંજોગો આપણે પોતે જ ઊભા કરીએ છીએ. સ્વ-જાગૃતિ પૂર્વક થોડું જ ધ્યાન રાખવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
ગરબા કરો અને પસીના થી પિત્ત દૂર કરો
આયુર્વેદનો એક અન્ય કોન્સેપ્ટ કહે છે, કે આપણા “સ્વેદ” એટલે કે પસીનામાં પિત્ત આશ્રય કરીને રહે છે. એટલે થાકી જવાય એવા ગરબા જરૂર રમજો. એમાં જે પસીનો થશે એમાં પણ પિત્ત નીકળી જશે. એનાથી પણ થોડું સ્વાસ્થ્ય સુધરશે.
Also read : પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર