બરોડા ના એક રિક્ષાવાળાની ફાઈવ સ્ટાર સર્વિસ

રિક્ષાવાળાની ફાઈવ સ્ટાર સર્વિસ

બરોડા ના એક રિક્ષાવાળાની ફાઈવ સ્ટાર સર્વિસ

‘એ…… રિક્ષા….! ‘

‘કયાં જવું છે?’

‘કાલા ઘોડા ‘

‘બેસો … !’

‘કેટલા થશે?’

‘મીટર જે બતાવશે એ જ ’

અઠવાડિયા પહેલાં વડોદરા જવાનું થયેલું. વડોદરામાં કાલાઘોડા એક જાણીતું સ્થળ છે. યુનિર્વિસટીની બિલકુલ નજીક. રિક્ષામાં બેઠો તો જોયું કે રિક્ષા ને નવી નવેલી દુલ્હન ની જેમ સજાવેલી હતી. બેસવાનું મન થાય તેવી. રિક્ષામાં એક ગમતી મહેક આવી રહી હતી. ધીમું સંગીત પણ ચાલતું હતું.

‘ઠંડું લેશો કે ગરમ ‘ રિક્ષાવાળાએ પૂછયું.

‘કેમ ?’ મને આશ્ચર્ય થયું.

રિક્ષામાં ભાઈએ ચા અને લીંબુ શરબતના બે મોટા થરમોસ ભરીને રાખેલા. દરેક પેસેન્જરને ડિસ્પોઝબલ ગ્લાસમાં ઓફર કરે. પીવડાવે ફર્જિયાત. મને આશ્ચર્ય થયું.

‘આ ચા-શરબતના પૈસા વધારાના આપવાના?’

‘ ના… સાહેબ…. તમારે જે ભાડું થાય તે જ આપવાનું …આ ફેસિલિટીતો મારા તરફ્થી છે.’

બરોડા ના આ રિક્ષાવાળાની ફાઈવ સ્ટાર સર્વિસ જોઈને મને આનંદ થયો અને આશ્ચર્ય પણ.

મેં કહ્યું, ‘ભાઈ, તારી જ રિક્ષામાં બેસવાનું અને ફરવાનું ગમે એવું લાગે છે.’

‘એમ જ થાય છે સાહેબ, એકવાર જે બેસે છે પછી તે મને જ યાદ કરે છે.’

‘તને ખોટ નથી જતી?’

‘અરે સાહેબ,જ્યારથી આ ફેસિલિટી શરૂ કરી છે ત્યારથી દર વર્ષે મારી આવક બમણી થાય છે. હું નવરો પડતો જ નથી. પેસેન્જર મને ફોન કરીને બોલાવે છે.’

રિક્ષામાં ડ્રાઈવરનું નામ, ફોટો, સરનામું અને ફોન નંબર લખેલું હતું ત્યાં મારી નજર પડી.

Car service

મેં મનોમન વિચાર્યું. આટલી કાળઝાળ ગરમીમાં એક ગ્લાસ લીંબુ શરબત મળે અને દુલ્હન જેવી શણગારેલી રિક્ષામાં બેસવાનું મળે પછી જોઈએ શું?

‘રિક્ષા ભાડાની છે કે પોતાની?’

‘તમને શું લાગે છે?’ એણે વળતો સવાલ કર્યો.

‘શણગારેલી રિક્ષા છે. તમારી પોતાની જ હોવી જોઈએ!’

‘ના… સાહેબ, રિક્ષા ભાડાની છે.

આ મારી રોજીરોટી છે, આજીવિકા કયારેય ભાડાની કે પારકી નથી હોતી. એને તો જાતની જેમ જાળવવાની હોય…. આ રિક્ષા મારા પૂરા પરિવારને જાળવે છે. રોજી આપે છે. મારે એને જાળવવાની જ હોય. ન જાળવું તો “નગુણો” કહેવાઉં.

મને રિક્ષાવાળા માટે માન ઉપજ્યું. રિક્ષા અને તેના વિચારો બંને ગમી જાય તેવા હતા. રોજીરોટી મળે તે સ્થાનને પવિત્ર ગણવું પછી ભલે તે ભાડાનું કેમ ન હોય! એ રિક્ષા હોય, મકાન હોય કે પછી પોતાનું શરીર હોય! બધું જ ભાડાનું છે પરંતુ તેને સાચવવું શણગારવું, ગમે તેવું બનાવવું, તેને પ્રેમ કરવો અને છતાં માલિકીપણાનો ભાવ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાહ… અદ્ભુત… મજા પડી ગઈ.

rickshaw
ગુજરાત નો એક અનોખો રિક્ષાવાળો

મેં કહ્યું ભાઈ….. મને હવે વડોદરાના જોવાલાયક સ્થળો પણ બતાવ… તારી જ રિક્ષામાં ફરવું છે આજે. રિક્ષા આગળ વધી. મેં લીંબુ શરબતનો એક ઘૂંટડો પીધો ને રિક્ષાવાળા ભાઈએ કહ્યું, ‘જુઓ સાહેબ, તમે તમારો વિચાર બદલ્યોને? બસ, આ જ મારું કામ છે. મારા ધંધાની આવક એટલે જ દર વર્ષે વધે છે. ખર્ચ કાઢતાં સોળસો-સત્તરસો રોજ ઘરે લઈ જાઉં છું.’

મેં હકારમાં માથું હલાવ્યું એણે આગળ ચલાવ્યું.

‘હું M.A.B.Ed. છું, સાહેબ !

B.Ed. માં મારા સાહેબે કીધેલું કે જીવનમાં કોઈ કામ હલકું કે નીચું નથી. ભણ્યા પછી નોકરી મળે કે ન મળે “નાસીપાસ” નહિ થવાનું.બૂટપોલીશ કરો, ડ્રાઈવિંગ કરો કે ચાની કિટલી ચલાવો, પરંતુ “પ્રમાણિકતા” અને “નિષ્ઠા” ટકાવી રાખજો. સખત “પરિશ્રમ” તમારો “આત્મવિશ્વાસ” વધારશે. સંસારમાં આવતા પરિવર્તનને સહર્ષ સ્વીકારજો.ગ્રાહક અને આવક સતત વધતી જ રહેશે.’

રિક્ષાવાળાના મોઢેથી સાંભળેલા અદ્ભુત વાક્યો મને બ્રહ્મજ્ઞાનના નીતરતા નીર જેવાં લાગ્યાં. હું આજીવન પેસેન્જર બની ગયો હતો.સાચું કહું તો હું તેનો ફેન થઈ ગયો હતો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *