કૃષ્ણ ભગવાન ઉવાચ : ઘોર કળિયુગ કેવો હોય?
ઘોર કળિયુગ કેવો હોય?
એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કલિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને ઘોર કળિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે ⁉️ એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલું દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયું. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો.
ભીમને એ ન સમજાયું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ⁉️
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમ છતાં પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વિનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે આ ચારે ઘટના ઘોર કળિયુગ માં કેવી સ્થિતિ હશે તે બતાવે છે. ચારે ઘટનાના અર્થ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
(૦૧) અર્જુનને કહે છે કે ઘોર કળિયુગમાં સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલાં જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે.
(૦૨) ભીમને કહે છે કે ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપું પાણી આપતા ન હોતા એમ કલિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.
(૦૩) નકુલને કહે છે કે ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કલિયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડ લડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે.
(૦૪) સહદેવને કહે છે કે પર્વત પરથી પડતી શિલાની જેમ કલિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારિત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.
કૃષ્ણની આ વાત સાંભળીને ચારે પાંડવોને કલિયુગમાં કેવી સ્થિતિ હશે તે બરોબર સમજાઈ ગયું. આજે આપણે પણ ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલા અર્થ સાથે સંમત થઈશું.