શું તમે ઘરડા મા-બાપ ની મમતા ને લાયક છો? – એક નવલિકા

door

શું તમે ઘરડા મા-બાપ ની મમતા ને લાયક છો?

કીશોરકાકાના ઘર ને કાયમ માટે તાળું મારતા મારતા હું અને કાવ્યા ભાંગી પડ્યા. તેમના બગીચામાં રાખેલ બાંકડા ઉપર બેસી અમે બન્ને રડી પડ્યા…

અમે બન્ને કંઇ બોલી શકીયે તેવી સ્થિતિમાં ન હતા…

“હેં સમીર જીવન ની સંધ્યા આટલી દુઃખદ હોય છે..એ તો મેં કલ્પના પણ કરી ન હતી.” કાવ્યા રડતી રડતી બોલતી હતી. મેં કીધું “કાવ્યા, લાગણી તો એવી છે જે બાજુ ઢાળ મળે એ બાજુ ઢળી જાય. તેને ઉમ્મર કે રૂપિયા સાથે કોઈ મતલબ હોતો નથી.”

મેં કીશોરકાકાના બંધ મકાન સામે ફરીથી જોયુ. મારી થોડા દિવસ પહેલાની કાકા સાથે ની મુલાકાત નજર સામે આવી…

વાસ્તવ માં કીશોરકાકાના એટલે મારા મિત્ર સુનિલ ના પપ્પા… સુનિલ કરતા પણ વધારે કીશોરકાકા સાથે મને ફાવતું….તેનું કારણ નિખાલસતા, નિસ્વાર્થપણું, સ્વમાની અને આનંદ થી ભરેલ તેમનું વ્યક્તિત્વ મારા માટે પ્રેરણાદાયક હતું…

અમારી એકબીજા ની નિ:સ્વાર્થ ભાવના એ અમને લાગણી ના બંધનો થી બાંધી રાખ્યા હતા બાકી મારો મિત્ર સુનિલ તો વિદેશ જઈ મને ભૂલી ગયો હતો..મતલબ વગર ફોન કદી તેનો આવતો નહીં…હું પણ મતલબીઓ સાથે મતલબ પૂરતી જ વાત કરતા ઘણા સમય થી શીખી ગયો છું.

થોડા દિવસ પહેલા હું કાકા ને મળવા ગયો હતો…સ્વભાવ તો આનંદી હતો જ. તેઓ મને હંમેશા કહેતા, “તકલીફો દુનિયામાં કોને નથી..? તમારી તકલીફો અને દુઃખ ના ગાણા રોજ ગાવા થી દુનિયા તમારા થી દુર રહે છે…ભગવાન શ્રી કૃષ્ણ પણ તકલીફો વચ્ચે જીવ્યા છતાં પણ કદી રડ્યા નથી…સંઘર્ષ વચ્ચે પણ શાંતિ કેવી રીતે મેળવવી એ આદર્શ જીવન ની શીખ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી દ્વારા આપણને શીખવાડી છે…”

કીશોરકાકાની ઉમ્મર 80 વર્ષ છતાં પણ જયારે મળવા જાઉં ત્યારે હું મારુ દુઃખ દર્દ ભૂલી ઉભો થાવ તેવી તેમની આનંદ મસ્તી ની વાતો…હોય. આવનાર વ્યક્તિ સમય નું ભાન ભૂલી જાય તેને ઉભું થવુ ન ગમે .. તેવી કીશોરકાકાની વાતો કરવાની કલા મને બહુ ગમતી હતી..તેઓ કેહતા જે પરિસ્થિતિ નિર્માણ થયેલ છે.એ પરિસ્થિતિમાં હસતા હસતા જીવવું છે કે રડતા રડતા, એ દરેક વ્યક્તિ એ નક્કી કરવાનું છે.

Padma 4

હું જ્યારે તેમને મળું ત્યારે કંઈક નવું શીખી ને જતો. તેમની પાસે જિંદગી જીવવા ની જડીબુટ્ટી અદભુત હતી.

જે તેઓ ને યાદ કરે તેને જ એ યાદ કરતા. લાગણી ના વેવલા વેડા તેમને આવડતા નહીં..તેમને તેના સગા દીકરા વહુ ને પડતા મુક્યા હતા..તેઓ કદી તેમના દીકરા ને પણ ઇન્ડિયા ક્યારે આવો છો પૂછતાં નહીં..?

તેઓ મને કહેતા When there is a will there is way….વ્યક્તિ ને ઈચ્છા હોવી જોઈએ તો રસ્તો આપો આપ નીકળી જાય…બાકી બહાના તો હજારો હોય છે…તેમના સુંદર શબ્દ મને હજુ યાદ છે .

દુનિયા માં કોઈ વ્યક્તિ એટલી વ્યસ્ત હોતી જ નથી..કે આપણને મળી ન શકે…તેમની પ્રાયોરિટી જ તમારું સ્થાન તેમની નજર માં કેટલું છે તે બતાવે છે..વાણી વિલાસ તરફ તેમને નફરત હતી…

આ કીશોરકાકા ને થોડા દિવસ પહેલા હું મળવા આવ્યો ત્યારે…કીશોરકાકાના પત્ની મતલબ મારા મિત્ર ના મમ્મીને હું સુધામાસી કહેતો.તેઓ બન્ને સાથે હીંચકા ખાતા હતા…”આવ બેટા તારી જ રાહ જોતા હતા…તારી માસી ઘણા દિવસ થી અપસેટ છે.”.કીશોરકાકા બોલ્યા.

મેં પૂછયું, “શુ થયું માસી?”

“કંઈ નહીં..તારા કાકા ને તો ફરિયાદ કરવાની આદત છે.”

કાકા હસતા હસતા બોલ્યા…”બેટા ઘણા વખત થી કબાટ ના લોકર ની ચાવી તારી માસી મને આપતી ન હતી..કાલે રાત્રે ચોર આવ્યો…ચોરે ધમકી આપી એટલે તારી માસી એ લોકર ની સંતાડેલ ચાવી કાઢી ચોર ને આપી…ચોરે જ્યારે લોકર ખોલ્યું..તો લોકર ની અંદર ઝેર ની બોટલ સિવાય કંઈ ન હતું..ચોર રડી પડ્યો. ચોરી નો અમારા ઘરનો બીજો માલ અમારા પગ પાસે મૂકી બોલ્યો કે મને માફ કરજો લોકડાઉન ને કારણે મારી નોકરી જતી રહી છે, પરિવાર ની ભૂખ ભાંગવા આ ખોટા રસ્તે હું ચઢ્યો છું…મને માફ કરો”.

મેં ચોર ને કીધું અરે બેટા…. “હવે તો અમે જીવન ના દિવસો નહિ કલાકો ગણીયે છીયે…તારા પરિવાર ની ભૂખ ભાંગવી વધારે અગત્ય ની છે……અમારે તો પાપ પુણ્ય નું પોટલું બાંધવા નો સમય આવી ગયો છે. આ પોટલાં માં જે હોય તે તું લઈજા..અમારી નજર માં તેની કોઈ કિંમત નથી..તારે રૂપિયા ની જરૂર હોય તો વિના સંકોચે….આવતો જતો રહેજે ..હા પણ રાત્રે નહીં દિવસે ડોર બેલ મારી ને આવજે” મેં હસતા હસતા ચોર ને કીધું…

ચોર હાથ જોડી બોલ્યો “દાદા…ચોરી એ મારો વ્યવસાય નથી છતાં…પણ એક વાત છે..તમારી જેવી વ્યક્તિ આ દુનિયા માં ભાગ્યે મળે…”

કાકા ખૂબ હસ્યા પછી બોલ્યા “બેટા ચોર…મને મોબાઈલ નંબર આપી ને ગયો.. દાદા મુંઝાતા નહીં
હું તમારી સેવા માં 24 કલાક હાજર છું”…

દાદા ગંભીર થઈ બોલ્યા.. “બેટા…સંતાનો ની પાછળ આખી જાત ઘસી નાખી આવા શબ્દો સાંભળવા માટે, જીવન પૂરું કરી નાખ્યું. મુદ્દા ની વાત બેટા મેં તારી માસી ને કીધું લોકર માં ઝેર ની બોટલ નું કારણ ? તો તેણે કીધું…”તમને કંઈ થઈ ગયું..તો હું એકલી નહિ જીવી શકું…એટલે….આ ઝેર..” કાકા રડી રહ્યા હતા…” બેટા જીવનસાથી વગર જીવવું અઘરું તો છે…તેમાં પણ આ અવસ્થા માં ખાસ…”

બે દિવસ પછી સુધામાસી હાર્ટફેલમાં ગુજરી ગયા..કાકા એકલા પડી ગયા…બધી વિધિ પતાવી મેં કાકા ને કીધું તમારા થી હવે એકલા ન રહેવાય ચાલો મારા ઘરે..કાકા બોલ્યા બધી વિધિઓ પતી જાય પછી હું વિચારીશ….

અમે ઘરે ગયા…બીજે દિવસે વહેલી સવારે સંદેશો મળ્યો..કાકા ગુજરી ગયા…અમે તેમના ઘરે પોંહચ્યા..ત્યારે પોલીસ ત્યાં ઉભી હતી કાકા ના એક હાથ માં ઝેર ની ખાલી બોટલ હતી..બીજા હાથ માં ચિઠ્ઠી. ચિઠ્ઠી માં લખ્યું હતું..

Writer Paper pen
ઘરડા મા-બાપ ની મમતા

“સુધા તારી ઝેર ની બોટલ નો ઉપયોગ મેં કર્યો છે…તારો ખાલીપો સહન કરવાની તાકાત મારા માં પણ ન હતી..”

તેમણે મારા ઉપર ચિઠ્ઠી માં લખ્યું હતું,

બેટા સમીર..તારે બારમાં અને તેરમાં ની અમારી અંતિમ વિધિ સાથે કરવાની છે મારા છોકરા ની રાહ ન જોતો.. એ તેના માં વ્યસ્ત છે…અમારા જીવતા તેને રજા ન મળી તો હવે રજાઓ બગાડી ને અહીં આવવા નો શુ ફાયદો ? તું સુખી રહેજે, અને આનંદ માં રહેજે…અહીં આપણા ઋણાનુબંધ પુરા થાય છે…

લી. કીશોરકાકા

મેં પોલીસ ના હાથ માં ચિઠ્ઠી મૂકી. પોલીસ પણ ચિઠી વાંચી ભીની આંખે ઘર ની બહાર નીકળતા એટલું બોલ્યા….આ અવસ્થા દરેક ને આવવા ની છે…

દાદા ને કાંધ દેતી વખતે એક વ્યક્તિ ખૂબ રડતો હતો..મેં કદી તેને જોયો ન હતો..મેં તેની ઓળખ પૂછી….તેણે મને કીધું, “આવ્યો હતો ચોરી કરવા પણ દાદા એ મારુ દિલ ચોરી લીધું..દાદા એ મને પાંચ લાખ નો ચેક આપ્યો હતો અને કીધું..બને તો ચોરી નો ધંધો છોડી નોકરી ગોતી લેજે….”

મેં ભીની આંખે કીધું ચલ કાવ્યા ઉભી થા..આ ઘર ના કાયમ માટે દરવાજા આપણા માટે હવે બંધ થયા. માઁ બાપ વારસા માં મિલ્કત આપે. લાગણી તો નસીબ હોય ત્યાં થી જ તેને મળે…બાળકો એ પણ ઘરડા મા-બાપ ની મમતા ને લાયક બનવું પડે છે. મિલ્કતનું વિલ હોય લાગણીનું ન હોય…કાવ્યા… તને નરસિંહ મહેતા નું ભજન યાદ છે..

ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય.

દીકરા તો જૂજવા થયા રે, વહૂઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ….

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *