સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસના નિરોગી રહેવા માટેના અનોખા ઉપાયો

નિરોગી રહેવા માટેના ઉપાયો

ગુજજુમિત્રો, આજે હું તમને સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ની નિરોગી કાયા નું અનોખું રહસ્ય જણાવવા માગું છું. હું આ રહસ્ય નું સમર્થન કરું છું કે નહીં એ જરૂરી નથી અને આ તમારા માટે અસરકારક રહેશે કે નહીં તેનો નિર્ણય તમે જ કરજો. પણ આદરણીય સ્વામીજી ની તંદુરસ્તી નું રહસ્ય જાણવા જેવુ છે. ક્રાન્તિકારી સંત સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ યોગ, પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ હેલ્થને બરબાદ કરી દે છે. ચાલો વાંચીએ સ્વામી જી ના નિરોગી રહેવા માટેના અનોખા ઉપાયો.

સ્વામી શ્રીસચ્ચિદાનંદજી તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?

ક્રાન્તિકારી વિચારો અને આધ્યાત્મની વિશિષ્ટ સમજ આપી સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહેલા સ્વામી શ્રીસચ્ચિદાનંદજીએ ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતાં 128 થી વધુ પુસ્તકો લખ્યાં છે. દેશ-વિદેશમાં મળીને તેમણે 4 હજાર પ્રવચનો કર્યા છે.

પેટલાદ નજીક દંતાલીના પોતે સ્થાપેલા આશ્રમ ભક્તિ નિકેતનમાં રહી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા આ કર્મયોગી સંત માનવધર્મમાં માને છે. અમદાવાદ નજીક કોબામાં અને ઉંઝામાં પાટણ રોડ પર એમ ગુજરાતમાં તેમના ટોટલ ત્રણ આશ્રમ છે.

યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સ્વામીજી 90 વર્ષે પણ એનર્જીથી તરબતર છે! જાણીએ, શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.

કુદરતી જીવન જીવો

હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરત વિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું. નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરત વિરોધી છે.

આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે. યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે. આપણાં વડીલો કેમ કહે છે કે પહેલું સુખ નિરોગી કાયા ?

પહેલું સુખ તે જાતે નર્યા
નિરોગી રહેવા માટેના ઉપાયો

એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું.

મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા.

આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરનું હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય. મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે.

Yoga
નિરોગી રહેવા માટેના ઉપાયો

મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે. શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે. યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી.

તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે. સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે. ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે.

યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે. ગીતામાં પણ કહ્યું છે કે, યોગ: કર્મસુ કૌશલમ.

નિરોગી કાયા માટે મારો નિત્યક્રમ :

  • હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું.
  • નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું.
  • સાંજે સાડા છ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું.
  • રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું.
  • હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં.
  • ૧૯૯૪માં મદ્રાસમાં બાયપાસનું ઑપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી. ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું. હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો. કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં.
  • શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય. બાકી .. શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.
Statue of Unity

સ્વાદિષ્ટ ખાઓ

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો. અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા. એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું. લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે. પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે. આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.

ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે. કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. હું રોજ બે જ ચીજો ખાઉં છું. દાળ-રોટલી અથવા તો શાક-રોટલી. થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ.

ગુજરાતી થાળી

રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું. એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું. ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

મનની પ્રસન્નતા મહત્વની છે

મનની પ્રસન્નતા મહત્વની છે, હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો.

cassette recorder

મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું. સંગીતકાર શંકર-જયકિશનવાળા જય કિશને જે ધૂનો બનાવી છે…લાજવાબ…!!! થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે. જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય! જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!

બસ…નિરોગી રહેવા માટેના ઉપાયો નો અમલ કરો. સ્વાદિષ્ટ અને વિવિધતાસભર ખોરાક વિષેના વિચારોથી આજ સાંજથી જ તમારા દૈનિક ભોજનમાં પરિવર્તન લાવી દેજો. આ ખવાય, આ ન ખવાય તેના રવાડે ચડતા નહી. દિલ જે માગે તેને સંતોષજો. અને પછી જુઓ નિરોગી કાયા થી જિંદગીના પાટા કેવા બદલાઈ જાય છે. ચારે તરફ ખૂશી અને પ્રસન્ન્તા છવાઈ ગઈ હશે અને તમારો પીછો નહી છોડે.

Also read : શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *