તારી પાસે કાંઇ નહીં માંગું!
ખુદ્દારી પણ તું આપે અને,
લાચાર પણ તું જ બનાવે,
રહે બંનેની શાખ અકબંધ,
તારી પાસે કાંઇ નહીં માંગું!
માન્યું, વિધાતા એ તને પુછીને જ,
લખી હશે નસીબમાં ઠોકરો,
લોહીલુહાણ થઇને એમાં સુધારા,
તારી પાસે કંઇ નહીં માંગું!
તને તારી પ્રભુતા મુબારક,
માણસ બની ને માંગી જો એકવાર,
તારી ચુપકીદીથી થાકી તું ખુદ,
તારી પાસે કંઇ નહીં માંગું!
નિરાધારોની આજીજીથી
અભિમાનમાં ના રાચ,
હું જુદો છું,
હાથ ફેલાવીને બીજા માટે દુઆથી વધુ,
તારી પાસે કંઇ નહીં માંગું!
ખબર છે મને,
મારા નસીબથી વધુ,
તું કાંઇ નહીં આપી શકે,
પાલનહારને શરમમાં શું નાખું,
તારી પાસે કંઇ નહીં માંગું!
મારા માગવાથી તું હારે તો,
ઉઠી જશે તારા ભક્તોનો વિશ્વાસ,
રહેવા દે ભ્રમ તારી મુઠ્ઠીમાં બંધ,
તારી પાસે કંઇ નહીં માંગું!
વધુ બોલીશ તો શબ્દો ધીરે ધીરે, ભીના થતા જશે,
જવા દે, તું તારું રાજ સાચવ,
સ્વમાન છોડી,
તારી પાસે કંઇ નહીં માંગું!
ઝુકાવવાની જીદ છે તારી, તો આ લે,
ઝુકાવ્યું મસ્તક હાથ જોડી,
ઝુકીને મનમાં પણ નહીં માંગું,
તારી પાસે કાંઇ નહીં માંગું!????
Click here to read more posts.